કચ્છ: જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, કચ્છમાં છ કેસમાંથી એકનું મોત અને પાંચ દર્દીઓ સ્વસ્થ થઇ ગયા છે. ભુજના યુવાનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, પણ તેને અન્ય બિમારીઓ હોવાથી તેના પરીક્ષણ બાદ તેને રજા અપાશે.
કચ્છમાં 21 માર્ચે કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો હતો. ઉમરાહની યાત્રાથી પરત ફરેલાં આશાલડી ગામના રહીમાબેન ઈબ્રાહિમ જતનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ પાંચમી એપ્રિલે માધાપરની ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં રહેતા 62 વર્ષિય સોની વૃધ્ધનો રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો હતો. 9 એપ્રિલે આ વૃધ્ધના પત્ની અને પુત્રવધૂના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતાં. આ પછી દસ દિવસ બાદ 19 એપ્રિલે આ વૃધ્ધના સંપર્કમાં આવેલા ભુજની ખાનગી હોસ્પિટલના 27 વર્ષિય કમ્પાઉન્ડર મનોજ પટેલ અને લખપતના કોટડા મઢ ગામના 62 વર્ષિય અબ્દ્રેમાન રાયમાન રીપોર્ટ પોઝિટિવ નિકળ્યો હતો.
જેમાંથી માદાપરના વૃદ્ધનું મોત થયું હતું. જ્યારે વૃદ્ધના પત્ની અને પુત્રવધુ સ્વસ્થ થઈ ગયા હતા. આ સાથે કોટડા મઢના વૃદ્ધ અને આશલડી ગામના એક વૃદ્ધા પણ સ્વસ્થ થઈ જતા તેમને રજા અપાઈ હતી. જ્યારે આજે એકમાત્ર દર્દીનો પણ રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. આમ કચ્છ કોરોનાની બાબતમાં ગ્રીન ઝોનમાં આવી ગયો છે.
દરમિયાન કચ્છ કોરોનામુક્ત જાહેર થઈ ગયું છે, પણ કોરોનામુક્તિનો આનંદ અલ્પજીવી બની શકે છે. ‘સાવધાની હટી તો દુર્ઘટના ઘટી’ની જેમ સહુએ એકમેકથી સોસિયલ ડિસ્ટન્સ જાળવવા સહિતના નિયમો પાળવાની અપીલ થઈ રહી છે. જિલ્લા કલેકટર પ્રવીણા ડી કે એ પણ કચ્છવાસીઓને હવે જાગૃતિ સાથે સાવચેત રહેવાનો અનુરોધ કરીને જણાવ્યુ હતું કે, હજુ લડાઈ ખતમ નથી થઈ યુદ્ધ જારી છે અને આપણે લડવાનું છે.