કચ્છઃ કોરોના વાઇરસના કારણે જાહેર કરાયેલા લોકડાઉનના કારણે દેશના અર્થતંત્રને ભારે ફટકો પડયો છે. ખાસ કરીને ઉદ્યોગક્ષેત્રને મરણતોલ ફટકો પડયો છે. ભૂકંપ પછી કચ્છમાં સ્થપાયેલો સ્ટીલ ઉદ્યોગ સૌથી વધુ અસરગ્રસ્ત થયો છે. તેને રાહત આપવા કચ્છના ઉદ્યોગ સંગઠન ફેડરેશન ઓફ કચ્છ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન દ્વારા કેન્દ્રીય નાણાપ્રધાન સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
![કચ્છના સ્ટીલ ઉઘોગોને રાહતની ખાસ જરૂર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gjktc04kutchcompanyrajuaatscriptphoto7202731_27042020175511_2704f_1587990311_482.jpeg)
પાઈપલાઈન ઉદ્યોગમાં અંદાજે 25 હજાર જેટલા લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી મળે છે અને વિશ્વના 50 જેટલો દેશોમાં એકસપોર્ટ થાય છે. પાઈપલાઈન ઉદ્યોગ આર્થિક મંદીના કારણે ઉદ્યોગને કેટલીક સમસ્યાઓ સર્જાઈ હતી. પરંતુ' કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા તત્કાલ પગલાઓના કારણે સારી રાહત થઈ છે.
હાલ કોરોના વાઇરસની મહામારીના કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં પાઈપલાઈન એકમોને થયેલી નુકસાની સંદર્ભે રાહત આપવા ફોકિયા દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
શિપિંગ પ્રધાન દ્વારા દેશના મહાબંદરો વપરાશકર્તા પાસે કોઈ ડેમરેજ ચાર્જ ન લેવા તાકીદ કરાઈ છે. જે આવકાર્ય છે. પરંતુ આ રાહત મહાબંદરો પૂરતી થઈ, આંતરરાષ્ટીય શિપિંગ લાઈનો દ્વારા વસૂલાતા ડેમરેજ સામે કંપનીઓને સુરક્ષા આપવાની દિશામાં કાર્યવાહી કરવા માગ કરાઈ છે.
CFASને લોકડાઉનની તારીખથી 6 મહિના સુધી કોઈ પણ ચાર્જ ન વસૂલવા અંગે તાકીદ કરાય તેવી માગ કરાઈ છે. જો ફોર્સ મેજર જાહેર નહીં કરાય તો વિદેશી શિપિંગ લાઈનના ડેમરેજના કેસના મારથી કંપનીઓની હાલત કફોડી થઈ જશે. સાથે સાથે વડાપ્રધાન રોજગાર યોજનાને વધુ ત્રણ વર્ષ લંબાવવા માગ કરાઈ છે.
જેથી રોજગારીનું પણ સર્જન થઈ શકે. હાલ કંપનીઓ પર આર્થિક ભારણ વધુ ન પડે તે માટે એક વર્ષ સુધી લઘુતમ પગાર ધોરણ મનરેગા પ્રમાણે રાખવા માગ કરાઈ છે. લોકલ ક્રેડિટમાં 6 મહિનાની મુદત વધારવા, તમામ પાઈપલાઈન ઉત્પાદકોના બાકી ચૂકવણાં તાત્કાલિક કરવા, ઉદ્યોગોને ઓછા વ્યાજ સાથે 30 ટકા વધારાની વર્કિંગ કેપિટલ આપવા પણ માગ કરવામાં આવી છે. તેમ સંગઠન ફોકિયાની સતાવાર યાદીમાં જણાવાયુ હતું.