કચ્છઃ કોવિડ-19ના સમયગાળા દરમિયાન જિલ્લાના અબડાસા મતવિસ્તાર માટે યોજાનારી વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે કલેકટર પ્રવિણા ડી.કેના અધ્યક્ષસ્થાને શનિવારે મીટીંગ યોજાઇ હતી. વિવિધ રાજકીય પક્ષોને પ્રચાર પ્રસાર માટે કોરોના વાઈરસની માર્ગદર્શિકા મુજબ કરવાની થતી અમલવારી તેમજ આખરી ભાવપત્રક અંગેની આ મીટીંગ કલેકટર કચેરી ખાતે યોજવામાં આવી હતી.
મીટીંગ સબંધિત અધિકારી સાથે ભાજપના પ્રવિણસિંહ વાઢેર, સાત્વિકદાન ગઢવી તેમજ કોંગ્રેસના કાર્યાલય મંત્રી ધીરજ ગરવા, બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ લક્ષ્મણજી વાઘેલા સાથે કલેકટર અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ.બી.પ્રજાપતિ તેમજ આચારસંહિતા અમલીકરણ અધિકારી મેહુલ જોશીએ ચર્ચા કરી હતી.
આ બેઠકમાં રાજકીયપક્ષોના પ્રતિનિધિઓને ઉદભવતા પ્રશ્નો બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમના પ્રશ્નો અને સમસ્યાઓ બાબતે ચર્ચા અને રજુઆતો થઇ હતી. આચારસંહિતા અમલીકરણ અધિકારી મેહુલ જોશીએ અબડાસા મત વિસ્તારમાં અબડાસા, નખત્રાણા અને લખપત તાલુકામાં સંપૂર્ણ આચારસંહિતાનો અમલ તેમજ જિલ્લામાં અન્યત્ર આંશિક અમલ બાબતે વિગતે રજુઆત કરી હતી. પ્રચાર પ્રસાર માટે બેનર, હોર્ડિંગ, સોશિયલ મીડિયા તેમજ પ્રિન્ટ અને ઈલેકટ્રોનિકસ મીડીયાના દર અને નિમાયેલા અધિકારી તેમજ કમિટીની દેખરેખ બાબતે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ.બી.પ્રજાપતિએ સબંધિતોને માહિતગાર કર્યા હતા.
કોરોના વાઈરસના કારણે સાવચેતી અને સલામતીપૂર્વક પ્રચાર પ્રસારની કામગીરી બાબતે પણ સૌને સુચિત કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં સબંધિત અધિકારી યોગેશગીરી ગોસ્વામી, બી.એસ.એન.એલ, પી.જી.વી.સી.એલના અધિક્ષક એ.એસ.ગુરવા, નાકાઇ વિધુત જયકરણ ગઢવી, સી.બી.દહિયા, નીરવ બક્ષી, ઉપસ્થિત રહ્યા હતા.