કચ્છઃ લોકડાઉન કારણે સમગ્ર દેશની સાથે કચ્છ અને મુંબઈ વચ્ચેની રેલવે સેવા બંધ કરવામાં આવી હતી. લોકડાઉનના સમયમાં કચ્છ-મુંબઈ વચ્ચે માલવાહન ટ્રેન દોડાવામાં આવતી હતી. હાલના સમયમાં માલવાહક ટ્રેન પણ બંધ કરી દેવામાં આવી છે.
વર્તમાન સમયમાં અનલોક દરમિયાન દેશમાં અમુક રૂટ પર સ્પેશિયલ ટ્રેન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે ભુજથી મુંબઈ અને મુંબઈથી ભુજ વચ્ચે ટ્રેન સેવા શરુ કરવામાં આવે તેવી માગ ઉઠી છે. આ સાથે જ માલવાહક ટ્રેન શરૂ કરવામાં આવે તેવી પણ માગ રેલવે પેસેન્જર એસોસિએશન દ્વારા કરવામાં આવી છે.
લોકડાઉન પહેલા કચ્છથી મુંબઈ વચ્ચે કચ્છ એક્સપ્રેસ, સયાજીનગરી ભુજ બાંદ્રા, ભુજ શાલીમાર, આલાહજરત, કામખીયાળી એક્સપ્રેસ અને ભુજ પુણે સહિતની ટ્રેન દોડાવવામાં આવતી હતી. હાલ અનલોકમાં રેલવે સેવા શરુ કરવામાં આવી છે.
કચ્છ અને મુંબઈ વચ્ચે ટ્રેન સેવા શરૂ કરવા અંગે રજુઆત બાદ કચ્છના સાંસદ વિનોદ ચાવડા રેલવે મંત્રાલય અને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને કચ્છ-મુંબઈ વચ્ચે બે ટ્રેન દોડાવવામાં આવે તેવી રજૂઆત કરી છે. કારણ કે, હાલ ટ્રેન સેવા શરૂ નહીં હોવાથી કચ્છ અને મુંબઈ વચ્ચે અવર જવર કરતા લોકોને ખાનગી બસ અને હવાઈ માર્ગે મોંઘો પ્રવાસ કરવો પડી રહ્યો છે.