- છાડવારામાં ઝાડ પડતાં માતા-પુત્રનાં થયા મોત
- કમોસમી વરસાદના પગલે ઝાડના નીચે રિક્ષા ઊભી રાખી હતી
- અન્ય ઈજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા
કચ્છ: જિલ્લાના ભચાઉમાં વાતાવરણના પલટા વચ્ચે ભચાઉના છાડવારા ગામ પાસે ઝાડ તૂટી પડતાં નીચે ઊભેલી ઑટોરિક્ષામાં રહેલા માતા અને માસૂમ પુત્રનાં મોત થયા હતા. રિક્ષાચાલક ઈરફાન તેની પત્ની ખાતીજા ઈરફાન ઘાંચી (ઉ.વ.23) અને પુત્ર આફાન (ઉ.વ. આશરે દોઢ વર્ષ)ને લઈ આંબલિયારા નજીક આવેલી દરગાહે સલામ ભરવા ગયો હતો. ત્યાંથી પરત ફરતી વખતે અચાનક વાતાવરણમાં પલટો આવતાં ઈરફાને છાડવારા ગામના પાદરે વડના ઝાડ નીચે રિક્ષા ઊભી રાખી હતી.
આ પણ વાંચો: વડોદરાથી બોડેલી જતી કાર પર અચાનક ઝાડ પડ્યું, ચાલકનું ઘટના સ્થળે મોત
આ પણ વાંચો: વલસાડમાં વૃક્ષ તુટી પડતા ઘર વખરીને નુકસાન
વર્ષો જૂનું વડનું વૃક્ષ થયું ધરાશાઈ
ભારે પવનના કારણે વર્ષો જૂનું વડનું વૃક્ષ તૂટી પડતાં રિક્ષામાં બેઠેલો પરિવાર દબાઈ ગયો હતો. જેમાં ખાતીજા અને આફાનના મોત થયા હતા. રિક્ષામાં સવાર અન્ય ઈજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં હતા. બે માનવ જીંદગી માટે વરસાદ ઘાતકી બન્યો હતો. પોલીસે બનાવ સદંર્ભે વધુ તપાસ હાથ ધરી છે.