2003થી કાર્યરત અને માનવીની અતૂટ સેવા કરતી માનવજ્યોત સંસ્થા
કચ્છમાં રસ્તે રઝળતા નિરાધાર મનોરોગીઓનું સેવાધામ
દરેક ક્ષેત્રે સેવાકીય કાર્ય કરીને માનવતાની સુવાસ ફેલાવતી સંસ્થા
કચ્છ: 2003માં ભુજના સેવાના ભેખધારી 5-7 મિત્રોને વિચાર આવ્યો કે પાગલોની સેવા કરવા કોઈ તૈયાર થતું નથી તો આપણા ગ્રુપે આવું કાર્ય કરવું અને એ વિચારને મૂર્તિ મંત કરવા એક રિક્ષા સાથે સેવા શરુ કરી અને આજે આ માનવજ્યોત (Manavjyot) રજીસ્ટર ટ્રસ્ટ બનીને માનવતાની સુવાસ ફેલાવી રહ્યું છે.
દરેક ક્ષેત્રમાં માનવતાના કાર્ય
રખડતા ભટકતા માનસિક વિકલાંગોને તેના આશ્રય સ્થાને જઈને ભોજન, કપડા, નવડાવવાનું, હજામત સુધીનું કાર્ય આ સંસ્થાના કાર્યકરો ખુબજ ઉમંગ અને લાગણી સભર રીતે કરતા હોય છે. તો ડ્રગ બેંક વડે વણ વપરાયેલી દવાઓ ભેગી કરી જરૂરત મંદોને વિતરણ, ભોજન સમારંભોમાં વધેલી રસોઈને ભૂખ્યાના પેટ સુધી ભોજન પહોંચાડવાનું, બિનવારસી લાશની અંતિમ ક્રિયા, વૃધ્ધોને ઘેર નિશુલ્ક ટીફીન, ગાય કુતરા માટે પાણીની કુંડીઓ તેમજ ચારો અને રોટલા, ઘર ભૂલેલા કે રખડતા ભટકતાઓને ઘેર સુધી પહોચાડવા કાર્ય માનવજ્યોત સંસ્થા દ્વારા કરવામાં આવે છે.
તાજા જન્મેલા બાળકો હોય કે બિનવારસી લાશો દરેકની સેવા કરે છે માનવજ્યોત સંસ્થા
સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 548 બિનવારસી લાશોની અંતિમ ક્રિયા કરવામાં આવી છે. 971 રખડતાં ભટકતાં માનસિક દિવ્યાંગોને ઘર સુધી પહોંચાડવામાં આવ્યા છે. 7625 વ્યક્તિઓને બસ ટ્રેન ટિકિટ ભાડાં આપી ઘર સુધી પહોંચાડયા છે. 345 યુવતીઓ મહિલાઓને બચાવી લઇ તેમને ઘર સુધી પહોંચાડવામાં આવી છે. 25 તાજા જન્મેલા બાળકો આ સંસ્થાને મળ્યા છે જેમાંથી 13ને બચાવી લેવાયા હતા અને 12 મૃત હાલતમાં મળ્યા હતા.
આ પણ વાંચો: ભુજના હૃદય સમાન હમીરસર તળાવ કાંઠે 106 ઘટાદાર વૃક્ષો પર કરાયું ચિત્રકામ
મહિલાઓ માટે વિશિષ્ટરૂપે સેવા કરવા તત્પર રહે છે સંસ્થા
માનવ જ્યોત સંસ્થા દ્વારા 198 ગુમ થયેલા બાળકોને શોધી આપી પરિવાર સાથે ફરી મિલન કરાવવામાં આવ્યું હતું તો 383 દિવ્યાંગોને ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવી છે. 378 જેટલી વિધવા મહિલાઓને સીવણ મશીન પણ અર્પણ કરાયા છે. 165 વૃદ્ધોને ઘર શોધી આપી ઘરે પહોંચતા પણ કરાયા છે, તો 36 જેટલી મહિલાઓને આપઘાતમાંથી પણ બચાવવામાં આવી છે તો દર વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પાણી પીવાના 15000 કુંડાનું વિતરણ પણ કરવામાં આવે છે તથા દર વર્ષે ચકલીઓ માટે સુરક્ષિત 10,000 ચકલી ઘરનું પણ વિતરણ કરવામાં આવે છે.
બાળકો, મહિલાઓ, વૃદ્ધો, પશુ-પક્ષીઓ દરેકની દેખરેખ
ભુજ શહેરમાં રહેતા એકલાઅટૂલા નિરાધાર વૃદ્ધોને નાત જાતના ભેદભાવ વિના દરરોજ તેમના ઘરે જઈ નિ:શુલ્ક ભોજન ટિફિન પણ પહોંચાડવામાં આવે છે. વહેલી સવારે કચરા પેટીઓમાં ઉતરી પસ્તી પ્લાસ્ટિક ગંગા ગણીને તેને વેચી પોતાના પરિવારને દરરોજ 20થી 30 રૂપિયા કમાવી આપતા બાળ શ્રમયોગીઓને અક્ષરજ્ઞાન પણ આ સંસ્થા દ્વારા આપવામાં આવ્યો છે બે સ્કૂલોમાં આવા 450 બાળકોને વાંચતા લખતા શીખવાડી સરકારી શાળામાં પ્રવેશ પણ આપવામાં આવ્યો છે, તો બાળ મજૂરોને શોધી શોધીને અક્ષરદાન આપવામાં આવે છે. આ ઉપરાંત દરરોજ ગાયોને ઘાસચારો, પક્ષીઓને ચણ, શ્વાનોને રોટલા માછલીઓને લોટ નાખવામાં આવતું હોય છે.
આ પણ વાંચો: કચ્છના ગૌરવમાં થશે વધારો, માંડવીમાં મહારાણા પ્રતાપની વિશ્વની સૌથી ઉંચી 61 ફૂટની પ્રતિમા બનશે
દરેક ઋતુમાં જરૂરિયાતમંદ સુધી પહોંચતી માનવજ્યોત સંસ્થા
આ ઉપરાંત સંસ્થા દ્વારા દર વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગરીબોના ઝુંપડે જઈ ઠંડા પાણીના માટીના માટલા વિતરણ કરવામાં આવે છે, તો શિયાળાના પ્રારંભે ઠંડીમાં ઠૂઠવાતા લોકોને ધાબળા વિતરણ કરવામાં આવે છે, ચોમાસાની ઋતુમાં પણ ઝુંપડા અને ભુંગાઓમાં રહેતા પરિવારને તાળપત્રીનું વિતરણ પણ કરવામાં આવે છે. ઉપરાંત પ્રસંગોપાત સમાજવાડીમાં વધી પડેલી રસોઈ કરી ગરીબોના ઝુંપડામાં વિતરણ કરવામાં આવે છે જે રસોઈમાંથી દર વર્ષે અઢી લાખથી વધું લોકોના પેટનો ખાડો પુરાય છે અને અન્નનો બગાડ થતો અટકે છે.
માનસિક દિવ્યંગો માટે આશીર્વાદરૂપ રામદેવ સેવાશ્રમ
કચ્છમાં રસ્તે રઝળતા માનસિક દિવ્યાંગો જેનું કોઈ નથી તેવા એકલાઅટૂલા માનસિક દિવ્યાંગોને અહીં રામદેવ સેવાશ્રમ સ્થળે લઇ આવી તેમના બાલ-દાઢી કટિંગ કરાવી, સ્નાન કરાવી, નવા વસ્ત્રો પહેરાવી દરરોજ ત્રણ ટાઇમ ભોજન પીરસવામાં આવે છે અને તેમને સારવાર પણ આપવામાં આવે છે. તેમને સવારના ભાગમાં યોગા કરાવવામાં આવે છે. ગીત-સંગીત સંભળાવવામાં આવે છે, કેરમ ક્રિકેટ જેવી રમતો રમાડવામાં આવે છે તથા ટેલિવિઝન પર સારા સારા શો પણ દેખાડવામાં આવે છે. ઉપરાંત સારવારથી તેમની યાદશક્તિ પાછી આવે છે જેના આધારે તેનું રાજ્ય, ગામ ,પરિવાર શોધી કાઢવામાં આવે છે અને આવા રસ્તે રખડતા ભટકતા માનસિક વિકલાંગોનું પરિવાર સાથે મિલન પણ કરવામાં આવે છે.
આ સંસ્થાની સેવાને સલામ
માનવજ્યોત સંસ્થા દ્વારા કોઈ પણ જાતના ભેદભાવ વગર સેવાની પ્રવુતિ માનવ માત્રના ભાવથી સૌ કાર્યકર્તાઓ પ્રેમથી કરે છે. કોઈ પણ જાતનું ફંડ આ સંસ્થા ભેગું કરવા ક્યાય જતી નથી માત્ર તેના કાર્ય જોઈને લોકો સ્વયભું તેને સહયોગ આપે છે. આમ, મોંઘો મનુષ્ય દેહ ફરીફરીને નહી મળે વારંવાર ભાઈ તું કરી લે ને સેવાના કામને સાર્થક કરતા આ સંસ્થાની સેવા કાર્યને સલામ કરવાનું સૌ કોઈને મન થાય છે.