કચ્છ: મોખાણા-ડગાળા વાડી વિસ્તારમાં સુવાવડના એક જટિલ કિસ્સામાં અડધી રાત્રે પેરામેડિકલ સ્ટાફના યુવાન દ્વારા બે નવજાત બાળકો અને તેની માતા સહિત ત્રણ જિંદગીને બચાવી લીધી હતી. આ ઘટનાથી `થ્રી ઇડિયટ' ફિલ્મના દ્રશ્યો સર્જાયા હતા. આ પેરામેડિકલ યુવાનની પ્રસંશનીય કામગીરી અંગેના સમાચાર સમગ્ર કચ્છમાં વાયુવેગે ફેલાયા હતા.
'ભુજ તાલુકાના મોખાણા-ડગાળા વાડી વિસ્તારમાં ચાર દિવસ અગાઉ વળી વિસ્તારમાં મજૂરી કરવા માટે આવેલા એક મહિલાને રાત્રે પ્રસૂતિની પીડા ઉપડી હતી. જે અંગે પરિવારે પાડોશીને જાણ કરી હતી અને આ અંગે મોખાણાના વતની અને ધાણેટીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડગાળા સબ સેન્ટરમાં મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર તરીકે ફરજ નિભાવતા ધુલા વરચંદ નામના યુવાનને જાણ કરતાં તે રાત્રે 12 વાગ્યે જ વાડી વિસ્તારમાં પહોંચી તાત્કાલિક 108 ને જાણ કરી હતી.' -ધુલાભાઇ વરચંદે, પેરામેડિકલ વર્કર
108 એમ્બ્યુલન્સ 50 કિલોમીટર દૂર હતી: 108 વાડી વિસ્તારથી 50 કિલોમીટર દૂર હતી અને અહીં મહિલાને અતિશય પીડા ઉપડી હતી. આસપાસ અન્ય કોઇ મહિલા પણ નહોતી અને મહિલાને રક્તસ્રાવ શરૂ થઇ ગયો હતું. ઉપરાંત બાળકનું માથું પણ બહાર આવી ગયું હતું ત્યારે આ યુવાને પોતાની પાસે ઉપલબ્ધ મેડિકલ કિટ સાથે મહિલાને સફળ પ્રસૂતિ કરાવી હતી. મલ્ટિપર્પઝ હેલ્થ વર્કર ધુલાને ખ્યાલ આવ્યો કે માતાના પેટમાં વધુ એક બાળક હતું.
ફોન પર મદદ લઈને કરી સફળ પ્રસૂતિ: રાત્રિના એક વાગ્યે મલ્ટિપર્પઝ હેલ્થ વર્કરે લાખોંદ સેન્ટરના ફિમેલ હેલ્થ વર્કર દક્ષાબેન જાટિયાને ફોન કરી આખી પરિસ્થિતિ વર્ણવી અને ફોન પર જ મદદ માગતાં ફોન ઉપર જ દક્ષાબેન જાટિયા માર્ગદર્શન આપતા ગયા અને બીજા બાળકની પણ સફળ પ્રસૂતિ કરવામાં આવી હતી. પ્રસૂતિ બાદ બંને જોડિયા બાળકો સાથે માતાને ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને ત્રણ લોકોની જિંદગી બચી ગઇ અને ત્રણેયનું સ્વાસ્થ્ય હાલ સારું છે.