કચ્છઃ 22મી જાન્યુઆરીએ પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાવાનો છે. આખા દેશમાં આ કાર્યક્રમને લઈને ઉત્સાહ છે. દરેક કલાના કલાકારો પોતાની કલામાં પ્રભુ શ્રી રામ અને રામ વિષયક ઘટનાઓની કૃતિ તૈયાર કરી રહ્યા છે. દુર્લભ કળા રોગાન આર્ટમાં કચ્છના કલાકારે પ્રભુ શ્રી રામ વિષયક રામ દરબારની કૃતિ તૈયાર કરી છે. રોગાન આર્ટના ઈતિહાસમાં આ કૃતિ સૌપ્રથમ વાર બની છે.
ઈતિહાસમાં પ્રથમ વારઃ રોગાન આર્ટ બહુ પ્રાચીન અને દુર્લભ કળા છે. ખૂબ ઓછા કારીગરો અત્યારે આ કળા સાથે સંકળાયેલા છે. કચ્છના ભુજના માધાપરમાં રહેતા આશિષ કંસારાએ આ કળા અંગે પાટણમાંથી જ્ઞાન મેળવ્યું હતું. છેલ્લા 6 વર્ષથી આશિષ કંસારા રોગાન આર્ટમાં કાર્યરત છે. તેઓ રોગાન આર્ટમાં કામ કરતા કચ્છના સૌ પ્રથમ કલાકાર છે. રોગાન આર્ટમાં સૌથી વધુ ટ્રી ઓફ લાઈફની કૃતિઓ બનતી હોય છે. આશિષ કંસારા રોગાન આર્ટમાં ટ્રી ઓફ લાઈફ સિવાય દેવી દેવતાના ચિત્રો, સાડી, દુપટ્ટા, બ્લાઉઝ અને ચણિયા તૈયાર કરે છે. આ વખતે આશિષ કંસારાએ રામ દરબારની કૃતિ રોગાન આર્ટમાં તૈયાર કરીને સૌને ચોંકાવી દીધા છે. આ કૃતિની સર્વત્ર ચર્ચા થઈ રહી છે.
રામ દરબાર કૃતિ વિષયકઃ રોગાન આર્ટમાં આશિષ કંસારાએ 3 મહિનાની મહેનત અને જહેમતથી રામ દરબાર કૃતિ બનાવી છે. આ કળામાં કાપડની અડધી બાજુ કામ કરીને તેને વાળી દેવામાં આવે છે અને બંને બાજુ રંગ અને રોગાન કરવામાં આવે છે. આશિષ કંસારાએ બે અલગ અલગ પ્રકારના કાપડનો ઉપયોગ કરીને પ્રભુ શ્રી રામ દરબારની કૃતિ તૈયાર કરી છે. આ કૃતિમાં પ્રભુ શ્રી રામ યુદ્ધ જીત્યા બાદ અયોધ્યા પરત ફર્યા ત્યારે જે દરબારનું આયોજન કરવામાં આવ્યું તે દર્શાવ્યું છે. જેમાં પ્રભુ શ્રી રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, હનુમાનજી, શિવ, બ્રહ્મા, ગણેશ, વિશ્વામિત્ર, નારદ મૂનિ વગેરેને દર્શાવવામાં આવ્યા છે. આ દરેક મહાન પાત્રો સમગ્ર રામાયણમાં માત્ર એક જ વાર એકત્ર થયા હતા. આ ક્ષણને આશિષ કંસારાએ રોગાન આર્ટમાં કૃતિ તરીકે રજૂ કરી છે. આશિષ કંસારાએ આવી બે કૃતિ તૈયાર કરી છે. આગામી સમયમાં આ કૃતિને અયોધ્યામાં સ્થાન મળે તેવા પ્રયત્નો આશિષ કંસારા કરી રહ્યા છે.
પ્રભુ શ્રી રામની અયોધ્યમાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તેનો ઉત્સાહ સમગ્ર દેશમાં છે. મેં પણ આ સંદર્ભે રોગાન આર્ટમાં પ્રભુ શ્રી રામ દરબારની કૃતિ બનાવી છે. આ કૃતિ રોગાન આર્ટમાં સૌ પ્રથમવાર બની છે. આ કૃતિમાં પ્રભુ શ્રી રામ યુદ્ધ જીત્યા બાદ અયોધ્યા પરત ફર્યા ત્યારે જે દરબારનું આયોજન કરવામાં આવ્યું તે દર્શાવ્યું છે. જેમાં પ્રભુ શ્રી રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, હનુમાનજી, શિવ, બ્રહ્મા, ગણેશ, વિશ્વામિત્ર, નારદ મૂનિ વગેરેને દર્શાવવામાં આવ્યા છે. આ દરેક મહાન પાત્રો સમગ્ર રામાયણમાં માત્ર એક જ વાર એકત્ર થયા હતા...આશિષ કંસારા(રોગાન આર્ટના કલાકાર, માધાપર, કચ્છ)