ભુજ : ગુજરાતની સાથે કચ્છની પાંચ નગરપાલિકાઓમાં નવા પ્રમુખ સહિત નવી ટીમની રચના આજે થઈ હતી. પ્રદેશ ભાજપે કરેલી જાહેરાત બાદ રાજકીય સમીકરણો બદલાયા છે. ત્યારે હવે પછીના અઢી વર્ષ નગરપાલિકાઓમાં નવી બોડી કાર્યરત થશે. કચ્છની ભુજ, અંજાર, મુન્દ્રા, ગાંધીધામ અને માંડવી નગરપાલિકાના નવા હોદ્દેદારોની આજે નિમણૂક કરવામાં આવી છે.
રશ્મિબેન સોલંકી બન્યાં પ્રમુખ : ભુજના ટાઉન હોલ ખાતે ભુજ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. ભુજમાં અઢી વર્ષ માટે પાલિકા પ્રમુખ તરીકે રશ્મિબેન સોલંકીની પસંદગી કરવામાં આવી છે. જયારે ઉપપ્રમુખ તરીકે ઘનશ્યામ ઠક્કર, કારોબારી ચેરમેન તરીકે મહીદીપસિંહ જાડેજા, શાસકપક્ષના નેતા તરીકે કમલ ગઢવી નામની જાહેરાત કરવામાં આવી છે.
નવનિયુક્ત હોદેદારોનું ટાઉનહોલ ખાતે સન્માન : ભુજના ટાઉનહોલ ખાતે નવા હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં પાલિકા નવા પ્રમુખ તરીકે રશ્મિબેન સોલંકી અને ઉપપ્રમુખ તરીકે ઘનશ્યામ ઠક્કર વરણી કરવામાં આવી છે. નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ રશ્મિબેન બે ટર્મથી નગરસેવક છે. જયારે ઉપપ્રમુખ ઘનશ્યામ ઠક્કર લોહાણા સમાજમાંથી આવે છે. તેઓ સિનીયર અને અનુભવી નગરસેવક છે. જયારે કારોબારી ચેરમેન મહીદીપસિંહ જાડેજા ક્ષત્રિય સમાજમાંથી આવે છે. તેવઓ સિનીયર હોવાથી કારોબારી ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે. ભુજ નગરપાલિકા નવનિયુક્ત હોદેદારોનું ટાઉનહોલ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું.
3 હોદ્દેદારો વોર્ડનંબર સાતમાંથી : ભુજ નગરપાલિકા અનેક સમસ્યાઓથી ઘેરાયેલી છે, ત્યારે પાલિકાના નવા હોદેદારોમાં વોર્ડ સાતનો દબદબો જોવા મળ્યો કારણે કે પાલિકા પ્રમુખ, શાસકપક્ષના નેતા અને કારોબારી ચેરમેન વોર્ડ સાતમાંથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. નવનિયુક્ત પ્રમુખ રશ્મિબેન સોલંકીએ મીડિયા સાથે વાતચીત કરી હતી
પાર્ટીએ મારા પર ભરોસો મૂકીને મને પ્રમુખ તરીકે નીમ્યા છે. ત્યારે ભુજમાં વધારે વિકાસકામો થાય તેવા પ્રયાસ કરવામાં આવશે અને ગત ટર્મની બોડી દ્વારા જે કામો અધૂરા રહી ગયા છે તે પૂરા કરવામાં આવશે....રશ્મિબેન સોલંકી (નવનિયુક્ત પ્રમુખ,ભુજ નગરપાલિકા)
પાયાની સમસ્યાઓ દૂર કરશે : ભુજ નગરપાલિકાના નવા કારોબારી ચેરમેન મહીદીપસિંહ જાડેજાએ પાર્ટીના આગેવાનો, સાંસદ સભ્યનો તેમની નિમણુંક કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આગામી સમયમાં ભુજમાં પાયાની સુવિધાઓની સમસ્યાઓ પાણી, ગટર,લાઈટ અને સફાઈની સમસ્યાઓ દૂર કરવાના પ્રયત્નો કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.