કચ્છ : જિલ્લામાં 100 ટકાથી પણ વધુ મેઘરાજાએ સાર્વત્રિક મહેર કરી હોવાથી આ વખતે શ્રાવણી તહેવારો અને મેળાઓ બેવડા ઉત્સાહથી ઉજવાઈ રહ્યા છે. ત્યારે ‘સાતમ- આઠમ’ના તહેવારોની શ્રૃંખલા ઉજવવા ભુજમાં તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને ભુજ સજ્જ બન્યું છે. હમીરસરના કિનારે આ વખતે બે દિવસ મેળો ભરાશે, જેમાં શહેર ઉપરાંત આસપાસના ગામડાંના લોકો પણ ઉત્સાહથી ઉમટી પડશે.
હમીસરના કાંઠે જામશે મેળાવડો : ભુજમાં આવતીકાલથી પરંપરાગત રીતે હમીરસરકાંઠે સાતમ-આઠમનો મેળો ભરાશે. જેમાં કચ્છભરમાંથી માનવ મહેરામણ મેળાની મોજ માણવા ઉમટી પડશે. નગરપ્રમુખના હસ્તે મેળાને ખુલ્લો મુકાયા બાદ લોકોએ મેળાને માણશે. રજા હોવાના કારણે મેળામાં સવારથી જ ભારે ભીડ જોવા મળશે. સાંજના ભાગમાં મોટાભાગના શહેરવાસીઓ પણ પરીવાર સાથે મેળાની રંગત માણવા નીકળશે. 180 જેટલા સ્ટોલમાં વિવિધ ખાણી-પીણીની મોજ લોકો માણશે. તો આધુનિક ચકડોળ, રમત-ગમતના સાધનો, રમકડાની અવનવી વેરાયટીઓ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. તો આ વર્ષે કપડાં બજાર અને ટેટૂ બજાર પણ લોકોને મેળામાં જોવા મળશે.
"આ મેળાનું ટેન્ડર 7,09,180 જેટલું ભરાયુ હતું. હાલમાં મેળાની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે ખાસ કરીને આ વખતે 180 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે જેમાં હમિસર કાંઠે 80 જેટલા સ્ટોલ છે જેમાં 40 જેટલા સ્ટોલ રમકડાના છે જ્યારે અન્ય સ્ટોલ છે તે નાની નાની કટલરી, બુટ ચંપલ, પર્સ, મંદિરની ચીજવસ્તુઓ વગેરેના છે.લેકવ્યૂથી ખેંગાર પાર્ક સુધી 105 જેટલા સ્ટોલ છે તે ખાણીપીણીના છે.તો મેળાનો વીમો પણ લેવામાં આવ્યો છે જેમાં એક વીમો 40000 નો તો અન્ય 7000 નો વીમો લેવામાં આવ્યો છે" - સાતમ આઠમના મેળાના કોન્ટ્રાકટર જયેશ તન્ના
અવનવી રાઇડ્સ પણ જોવા મળશે : ભુજના મહાદેવ ગેટથી લઈને ખેંગાર પાર્ક સુધી આ મેળો યોજાતો હોય છે. હોટલ લેકવ્યુથી ઉમેદનગર સુધી વિવિધ મનોરંજન સાધનો ચકડોળ, જમ્પિંગ પોઇન્ટ, ટ્રેન જેવા સાધનોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સુધરાઈ દ્વારા પાણીના સ્ટોલ રાખવામાં આવ્યા છે.બે દિવસીય મેળામાં કોઈ અઘટિત ઘટના ન બને તે માટે ફાયર ફાઈટર, મેડિકલ ટીમ અને પોલીસ બંદોબસ્ત સહિતની વ્યવસ્થા પણ કરાઈ છે.
મંદિરમાં ભાવિ ભક્તોની ભીડ જોવા મળશે : આ ઉપરાંત આવતીકાલે સાતમ હોવાથી કચ્છભરના મંદિરોમાં પણ ભાવિકોની ભારે ભીડ જોવા મળશે. પરંપરા મુજબ ભુજમાં હમીરસર તળાવ પાસે આવેલા શીતળા માતાના મંદિરે ભક્તો જઈને પુજા-અર્ચન કરશે. ઉલ્લેખનીય છે કે, સાતમના ટાઢુ ખાવાની પરંપરા છે જેમાં બાળકોને ઓરી, અછબડા, શિતળા જેવા રોગોથી બચાવવા શિતળામાની માનતા પણ માનવામાં આવે છે.
આ વખતે અનોખી વસ્તુઓ પણ જોવા મળશે : સાતમ-આઠમના મેળા પ્રસંગે મહારાજશ્રી ભુપતસિંહજી કચ્છ કોઇન સોસાયટી-ભુજ કચ્છના સંગ્રાહકો દ્વારા દેશ-વિદેશની ટપાલ ટિકિટો, સિક્કાઓ, નોટો, પોસ્ટલ સ્ટેશનરી, કિ ચેઇન, એન્ટીક વસ્તુઓ ઉપરાંત ચંદ્રયાન-3ની પ્રતિકૃતિના સેલ્ફી પોઇન્ટ મોડેલ તેમજ અન્ય સંગ્રહના પ્રદર્શનનું મહારાઓશ્રી વિજયરાજજી લાયબ્રેરીમાં આયોજન કરવામાં આવ્યું છે.
" વર્ષોની પરંપરા મુજબ બે દિવસ હમીરસર કાંઠે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.આ મેળો બે દિવસનો હશે આવતીકાલે સવારે એનો ઉદ્ઘાટન થશે અને આઠમના રાત સુધી આ મેળો ચાલશે.વર્ષોથી ભુજ નગરપાલિકા આ મેળો કોન્ટ્રાકટરને ટેન્ડર મારફતે આપે છે અને કોન્ટ્રાકટર આ મેળામાં પ્લોટિંગ અને સ્ટોલનું કામ સાંભળતો હોય છે. આ મેળાનું મહત્વ એ છે કે ભુજએ કચ્છનું પાટનગર કહેવાય એટલે આજુબાજુના ગામડાઓમાંથી અમુક શહેરોમાંથી પણ લોકો આ મેળાની મોજ માણવા આવતા હોય છે માટે આ મેળો કચ્છનો આપણે મોટો મેળો છે તેવું કહી શકીએ." - ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કર