કચ્છ: એક સમયે કચ્છના માંડવી બંદર પર 84 દેશના વાવટા ફરકતા હતા. બાદમાં માંડવીમાં લાકડાના જહાજોનું નિર્માણ શરૂ થયું હતુ. હવે સૌપ્રથમ વખત લોખંડમાંથી 78.5 મીટર લાંબુ અને 14 મીટર પહોળા જહાજનું નિર્માણ હાલમાં થઇ રહ્યું છે. 25 કરોડના ખર્ચે આ જહાજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
દરિયાઈ વહાણ: કચ્છ દરિયાઈ વહાણ બનાવવા માટે જાણીતું સેન્ટર છે. માંડવી એક સમયે વ્યવસાયિક ધોરણે મોટું બંદર હતું. જુદા જુદા 84 દેશના ધ્વજ અહીંયા ફરકતા હતા. અનેક એવા પરિવારો વર્ષોથી અહીંયા જહાંજ બનાવવાના કામ સાથે જોડાયેલા છે. છેલ્લાં એક વર્ષથી અહીં લોખંડનું જહાજ બની રહ્યું છે. જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ જહાજ અત્યાર સુધી માંડવીમાં નિર્માણ પામેલ જહાજો પૈકીનું સૌથી મોટું જહાજ છે. ઉપરાંત અત્યાર સુધી માંડવીમાં માત્ર લાકડાના જ જહાજો બનતા હતા. જ્યારે સૌ પ્રથમ વાર લોખંડનું જહાજ બની રહ્યું છે.
આ પણ વાંચો Kutch News : પોતાનો રેકોર્ડ તોડતું અદાણી પોર્ટ, કાર્ગો પરિવહનમાં નવું સીમાચિહ્ન
સ્થાનિક કારીગરોને પણ રોજગારી: માંડવી શહેરમાં દેશ-વિદેશના વહાણનું નિર્માણ થાય છે. કચ્છના માંડવીમાં આવેલો વહાણવટા ઉદ્યોગ વર્ષો જૂનો છે. અહીંના મિસ્ત્રીઓ પાસે દેશના જ નહીં, પરંતુ વિદેશના ગ્રાહકો મનગમતા વહાણ બનાવવાનો પણ ઓર્ડર આપે છે.અહીં વસતા લોકોની 4 થી 5 પેઢીઓ આ વહાણવટા ઉદ્યોગ સાથે સંકળાયેલી છે. પરંતુ પ્રથમ વખત અહી લોખંડનું જહાજ બની રહ્યું છે. સાથે જ તમામ જે એન્જિનિયર અને કારીગરો છે તે આપણા રાજ્યના જ છે. જેના લીધે કચ્છની હોટલ, રાશનના વેપારીઓ અને નાના કારીગરો અને ધંધાદારીઓને રોજગારી મળી રહી છે.
હાલમાં જહાજનું નામ બાર્જ રખાયું: આ જહાજ ખાનગી કંપની દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. આ જહાજના નિર્માણ માટે દર મહિને 100 જેટલા કારીગરો કામ કરી રહ્યા છે. આ જહાજના માલિક દ્વારા આ જહાજ માલવહન માટે ક્યાં સ્થળે લઈ જવામાં આવશે તે નક્કી કરવામાં આવશે. આ જહાજનું નામ આમ તો માલિક જ નક્કી કરશે. પરંતુ હાલમાં કારીગરો અને જહાજના એન્જિનિયર દ્વારા આ વિશાળ જહાજનું નામ બાર્જ રાખવામાં આવ્યું છે--આકાશ રામ
2500 ટન માલવાહનની ક્ષમતા: અનેક વર્ષો બાદ માંડવીના બંદરે કચ્છનું પ્રથમ વિશાળ લોખંડનું જહાજ છેલ્લા એક વર્ષથી આકાર પામી રહ્યું છે. આ જહાજ 1000 ટન લોખંડમાં બન્ની રહ્યું છે.આ જહાજની ખાસિયતની વાત કરવામાં આવે તો આ જહાજના નિર્માણમાં ઉપયોગમાં લેવાતી તમામ વસ્તુઓ ભારતની છે.આ જહાજની ક્ષમતા 2500થી 3000 ટન માલવહનની છે. આ જહાજની લંબાઇ 78.5 મીટર એટલે કે 256 ફૂટ, પહોળાઇ 14 મીટર એટલે કે 46 ફૂટ અને ઊંચાઇ 15 મીટર એટલે કે 50 ફૂટ જેટલી છે અને આ વિશાળ જહાજ બનાવવા માટે 12થી 15 એએમની પ્લેટ સાથે 1000 ટન જેટલા સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યું છે-- કમલેશ યાદવ(જુનિયર સુપરવાઈઝર)
વિશાળ જહાજ: આ વિશાળ જહાજ કચ્છમાં પહેલી વાર બની રહ્યું છે. બાકી તો અનેક જગ્યાએ લોખંડના જહાજો બનતા જ હોય છે. આ જહાજને ચલાવવા 600 હોર્સપાવરના બે એન્જિન મૂકવામાં આવશે. તો તેની સ્ટીલની પ્લેટ અને આકારના કારણે તે દરિયામાં સહેલાઈથી તરી શકે છે. છેલ્લા એક વર્ષથી આ વિશાળ જહાજનું નિર્માણ થઇ રહ્યું છે જે આગામી 2-3 માસમાં પૂર્ણ થશે.