કચ્છ : કોઇપણ નકામી ચીજ વસ્તુ હોય તો લોકો બોલે છે કે નાખો પસ્તીમાં. પરંતુ શું કોઈ વિચારી શકે કે તે જ પસ્તી કોઈના જીવનમાં શિક્ષણ લાવી શકે છે. જી હા, ભુજના પસ્તી ગ્રુપ દ્વારા વર્ષ 2011થી ઘેર ઘેર જઈને પસ્તી એકત્રિત કરવામાં આવે છે. તેમાંથી થતી ઉપજ મારફતે જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવે છે.
જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને કીટ અપાઈ : ભુજના ટાઉનહોલ ખાતે પસ્તી ગ્રુપ દ્વારા આજે 11માં વર્ષે શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી. જેમાં કુલ 1200 જેટલા વિદ્યાર્થીઓને આ વર્ષે શૈક્ષણિક કીટ વિતરિત કરવામાં આવશે. જે પૈકી 500 જેટલા વિદ્યાર્થીઓને આજે ભુજના ટાઉનહોલમાં કીટ આપવામાં આવી હતી. સરકારી શાળામાં ધોરણ 1થી ધોરણ 8ના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આ કીટ દર વર્ષે આપવામાં આવે છે. આજે ભુજ મતવિસ્તારના ધારાસભ્ય કેશુ પટેલ અને અન્ય આગેવાનો તેમજ પસ્તી ગ્રુપના સભ્યો દ્વારા બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.
વર્ષ 2011માં જ્યારે ભુજની અંદર પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, ત્યારે વિદ્યાર્થીઓના પુસ્તક, નોટબુક અને અભ્યાસની સામગ્રી તણાઈ ગઈ હતી. જેની મદદ કરવા માટે પાંચ જેટલા મિત્રોએ ઘરે ઘરેથી પસ્તીનું કલેક્શન કરી અને તેને વેચાણ કરી વિદ્યાર્થીઓની વાહરે આવવાની ભાવનાથી વસ્તી ગ્રુપનો નિર્માણ થયું હતું. એ સતત 11 વર્ષથી અવિરત પણે ભુજની સરકારી સ્કૂલના જરૂરતમંદ વિદ્યાર્થીઓને નોટબુક બોલપેન, કંપાસ જેવી સામગ્રી ભેગી કરી એજ્યુકેશન કીટ બનાવી વિદ્યાર્થીઓને નિશુલ્ક વિતરણ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 16,000 જેટલી શૈક્ષણિક કીટ વિતરિત કરવામાં આવી છે. - મનીષ નિરંજન (પસ્તી ગ્રુપ)
પસ્તીથી જીવન છે અને પસ્તીથી પર્યાવરણ : પસ્તી દાતા શીલા ભટ્ટે જણાવ્યું હતું કે, પસ્તીથી ઘણું બધું કાર્ય થઈ શકે છે, તે આ પસ્તી ગ્રુપમાં જોડાયા બાદ જાણ થઈ. પસ્તીથી શિક્ષણ છે, પસ્તીથી જીવન છે અને પસ્તીથી પર્યાવરણ છે. પસ્તી ગ્રુપ વાળા પોતાનું ડીઝલ બારીને ઘરે ઘરે જઈને પસ્તી એકત્રિત કરતા હતા, પરંતુ ત્યાર બાદ અમારી સોસાયટીમાં દરેકના ઘરેથી પસ્તી એકત્રિત કરીને પસ્તી ગ્રુપના ઓફિસ પર જઈને પસ્તી પહોંચાડીએ છીએ અને દર વર્ષે આવું કરીએ છીએ. શૈક્ષણિક કીટથી બાળકો શિક્ષણ મેળવી શકે છે જે આજે ખૂબ જરૂરી છે.જે માં બાપ અને બાળકોને જરૂરિયાત હોય તેવા બાળકોને આ શૈક્ષણિક કીટ આપવામાં આવે છે અને આગામી સમયમાં પણ આ પસ્તી ગ્રુપ દ્વારા આ ઉમદા કાર્ય કરવામાં આવશે તેવી એમને ખાતરી છે.