કચ્છ : નવરાત્રીના નવલા નોરતા ચાલુ થઈ ગયા છે. ત્યારે માઈભક્તો વિવિધ રીતે માતાજીની પૂજા અર્ચના કરી રહ્યા છે. તો રાત્રીના સમયે લોકો મન મૂકીને ગરબે રમી રહ્યા છે. મોટા મોટા સ્થળઓએ થતી મોટી ગરબીમાં પણ અનેક રીતે નવા નવા આકર્ષણો સાથે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. તો ગરબા શોખીનોને આકર્ષવા માટે અવનવા પ્રયોગો પણ આયોજકો દ્વારા કરવામાં આવ્યા છે. ભુજના માધાપર ખાતે પણ 42 વર્ષથી થતી નવરાત્રીની ઉજવણીમાં આ વખતે 1.5 લાખ જેટલા ઇટાલિયન બલ્બ દ્વારા સુશોભન કરવામાં આવ્યું છે.
અનોખો ઇટાલિયન શણગાર : કચ્છના પાટનગર ભુજના માધાપર ગામ ખાતે છેલ્લા 42 વર્ષથી નવરાત્રી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવે છે. દર વખતે કંઈક અલગ જ કરવા માટે પ્રખ્યાત માધાપરની શ્રી નવદુર્ગા નવરાત્રી મંડલના આયોજકોએ આ વખતે માત્ર કચ્છ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં પહેલીવાર 1.5 લાખ ઇટાલિયન બલ્બ સાથે કરેલો શણગાર આકર્ષણ જમાવી રહ્યો છે. અગાઉ પણ માધાપરના આ ગરબી કચ્છની શ્રેષ્ઠ નવરાત્રીનું પારિતોષિક મેળવી ચૂકી છે. આ ગરબીમાં ઇટાલિયન શણગાર સાથે 40 હજાર ઇન્ડિયન બલ્બનો પણ શણગાર કરવામાં આવ્યો છે.
શ્રી નવદુર્ગા નવરાત્રી મંડળ : માધાપરના શ્રી નવદુર્ગા નવરાત્રી મંડળના પ્રમુખ અરજણભાઇ ભુડિયાના માર્ગદર્શન હેઠળ આ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માધાપરના જ જાદવજી ભુડિયા અને નારણ ભુડિયા દ્વારા આ ખાસ ઇટાલિયન બલ્બ લાવવામાં આવ્યા છે. માધાપર એટલે કે જ્યાં સૌથી વધુ NRI લોકો રહે છે અને મોટા ભાગના પટેલ સમાજના લોકો વિદેશમાં રહે છે. આ લોકો તહેવાર દરમિયાન માધાપર આવીને અહીં રહેતા હોય છે. ત્યારે દર વર્ષે નવરાત્રીના તહેવારમાં વિશેષ ઉજવણી સાથે વિશેષ નજરાણું ઉભુ કરવામાં આવતું હોય છે.
1.5 લાખ બલ્બથી ઝગમગતું શહેર : માધાપર ગામ એટલે કે એશિયાનું સૌથી સમૃદ્ધ ગામ. દર વર્ષે નવરાત્રિને લઈને અહીંના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દર વખતે અહીં અલગ અલગ આકર્ષણ ઊભા કરવામાં આવતા હોય છે. આ વર્ષે માધાપરના નવાવાસની મુખ્ય બજારને ઈટાલીયન શૈલીથી શણગારવામાં આવ્યું છે. નવરાત્રીનો તહેવાર પૂર્ણ થયા બાદ દિવાળીનો તહેવાર આવશે જેને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે નવરાત્રીના નોરતામાં અહીં આધુનિક ઇટાલિયન લાઇટોના શણગારે સૌ કોઈનું મન મોહી લીધું છે. વિવિધ રંગોથી માધાપરના નવાવાસની બજાર ઝગમગી ઉઠી છે.