કચ્છ : ભુજ નગરપાલિકાના વોર્ડ નં 08 નરનારાયણનગર સોસાયટીમાં અમૃત યોજના હેઠળ મંજૂર થયેલ ગટર યોજનાનું કાર્યાલય આદેશ હોવા છતાં કામગીરી અમલમાં મૂકાઇ નથી. જેને લઇને નરનારાયણનગરમાં ગટરની ખૂબ જ ગંભીર સમસ્યા સર્જાઈ છે. ત્યારે સ્થાનિક લોકોએ આજે કલેકટર કચેરીએ દોડી જઇ આવેદનપત્ર આપીને સમસ્યા ઉકેલવા રજૂઆત કરી હતી.
લોકો ગટરના પાણીથી ત્રાહિમામ : નરનારાયણનગરમાંમાં ત્રિમંદિર સામે આવેલી સોસાયટીમાં અંદાજિત 300 પરિવારો વસવાટ કરી રહ્યા છે. પરંતુ છેલ્લા બે વર્ષથી સોસાયટીના ગટરનો પ્રશ્ન જટિલ બનતો જાય છે. વારંવાર સ્થાનિક રહેવાસીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. હાલમાં ગટરના પાણી આ સોસાયટીમાં ઠેર ઠેર ભરાઈ ગયેલ છે અને ભયંકર રોગચાળો ફેલાવાનો ભય પણ રહેલો છે. સમાચારપત્રોમાં પણ અનેકવાર આ બાબતે ખબર પ્રસિદ્ધ કરવામાં આવી હોવા છતાં કોઈપણ જાતનો ઉકેલ આજ સુધી આવ્યો નથી.
સમસ્યાથી છૂટકારો અપાવવા રજૂઆત : આ ઉપરાંત સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ ભુજ નગરપાલિકાના સત્તાધીશો અને વોર્ડ નંબર 8 ના નગરસેવકોને પણ જણાવ્યા છતાં આજ સુધી કોઈ પણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી. માત્ર રજૂઆત કર્યા બાદ એકવાર ગટર સાફ કરવામાં આવે છે, પરંતુ બીજા દિવસે ફરી એની એ સમસ્યા ઊભી થઈ જાય છે. ત્યારે નગરસેવકોએ ગ્રાઉન્ડલેવલે આ સોસાયટીની મુલાકાત લઈને સમસ્યા જાણી ચોક્કસથી આ સમસ્યા ઉકેલવા માટે પગલાં લેવા જોઈએ તેવી માંગ સ્થાનિક લોકોએ કરી હતી.
ડેન્ગ્યુ મલેરિયા જેવા રોગો ફેલાવાની દહેશત : સ્થાનિક નરેન્દ્ર ઠકકરે માહિતી આપતા જણાવ્યું હતું કે આજે સોસાયટીના લોકો ભેગા થઈને કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાર્ટીને સમસ્યાના ઉકેલ માટે રજૂઆત કરી હતી. જો આગામી ટૂંક સમયમાં આ સમસ્યાનો નીવેડો નહીં આવે તો સોસાયટીના તમામ રહેવાસીઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આંદોલન કરવામાં આવશે. જેથી કરીને સમસ્યાનો ઉકેલ ઝડપથી લાવવામાં આવે તેવી રહેવાસીઓ માંગ કરી હતી. તો આ વિસ્તારમાં ગટરના પાણી ભરાવાના કારણે પીવાના પાણીની લાઈનમાં પણ ગટર મિશ્રિત પાણી આવે છે જે આરોગ્યની રીતે યોગ્ય નથી. તેનાથી ડેન્ગ્યુ મલેરિયા જેવા રોગો ફેલાવાની દહેશત પણ ઊભી થાય છે.
સમસ્યાના ઉકેલ ન આવતા લોકોમાં નારાજગી : સ્થાનિક મહિલાઓના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં રોગચાળો પણ વધી રહ્યો છે તેમજ અસર ગટરની વાસના લીધે રહેવાનું પણ મુશ્કેલ બન્યું છે. તો નરનારાયણનગરમાં મોંઘા મોંઘા મકાન અને પ્લોટ લીધા બાદ પણ પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે લોકોને પરેશાની ભોગવવી પડી રહી છે. સ્થાનિક લોકો દ્વારા ભુજ નગરપાલિકા કલેકટર કચેરી તેમજ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડને પણ અનેકવાર રજૂઆત કરવામાં આવી છે છતાં પણ સમસ્યાના ઉકેલ ન આવતા લોકોમાં નારાજગી ફેલાઈ છે.
કાર્યપાલક ઇજનેરે આપ્યું આશ્વાસન : સમગ્ર બાબત અંગે વાતચીત કરતા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ભુજ સર્કલના કાર્યપાલક ઇજનેર મનોજ ગુરુંગે જણાવ્યું હતું કે, રેલવે ક્રોસિંગ કરીને ગટર લાઈન માટેની મંજુરી લાંબા સમયથી બાકી હતી જેથી કરીને આ સમસ્યા ઊભી થઈ છે. હવે યોજના હેઠળ ગટર લાઇનની મંજૂરી મળી ગઈ છે અને કલેકટર સાથે પણ ચર્ચા થઈ છે. આગામી જાન્યુઆરી માસ દરમિયાન આ સમસ્યાનો ઉકેલ આવી જશે.