કચ્છ : કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના સાયંરા (યક્ષ) ખાતે કચ્છના સૌથી મોટા અને મીની તરણેતર યક્ષ બૌંતેરાના ભાતીગળ મેળાનો આજરોજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રીબીન કાપીને શુભારંભ કર્યો હતો.1282મી વખત યોજાઈ રહેલા આ મેળાના ઇતિહાસમાં પ્રથમવાર મુખ્યપ્રધાન દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
1282 વખત યોજાઇ રહ્યો છે આ મેળો : જિલ્લામાં મોટા યક્ષનો મેળો સૌથી મોટો મેળો છે અને તે મિની તરણેતરના મેળા તરીકે ઓળખાય છે. આ વર્ષે 17 એકરમાં આ મેળો યોજવામાં આવ્યો છે. જેમાં 600થી પણ વધુ વિવિધ નાના મોટા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. જ્યારે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ અને હોમગાર્ડના 250 કર્મચારીઓ તો પ્રાથમિક સારવાર અર્થે પણ આરોગ્ય કર્મચારીઓ પણ પોતાની ફરજ બજાવી રહ્યાં છે.
4 દિવસના મેળામાં હજારો લોકોને રોજગારી : મોટા યક્ષના મેળાનું અનેરું મહત્વ છે ને આ પરંપરાગત મેળો 1282મી વખત યોજાઈ રહ્યો છે. આ મેળામાં રમકડાંથી માંડીને ઘર સુશોભનની વસ્તુઓ તેમજ કપડાં, પગરખાં જેવી અનેક વસ્તુઓ વેંચવા વેપારીઓ દૂર દૂરથી આવ્યા છે. 4 દિવસ સુધી યોજાનારા આ મિની તરણેતરના મેળા થકી હજારો લોકોને રોજગારી મળશે. આ મેળાનું આકર્ષણ આજે પણ અકબંધ છે અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી લોકો આ મેળામાં ફરવા આવે છે.
ખીર અને મીઠા ભાતનો પ્રસાદ : આજથી કચ્છનો આ મેળો ચાર દિવસ માટે ખૂલ્લો મૂકવામાં આવ્યો છે. આ મેળામાં પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં લોકો મુલાકાતે આવ્યા હતા.4 દિવસીય આ મેળામાં મનોરંજન તેમ જ દરેક પ્રકારની વસ્તુઓના સ્ટોલ, ચગડોળ સહિતનાં સાધનો પણ હોય છે. જ્યારે આજૂબાજૂના ગામડાંમાંથી લોકો અહીં યક્ષ દેવની ખીર અને મીઠા ભાત જેને પહેડી કહેવામાં આવે છે તે યક્ષ દાદાને ચડાવે અને માનતા માને છે. સમગ્ર કચ્છના લોકો આ યક્ષ બૌતેરા દાદા પર અનન્ય શ્રદ્ધા ધરાવે છે.
મનોરંજન માટે અનેક રાઈડ : 17 એકરમાં ઊભા કરાયેલા આ મેળામાં 600થી પણ વધુ વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. આ સ્ટોલમાં કટલેરી, ખાણીપીણી, ચકડોળ, ઈલેક્ટ્રીક સાધનો, ખેત ઓજારો, રેડિમેડ કપડાં સહિતની નાની મોટી બજારો, સહેલાણીઓ માટે પાણી, આરોગ્ય, ફાયરબિગ્રેડ અને STની વ્યવસ્થા પણ 24 કલાક સુધી ઉપલબ્ધ કરવામાં આવી છે. મનોરંજનમાં ચકડોળ, બ્રેક ડાન્સ, ડોરા ડોરા, મોતનો કૂવો, ભૂતિયા હાઉસ, બોટ,જાદુગર, ટ્રેન વગેરે જેવી રાઈડ પણ રાખવામાં આવી છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છને પ્રવાસનનું તોરણ બનાવી વર્લ્ડ ટૂરિઝમ મેપ ઉપર કચ્છનો રણોત્સવ અને કચ્છની લોક સંસ્કૃતિ, વિવિધ સ્થળોનું મહત્વ પ્રસ્થાપિત કર્યું છે. જેને કહેવાય છે કે - કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા. જિલ્લામાં યક્ષનો મેળો, માતાનો મઢ, હાજીપીર, કોટેશ્વર, રવેચી, જેસલ-તોરલ સમાધિ, નારાયણ સરોવર અને લખપત ગુરુદ્વારા જેવા ધાર્મિક-ઐતિહાસિક સ્થાનકો કચ્છની આગવી લોક સંસ્કૃતિના ધબકાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આફતને અવસરમાં પલટવા લોકોમાં કેળવેલી ક્ષમતા અને કચ્છીઓના ખમીર-ઝમીરથી આજે કચ્છ પૂરપાટ ગતિએ વિકાસ કરી રહ્યું છે...ભૂપેન્દ્ર પટેલ (મુખ્યપ્રધાન)
કચ્છમાં પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ મળ્યો : 1282મી વખત યોજાઈ રહેલા મેળા અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે નાની ગ્રામ પંચાયતના સહયોગથી યોજાયેલા મોટા યક્ષના ભવ્યમેળાને ગ્રામ પંચાયતોના સશક્તિકરણનું જ્વલંત ઉદાહરણ ગણાવ્યું હતું. કચ્છના લોકોત્સવો, તહેવારો, મેળાઓ માણવા આવતા પ્રવાસીઓ સ્મૃતિવન સ્મારકની મુલાકાતે અવશ્ય જાય તેવું સ્મારક વડાપ્રધાનની પ્રેરણાથી બન્યું છે. જેના થકી કચ્છમાં પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ મળ્યો છે.
નાગરિકોને સ્વચ્છતા માટે અનુરોધ : કચ્છ આજે પરંપરાગત લોક સંસ્કૃતિની વિરાસત અને આધુનિકતાના સંગમ સાથે દેશભરમાં આત્મનિર્ભર બન્યું છે. પારંપારિક ઐતિહાસિક યક્ષનો લોકમેળો પણ વિવિધ કલાકૃતિ, રમકડાં, ખાન-પાન, મનોરંજનના સાધનોના માધ્યમથી સ્થાનિક રોજગારી વૃદ્ધિ અને ગ્રામીણ અર્થતંત્રની આત્મનિર્ભરતાનું પ્રતિક બન્યું છે. મેળો માણવા આવનારા નાગરિકોને આ લોક મેળાની અને આસ્થાના પવિત્ર સ્થાનકની સ્વચ્છતા જાળવીને ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’નો મંત્ર સાકાર કરવા અનુરોધ કર્યો હતો.
પવિત્ર યાત્રાધામના અંતગર્ત વિકાસ : કચ્છ મોરબી સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, છેલ્લા બારસો વર્ષની પરંપરા અનુસાર યક્ષના મેળાનું આયોજન કરવામાં આવે છે. આ લોકમેળો કચ્છના લોકોના હદયમાં એક આગવું સ્થાન ધરાવે છે. 4 દિવસ સુધી યોજાતા આ મેળામાં અનેક લોકોને રોજગારી મળે છે.લાખોની સંખ્યામાં સહેલાણીઓ આ મેળાની મજા માણે છે. પવિત્ર યાત્રાધામના અંતગર્ત આ પાવન ધરાના વિકાસ માટે સરકાર પણ પ્રતિબદ્ધ છે.
તમામ સુવિધાઓ ઉપલબ્ધ : મોટા યક્ષ મેળા સમિતિના અધ્યક્ષ ધીરજ પટેલે જણાવ્યું હતું કે, " 4 દિવસ ચાલતા આ મેળામાં લાખોની સંખ્યામાં સહેલાણીઓ આવે છે તો સાથે જ હજારો લોકોને રોજગારી મળે છે.ખાણીપીણીની માંડીને મનોરંજનની વ્યવસ્થા અહીં કરવામાં આવી છે.તો પોલીસ બંદોબસ્ત, આરોગ્ય સેવા પણ અહી તહેનાત કરવામાં આવી છે.મોટા શહેરોમાં જેવી મેળાની વ્યવસ્થા નથી હોતી તેવી આ નાના ગામમાં ઊભી કરવામાં આવી છે."