- કચ્છમાં માતાના મઢની જમીન ભૂસ્તરશાસ્ત્રીઓના સંશોધનમાં મંગળ ગ્રહ જેવી
- NASA, ઈસરો તેમજ વિવિધ યુનિ.ના વૈજ્ઞાનિકો કરશે સંશોધન
- ફેબ્રુઆરી-2022માં સંશોધન પ્રક્રિયા હાથ ધરાશે
કચ્છઃ વર્ષ 2014-15 દરમિયાન નાસાના (NASA) ,ઇસરોના (ISRO) તથા ભારતની કેટલીક યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા માતાના મઢ ખાતે એક વર્કશોપ યોજવામાં આવ્યો હતો. આ જમીન અંગે તો પહેલેથી જ નાસા દ્વારા સંશોધન કરવામાં આવ્યું હતું અને તપાસ કરવામાં આવી હતી કે મંગળ (Mars) ગ્રહ પર જેવી જમીન છે તેવી જમીન પૂરા વિશ્વમાં બીજે ક્યાં ક્યાં છે. ત્યારે ભારતમાં મહારાષ્ટ્ર, લદાખ અને કચ્છના દ્રશ્યો મંગળ ગ્રહની ભૂપૃષ્ઠ સાથે મેળ ખાતાં હોવાનું જણાયું હતું.
માતાના મઢ પાસે 3થી 4 વર્ગ કિલોમીટરમાં રંગીન ભૂમિ મંગળ ગ્રહ જેવી
કચ્છ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્રી ડો. મહેશ ઠક્કરે ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે,"કચ્છના માતાના મઢ (Matana Madh) પાસે 3થી 4 વર્ગ કિલોમીટરમાં રંગીન ભૂમિ છે જે પીળા તથા લાલ રંગની તથા પીળા અને લાલ રંગના જુદાં જુદાં શેડ્સ જેવી જમીન છે. જેમાં અલગ પ્રકારની માટી મળી આવી છે આ માટીની તપાસ ભુસ્તરશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી હતી અને આ માટે volcanic eruption પછી જે ખાખ જમા થાય છે તેમાંથી બનેલી માટી છે તેવું બહાર આવ્યું હતું. આ પ્રકારની માટી મંગળ (Mars) ગ્રહ પર પણ જોવા મળે છે"
જમીનનો અભ્યાસ કરીને જુદું જુદું સંશોધન કરાશે
મંગળ (Mars)ગ્રહ પર જે જેરોસાઈટ (Jerosite) નામનો ખનીજ જોવા મળે છે તેવું જ ખનીજ કચ્છના માતાના મઢ (Matana Madh)ખાતે જોવા મળ્યો હતો અને પરિણામે વૈજ્ઞાનિકોની ઉત્સુકતા વધી હતી. અહીં જેટલી જમીન છે તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. મંગળ ગ્રહ પર તો કોઈ માનવી પહોંચી નથી શક્યો માટે આ માટી પર સંશોધન કરીને જાણી શકાશે કે મંગળ ગ્રહ પર પાણીનું અસ્તિત્વ અને સદીઓ પહેલા વાતાવરણમાં ફેરફારને કારણે મંગળ ગ્રહ પર શું બદલાવ થયા.
જેરોસાઈટ ખનીજનું આર્થિક મહત્વ નથી
જેરોસાઈટ (Jerosite) ખનીજ કોઈ એવું ખનીજ નથી જેનું આર્થિક મહત્વ હોય. આ ખનીજ પૂરા પત્થરમાં 1 થી 2 ટકા જેટલું જ હોય છે અને તેનું કોઈ આર્થિક મહત્વ નથી. માત્ર મંગળ (Mars) ગ્રહની એનાલોગ સાઈટ છે તેના વિશે જાણવા માટે આ ખનીજ ઉપયોગમાં આવે છે.
કોરોનાને પગલે સંશોધન પ્રક્રિયા કરાઈ હતી સ્થગિત
નાસાના (NASA) વૈજ્ઞાનિકો 2019માં અહીં આવ્યા હતાં,પરંતુ કોરોના અને લોકડાઉનના લીધે સંશોધન આગળ વધી શક્યું ન હતું. પરંતુ હવે કોરોના પરિસ્થિતિના સુધાર સાથે ફરી માતાના મઢ (Matana Madh) ખાતે જેરોસાઈટ (Jerosite) મામલે દેશ વિદેશની સંસ્થાઓના વૈજ્ઞાનિકો દ્વારા સંશોધન કરવામાં આવશે. આ સંશોધન આગામી ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે તેવું કચ્છ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્રી ડો. મહેશ ઠક્કરે જણાવ્યું હતું.
માતાના મઢમાં વર્કશોપ યોજી સંશોધન હાથ ધરાશે
ફેબ્રુઆરી 2022માં NASAના, MET યુનિવર્સિટી, ISRO તથા જુદી જુદી યુનિવર્સિટી તેમજ કચ્છ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા પ્રથમ 3-4 દિવસનું વર્કશોપ યોજવામાં આવશે. જેમાં આ જમીનનું કઈ રીતે સંશોધન કરવું તેના પર અભ્યાસ કરવામાં આવશે તથા આવી બીજી સાઈટો કચ્છમાં કયાં કયાં છે તેનો વિસ્તૃત અભ્યાસ કરવામાં આવશે.
વૈશ્વિકસ્તરે માર્સ મિશનમાં સંશોધન પ્રક્રિયા મદદરૂપ થશે: ભૂસ્તરશાસ્ત્રી ડો. મહેશ ઠક્કર
ભૂસ્તરશાસ્ત્રી ડો. મહેશ ઠક્કરે જણાવ્યું હતું કે, આવી સાઇટ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળતી હોય છે અને હાલ વિકાસના જુદાં જુદાં કાર્ય કરવામાં આવતા હોય છે. રસ્તાના વિકાસ માટે રસ્તા પહોળા કરવામાં આવતા હોય છે ત્યારે આવી જમીનો કે જે ખૂબ મહત્વની છે માટે આવી જમીનોને રક્ષિત કરવી જોઈએ એવી અમારી અપીલ છે. જેથી આવનારી પેઢીઓ આના પર અભ્યાસ કરી શકે અને આ માર્સ (Mars) મિશનના અભ્યાસમાં કચ્છનો મહત્વનો ફાળો રહેશે.
આ પણ વાંચોઃ મંગળ ગ્રહ અને કચ્છના માતાના મઢ વચ્ચે શું છે સામ્યતા? જાણો વિગત
આ પણ વાંચોઃ મંગળ ગ્રહના દક્ષિણ ધ્રુવ પરના તળાવ કદાચ ખરેખર નથી!