કચ્છ : પ્રાચીન પરંતુ કાળક્રમે સ્મશાનની ભેંકાર અને સુમસામ જગ્યામાં ફેરવાઈ ગયેલા તીર્થભૂમિ છેલ્લા એક દાયકામાં રમણીય પ્રવાસન સ્થળમાં ફેરવાઇ ગઇ છે. એવા કચ્છના પ્રાચીન તીર્થસ્થાન પૈકીનું એક મહાદેવનું મંદિર છે. શ્રી ભૂતનાથ મહાદેવ મંદિર કે જ્યાં નિજ મંદિરમાં ગંગામાં અને પાર્વતીજીની સાથે ભૈરવ મહારાજની પ્રતિમા પણ સ્થાપિત થયેલી છે. તો નદીને કાંઠે ઉતર ક્રિયા, શ્રાદ્ધ કર્મ તર્પણ વિધિ, પિંડ દાન વગેરે ગંગા નદીને કાંઠે કર્યા બરાબર છે એવું કહેવાયું છે, આવા ત્રિવેણી સંગમ સ્થાને ભૂતનાથ મહાદેવ સ્મશાન ભૂમિમાં બેઠા છે.
નદી કાંઠે તમામ વિધિ કર્યા બરાબર : શ્રી ભૂતનાથ મહાદેવ મંદિર જ્યાં સ્થિત છે ત્યાં ઉત્તરગંગા-ખારી નદી દક્ષિણથી ઉત્તર દિશા તરફ વહે છે. હાલમાં બહુ ઓછી એવી નદીઓ છે કે જે દક્ષિણથી ઉત્તર તરફ વહેતી હોય. દુષ્કાળના સમયે પણ નદીમાં પાણી છલકાતો રહે છે એટલે એને વહેતી નદી પણ કહી શકાય. શાસ્ત્રોમાં આવી નદીને ગંગા નદી સમાન કહેવામાં આવી છે અને આવી નદીના કાંઠે ઉતરક્રિયા, શ્રાદ્ધ કર્મ, તર્પણ વિધિ, પિંડ દાન કરવું એટલે ગંગા નદીને કાંઠે તમામ વિધિ કર્યા બરાબર છે તેવું માનવામાં આવે છે. આમ, આ ઉત્તર ગંગાના કાંઠે અને ત્રિવેણી સંગમ સ્થાને ભગવાન ભૂતનાથ મહાદેવ સ્મશાનની ભૂમિમાં બેઠા છે.
મંદિરમાં ભૂતનાથ ભૈરવ મહારાજની પ્રતિમા : આ ઉપરાંત ગોરખ કાળમાં ગોરખ અહીં પધાર્યા હશે, રોકાયા હશે એના પુરાવા રૂપ અહીં ગોરખ મઢી, ગોરખનાથના હસ્ત ચિહ્ન, નાથ સંપ્રદાયના પથ્થરમાં કોતરાયેલા પ્રતીકો વગેરે અહીં છે. આ ઉપરાંત ભગવાન ભૂતનાથ મહાદેવના સ્થાનની સામેની બાજુએ દત્ત ટેકરી પર દત્ત મહારાજના પગલાં છે અને તેમનો ચેતન દત ધુણો ભૂતનાથ મંદિરના પ્રાંગણમાં છે. મંદિરની મુખ્ય વિશેષતા એ છે કે અહી ભૂતનાથ મહાદેવના નિજ મંદિરમાં ગંગાજી, પાર્વતીજીની પ્રતિમાની સાથે સાથે ભૂતનાથ ભૈરવ મહારાજની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે.
તંત્ર વિધાની સાધના માટેનું ઉત્તમ સ્થળ : ઉલ્લેખનીય છે કે, યોગ તેમજ તંત્ર સાધકોનું માનવું છે કે નદી કાંઠા પર આવેલી સ્મશાન ભૂમિમાં જો કોઈ શિવ મંદિરમાં ગર્ભગૃહમાં ગંગા માં અને પાર્વતી માની સાથે જ ભૂતનાથ ભૈરવ મહારાજની મૂર્તિ સ્થાપિત હોય તો એ સ્થળને યોગ તેમજ તંત્ર વિધાની સાધના માટેનું ઉત્તમ સ્થળ માનવામાં આવે છે અને આવી જગ્યાએ રહીને સાધના કરવી સૌથી ઉત્તમ માનવામાં આવે છે.
મંદિરના ઘુમ્મટમાં 11 જેટલી રુદ્રની મૂર્તિઓ : મુખ્ય વિશેષતા કહી શકાય તેવું આ મંદિરના ઘુમ્મટમાં 11 જેટલી રુદ્રની મૂર્તિઓ કંડારવામાં આવી છે. આ 11 રુદ્રની મૂર્તિઓ જોવા મળવી તે અસંભવ છે. ભારતમાં કે ભારત બહાર ક્યાંય પણ 11 રુદ્ર મૂર્તિ સ્વરૂપે કંડારાયા હોય કે ચિત્ર સ્વરૂપે પણ હોય એવું ક્યાંય જોવા નથી મળ્યુ ક્યાંક વધુમાં વધુ 5 રુદ્રના મૂર્તિ સ્વરૂપ કે ચિત્ર સ્વરૂપ જ જોવા મળ્યા છે. ત્યારે ઓરિસ્સાના કારીગરોએ શાસ્ત્રો,પુરાણો, શિલ્પ રત્નાકર જેવા ગ્રંથોમાં કરાયેલા 11 રુદ્રના સ્વરૂપ વર્ણન પરથી સરસ મજાની મૂર્તિઓ કંડારી છે. જેના કારણે કદાચ વિશ્વભરમાં આ પ્રથમ સ્થળ હશે જ્યાં 11 રુદ્ર મૂર્તિ સ્વરૂપે હોય.
40 જેટલી જાતની ચકલીઓ : મંદિરનો ઢાળ ઉતરતાં જ સપ્તઋષિ આશ્રમ આવેલો છે, જ્યાં ભારતમાં જૂજ જ જોવા મળે છે એવા સપ્તઋષિઓનું મંદિર છે. આ જગ્યા માત્ર ધર્મભૂમિ છે, તપોભૂમિ છે, તીર્થ ભૂમિ છે એવું પણ નથી. ઉપરાંત અહીંની ખારી નદીનો કાંઠો પક્ષી પ્રેમીઓ માટે પણ ખૂબ પ્રચલિત છે. વિશ્વની ચકલીઓની અલગ અલગ જાતોમાંથી 40 જેટલી જાતની મોજુદગી પક્ષીવિદોએ અહીં નોંધી છે એ સિવાય કેટલાય વિવિધ પક્ષીઓ અહીં પક્ષી પ્રેમીઓને આકર્ષે છે. બહુ અલભ્ય પ્રાણી ગુરનાર તેમજ સમડી, બાજ, 6 થી વધુ જાતની ચિબરી, ઘુવડ વગેરે જેવાપક્ષીઓ પણ અહીં લોકોને જોવા મળી જાય છે.
મહર્ષિ સુશ્રુત ઔષધવન નિર્માણ : ભૂતનાથ સેવા સંસ્થાન ટ્રસ્ટ અને દાતાઓના સહયોગથી ભૂતનાથ મંદિર પરિસર અને દત્ત મંદિરની આસપાસના કાંઠા વિસ્તારમાં મહર્ષિ સુશ્રુત ઔષધ વન નિર્માણ થવા જઈ રહ્યું છે. જેમાં કચ્છ તેમજ ભારતના વિવિધ વિસ્તારમાં જોવા મળતી ઔષધીય વનસ્પતિઓ અને વૃક્ષોનું વાવેતર, ઉછેર અને સંવર્ધન કરવામાં આવશે. છેલ્લા 12 વર્ષથી 80થી વધુ વિવિધ ઔષધીય વૃક્ષ છોડ ક્ષુપનું સંવર્ધન થઈ રહ્યું છે. જેમાં રુદ્રાક્ષ, શીમળો, ચંદન, રુખડો, ઉંબરો, અર્જુન, હરડે, બહેડા, કદંબ, સુવર્ણ ચંપો જેવા કચ્છમાં જૂજ જ ઉછરી શકતા વૃક્ષો સામેલ છે. સાથે પક્ષીઓને ખોરાક માટે પ્રિય એવા કરમદા, ફાલસા, પીલુ, લિયાર, ખાટી મીઠી આંબલી, જાંબુ, કેરી, લીંબુ, ગુંદા, બીજોરા અને એવા કેટલીય પ્રકારના વૃક્ષો અને ફળો ઉછરી રહ્યા છે.
મંદિર પાસે તો ઉતરવાહિની નદી છે જે ભાગ્યે જ જોવા મળે છે. આ નદીના કાંઠે હિન્દુ સ્મશાન છે. બધાય વર્ણના લોકોની ઈચ્છા હોય છે કે આ ખારી નદીના કાંઠે સ્મશાને અંતિમ ક્રિયા થાય. ભુતનાથ એટલે કે પંચમહાભૂત આપણા શરીરનું વિલીન જ્યાં થાય એનું નામ ભૂતનાથ. ભૂતોનો નાથ ભૂતનાથ નથી, પરંતુ શરીરના પંચદેવ છે, પંચ તત્વ છે એને ભૂત કહેવાય એ ભૂતમાં વિલીન થઈ જાય એટલે ભૂતનાથ અને એ ગર્ભગૃહમાં ભૂતનાથ ભૈરવ છે. આજથી 100-125 વર્ષ પહેલાં અહીં ક્રિયા, તંત્ર મંત્ર થતાં હતાં, ત્યારે તેની સ્થાપના કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય સ્થળોએ પિતૃ તર્પણ માટે કરવામાં આવતી ક્રિયા કરતાં અહીં ખારી નદીના કાંઠે વિધિ કરવાથી પિતૃની આત્માને મોક્ષ મળે છે. - ગૌરીગર ગોસ્વામી (ઉપપ્રમુખ, મંદિરના)
દાદાના પરચા અવર્ણીય : મંદિરના દર્શનાર્થી ગિરીશ ગોરે જણાવ્યું હતું કે, ભુતનાથ દાદા ભુજ ખારી નદી ઐતિહાસિક મંદિરમાં ઉપસ્થિત છે. 1986માં જ્યારે નખત્રાણાથી ભુજ રહેવા આવ્યા ત્યારથી 30-35 વર્ષથી મંદિરે નિયમિત આવતો હતો, પરંતુ વચ્ચે દાદાનો હુકમ નહીં થયો હોય એટલે નતું આવતું, પરંતુ હવે ભગવાને બાજુમાં બોલાવી લીધા છે. હવે નિયમિત અભિષેકનું સત્કર્મ ચાલુ છે અને દાદાના એટલા પરચા મળે છે કે એનું વર્ણન આપણા મુખથી આપણે ન કરી શકીએ સાક્ષાત સરસ્વતી જ્યાં સદાકાળ લખ્યા કરે અને એ વર્ણન ન કરી શકતા હોય તો આપણી હેસિયત શું કે આપણે દાદાના ગુણગાન ગાય શકીએ.