નખત્રાણાઃ કચ્છ આઈજી તેમજ કચ્છ એસપી સૌરભસિંહના માર્ગદર્શનમાં જિલ્લાના ગામોને વ્યસન મુક્ત કરાવવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે માટે પોલીસના જવાનો દ્વારા ગામે ગામ જઈને સેમિનાર યોજવામાં આવે છે. દારૂ, તમાકુ તેમજ સિગારેટ જેવા વ્યસનોથી મુક્તિ મળે એ માટે પોલીસ ગામના લોકોને સમજાવી રહી છે.
નખત્રાણાના પીઆઈ વી. જી. ભરવાડે જણાવ્યું કે, નખત્રાણાના વિભાગીય પોલીસ અધિકારી વી. એન. યાદવની સૂચના મુજબ નખત્રાણા તાલુકાના ગામોને વ્યસન મુક્ત કરવા દત્તક લેવાના હોવાથી અમે જિયાપર ગામને દત્તક લીધું છે. આ ગામને નિવ્યસની બનાવવા માટે નખત્રાણા પોલીસ મહેનત કરી રહી છે. ગામમાં પોલીસ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે અને તમામ ચહલપહલ ઉપર પોલીસ ચાંપતી નજર રાખશે.
વ્યસનમુક્ત કરવા ગામમાં કાયદો વ્યવસ્થા પણ સતર્ક કરવામાં આવશે. આ વ્યસન મુક્તિ અભિયાનથી ગામોમાં ગુનાખોરીનો ગ્રાફ પણ ઘટશે. યુવા વર્ગને સાચી દિશા પ્રાપ્ત થશે એવું પોલીસનું માનવું છે. આ અભિયાનને જોઈ અન્ય ગામો પણ સ્વેચ્છાએ વ્યસન મુક્ત ગામ બને એ ઈચ્છનીય છે. લોકો સમજણથી અભિયાનમાં સહયોગી બને એવું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું. જિયાપરના ગ્રામ્યજનો તેમજ પંચાયત દ્વારા પૂરતો સહયોગ મળી રહ્યો છે. અન્ય ગામના લોકો પણ આ અભિયાનમાં જોડાય તેવી પોલીસની ઈચ્છા છે.