કચ્છ : આજના આધુનિક ટેકનલોજીના સમયમાં લોકોમાં ડ્રોનનો ટ્રેન્ડ ખૂબ ચાલી રહ્યો છે. તેથી હવે ડ્રોનની કિંમત પણ વધતી જઈ રહી છે, ત્યારે ભુજના 2 યુવા ડ્રોન પાયલટ દ્વારા જાતે કોઠાસૂઝથી થ્રીડી પ્રિન્ટેડ પાર્ટ્સ સાથે 5થી 6 જેટલા જુદાં જુદા પ્રકારના મેન્યુઅલ ડ્રોન જેને FPV ડ્રોન કહેવામાં આવે છે તે બનાવવામાં આવ્યા છે. જોકે આ ડ્રોનની સફળ ટેસ્ટ ફ્લાઇટ યુવાનો દ્વારા કરવામાં આવી છે, પરંતુ હજી ટેકનિકલ એક્સપર્ટ પાસેથી તેની ખરાઈ કરવામાં આવશે.
કોઠાસૂઝથી બનાવ્યા FPV ડ્રોન : હાલમાં કોઈપણ કુદરતી સ્થળ કે પ્રાકૃતિક સૌંદર્યનો અદભુત નજારો ડ્રોનમાંથી કેદ કરવામાં આવ્યું હોય તો તે દ્રશ્ય હંમેશા એક નવું નજરાણું ઉભુ કરે છે. છેલ્લા થોડા સમયમાં અનેક યુવાનો ડ્રોન કેમેરાથી આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે. હાલ કચ્છમાં પણ હવે ડ્રોન પાયલટની સંખ્યા વધી રહી છે. ત્યારે કચ્છના બે યુવા ડ્રોન પાયલટ મિત્રો અભિષેક ગુસાઈ અને વિવેક સોનીએ પોતાની કોઠાસૂઝથી જુદાં જુદાં પાર્ટ્સ અને થ્રીડી પ્રિન્ટેડ પાર્ટ્સ દ્વારા FPV ડ્રોન બનાવી દેખાડ્યા છે.
લાંબા સમય સુધી વિવિધ પ્રકારના ઓટોમેટિક ડ્રોન પર હાથ અજમાવ્યા બાદ લાગ્યું કે સ્કીલ દ્વારા હવે મેન્યુઅલ ડ્રોન કે જેમાં પોતાના પસંદના ફીચર્સ દ્વારા પોતાની જરૂર મુજબના ડ્રોન બનાવવાનું નક્કી કર્યું. બન્ને મિત્રોએ સાથે મળીને ડ્રોનની ડિઝાઇન બનાવી તેના પાર્ટ્સ થ્રીડી પ્રિન્ટ કરી FPV કેટેગરીના 6 જેટલા ડ્રોન તૈયાર કર્યા છે. ફિક્સ ઓટોમેટિક ડ્રોનથી એકને એક સિનેમેટિક વિડિયો અને નેચરલ ડ્રોન વિડિયો લઈને હવે કંટાળો આવતો હતો માટે હવે જે રીતે એર શોમાં જેટ ફ્લાઇટ ફ્લિપ માટે અને કરતબો કરે તે રીતે મેન્યુઅલ ડ્રોનમાં પણ થઈ શકે તે માટે કરીને FPV કેટેગરીના ડ્રોન બનાવવાનો વિચાર આવ્યો હતો. - અભિષેક ગુસાઈ (ડ્રોન પાયલોટ)
આ ડ્રોનનો નજારો : ડ્રોન કેમેરાની કેટેગરીમાં હાલ પ્રખ્યાત થયેલા FPV ડ્રોન આજના યુવા ડ્રોન પાયલટ્સ માટે પસંદીદા બન્યા છે. રેગ્યુલર ઓટોમેટિક ડ્રોનમાં રેકોર્ડ થઈ રહેલા આકાશી નજારાનો વિડિયો મોબાઈલ સ્ક્રીન પર દેખાડે છે, ત્યારે આ સ્પોર્ટ્સ ડ્રોન કહી શકાય તેવા મેન્યુઅલ FPV ડ્રોનમાં રેકોર્ડ થતો વીડિયોનો નજારો પાયલટ ડિજિટલ ગોગલ્સ એટલે કે VR વડે જોઈ શકે છે અને ડ્રોનને જાણે પોતે ઉડાડતા હોય તે રીતે ઉડાન ભરી શકે છે અને જે કારણે અદભુત ફલાયિંગ અનુભવ મળે છે.
ડ્રોન ઉડાડવાનો પહેલેથી શોખ હતો અને મેન્યુઅલ ડ્રોન કે જેમાં પોતાના ઈચ્છા મુજબના ફંકશન હોય તેવી ઈચ્છા હતી. અન્ય કંપનીઓના રેડીમેડ ડ્રોનના ભાવ ખૂબ જ મોંઘા હોય છે, ત્યારે ઈન્ટરનેટ પરથી શીખી મે આ FPV ડ્રોન બનાવ્યા છે. ડ્રોનને ડિઝાઇન કરી તેના વિવિધ પાર્ટ્સ ખરીદી બાકીના નાના નાના ઈચ્છા મુજબના પાર્ટ્સ થ્રીડી પ્રિન્ટ કરીને આ ડ્રોન બનાવવામાં આવ્યા હતા. - વિવેક સોની (ડ્રોન પાયલોટ)
ડ્રોન પાયલટ કોમ્યુનિટી બને તે માટે પ્રયત્નો : FPV ડ્રોન બનાવ્યા માટે જરૂરી પાર્ટ્સ મેળવ્યા બાદ લગભગ 15 દિવસની અંદર ટાઈનીહુપ, સીનેલોગ 20, સિનેલોગ 35 અને ફાઈવ ઇંચ ફ્રીસ્ટાઇલ પ્રકારના 6 જેટલા ડ્રોન બનાવવામાં આવ્યા છે. ઉપરાંત આ ડ્રોન ઇન્ડોર અને આઉટડોર જગ્યાએ શૂટ કરી શકાય છે. હાલ કચ્છમાં ડ્રોન પાયલટ કોમ્યુનિટી બને તે માટે પણ કામ કરવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા મારફતે આ કોમ્યુનિટી આગળ વધે તે માટે પ્રયત્નો ચાલી રહ્યા છે.
પરીક્ષણ કરવામાં આવશે : આમ, આ બંને યુવાનો દ્વારા તૈયાર કરવામાં આવેલ ડ્રોનની ટેસ્ટ ફ્લાઇટ પણ યુવાનોએ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. હવે આગામી સમયમાં તેના રજીસ્ટ્રેશન તેમજ તે અંગે ટેકનિકલ એક્સપર્ટ દ્વારા તેનું પરીક્ષણ પણ કરવામાં આવશે.