કચ્છ : ભુજના પ્રાગ મહલ ખાતે હસ્તકલાના કારીગરોના લાભાર્થે રાજ પરિવાર દ્વારા ‘પ્રાગમહેલ એટીલિયર' ખુલ્લુ મુકવામાં આવ્યું છે.જ્યાં વિવિધ 3 વિભાગમાં વિવિધ સંસ્થાઓ દ્વારા વિવિધ કળાના ડિઝાઇનિંગ, ઉત્પાદન અને પ્રદર્શન કરવામાં આવશે.પ્રવાસીઓની સીઝનમાં કચ્છના રાજ પરિવાર દ્વારા પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષણનું કેન્દ્ર ઉભુ કરવામાં આવ્યું છે.
હસ્ત કલાકારીગરોને યોગ્ય પ્લેટફોર્મ : કચ્છ એટલે કે કલાકારીગરીનું એપી સેન્ટર. છેલ્લા અનેક દાયકાઓથી કચ્છની વિવિધ હસ્તકલાઓએ વિશ્વભરના પ્રવાસીઓનું ધ્યાન ખેંચ્યું છે. ત્યારે કચ્છની હસ્તકલા અને કારીગરો વિશ્વભરમાં પ્રસિદ્ધ થયા છે. કચ્છમાં વિવિધ સંસ્થાઓ હસ્ત કલાકારીગરોને યોગ્ય પ્લેટફોર્મ પણ પૂરું પાડે છે.
વેચાણથી થતો ફાયદો સીધો કારીગરોને મળશે : કચ્છ આવતા પ્રવાસીઓ ભુજમાં દરબારગઢમાં આવેલ પ્રાગ મહેલની અચુકથી મુલાકાત લેતા હોય છે. ત્યારે હસ્તકલાના કારીગરોના લાભાર્થે અહીં ‘પ્રાગમહેલ એટીલિયર' ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જેમાં કચ્છના વિવિધ કારીગરો દ્વારા વિવિધ કળાના ડિઝાઇનિંગ, ઉત્પાદન અને પ્રદર્શન કરવામાં આવશે. કારીગરો દ્વારા તૈયાર કરેલ વિવિધ કળાના વસ્તુઓના વેચાણથી થતો ફાયદો સીધો કારીગરોને મળશે.
ઐતિહાસિક લૂક સાથે એટીલિયર : ભુજના દરબારગઢમાં આવેલા પ્રાગ મહલના સંકુલમાં પ્રવેશતાની સાથે જ રોયલ ટચ સાથે કારીગરોને લાભ મળે તેવા હેતુ સાથે રાજ પરિવાર દ્વારા હસ્તકળા સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. રાજ પરિવારના કંઝર્વેશન આર્કિટેક શ્રીરાજસિંહ ગોહિલ દ્વારા આ સમગ્ર ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.
કચ્છ જિલ્લાના કારીગરોને એક જ જગ્યાએથી વિવિધ કળા કારીગરીનો પ્રચાર પ્રસાર અને વેચાણ થાય તેમ જ તેમને સીધો ફાયદો થાય તે ઉદેશથી મહારાણી પ્રીતિદેવીના સુચનો સાથે ઐતિહાસિક લૂક સાથે આ એટીલિયર શરૂ કરવામાં આવ્યું છે...શ્રીરાજસિંહ ગોહિલ (કંઝર્વેશન આર્કિટેક)
ડિઝાઇનર અને કારીગરોનું સંગમ : એટીલિયર એક ફ્રેન્ચ શબ્દ છે જેનો અર્થ ડિઝાઇનર્સ અને કારીગરો સાથે મળીને પ્રોડક્શન કરે તે જગ્યા.ટૂંકમાં ડિઝાઇનર અને કારીગરોનું સંગમ અહીં કરવામાં આવ્યો છે. પ્રાગમહેલ એટીલિયરમાં પેલેસ બુટીકને પણ સ્થાન આપવામાં આવ્યું છે જેમાં રાજ પરિવારના કુંવર હર્ષ આદિત્યસિંહ જાડેજા દ્વારા સંચાલન કરવામાં આવશે. તો કચ્છ ક્રાફ્ટ કલેકટીવ સંસ્થા દ્વારા હસ્તકળા પ્રદર્શિત કરવામાં આવી થયું છે જેમાં વિવિધ કળાના ડિઝાઇનિંગ કરવામાં આવશે. તો ત્રીજા વિભાગમાં સોમૈયા કલા કેન્દ્ર કરીને સંસ્થા છે કે જેઓ કારીગરોને ડિઝાઇનિંગ અને પ્રોડક્શન વિશે શિક્ષિત કરી વિકાસ કેમ થાય તેના ઉપર કામ કરે છે તે સંસ્થા પણ આગામી સમયમાં અહીઁ જોડાશે.
એટિલિયરમા 3 વિભાગ : દેવપર ઠાકોર કૃતાર્થસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, પ્રાગમહેલ એટીલિયરનું મહારાણી પ્રીતિદેવી દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ એટિલિયરમા 3 વિભાગ ઊભા કરવામાં આવ્યા છે. જેમાં સોમૈયા કળા કેન્દ્રને એક વિભાગ સોંપવામાં આવ્યું છે અન્ય વિભાગ કચ્છ ક્રાફ્ટ કલેકટીવમાં વિવિધ 5 સંસ્થાઓ જેમાં શ્રૂજન, કચ્છ કસબ, ખમીર, વી.આર.ટી.આઇ, ક્લા રક્ષા દ્વારા કળા દર્શાવવામાં આવ્યું છે.તો ત્રીજા વિભાગમાં પેલેસ બૂટિક શરૂ કરવામાં આવ્યું છે જેમાં સહેલાણીઓને કચ્છની વિવિધ કળાના નમૂનાઓ ત્યાં જોવા મળશે.
રાજ પરિવારના આર્કિટેક : શ્રીરાજસિંહ ગોહિલ દ્વારા ડિઝાઇન પ્રાગમહેલ એટીલિયર છે તે દરબારગઢ તરીકે ઓળખાય છે એમાં 500 વર્ષથી પણ જુના સ્થાપત્યો છે. પ્રાગ મહેલ વર્ષ 1870માં બનાવેલો હતો અને ઇટાલિયન ભૌતિક શૈલીનો હતો. એટીલિયર જે સ્થળે બનાવવામાં આવ્યું છે તે વખતસિંહ જાડેજાના સમયમાં આશાપુરા સ્કૂલ હતી અને આ નવા બાંધકામમાં તેનો આગળનો ભાગ એવો જ રાખવામાં આવ્યો છે. ઉપરાંત પાછળની ગઢરાંગ પણ એવી જ રાખવામાં આવી છે. રાજ પરિવારના આર્કિટેક શ્રીરાજસિંહ ગોહિલ દ્વારા આમાં કામ કરવામાં આવ્યું છે.