કચ્છ : કચ્છના અબડાસા મતવિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાના પુત્ર સામે ખનીજ ચોરીનો આક્ષેપ કરતો પત્ર લખવામાં આવ્યો છે. આ પત્ર ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને ઉદ્દેશીને લખવામાં આવ્યો છે. કચ્છના રેહા મોટા ગામના પૃથ્વીરાજસિંહ સોઢાએ કર્યા ધારાસભ્યના પુત્ર અર્જુનસિંહ પર જુદાં જુદાં આક્ષેપો કર્યા છે અને CMને અરજી કરી છે. આ બાબતે પ્રધ્યુમનસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ એમને બદનામ કરવાનું કાવતરું છે.
આ કાવતરું અમને બદનામ કરવા માટે રચાયું છે. આ બાબતે કોઈ પણ ગેરકાયદેસર કામ જણાઈ આવે તો હું જાતે ખનીજ વિભાગના કહું છું કે તપાસ કરે. કોઈ પણ જગ્યાએ ગેરકાયદેસર કામ થવું ન જોઈએ અને જો ખોટું થયું હોય તો મારા પુત્ર સામે પણ કાર્યવાહી થવી જોઈએ. આમ તો અગાઉ વિધાનસભાની ચૂંટણી સમયે પણ કાવતરા થયા હતાં જે નિષ્ફળ થયાં. માટે હવે આવી રીતે ખોટા આક્ષેપ કરી રહ્યા છે અને અરજી તો કોઈ પણ કરી શકે છે અને અરજી કરવાવાળાની પાછળ બીજા કોઈ વ્યક્તિ પણ હોઈ શકે છે... પ્રદ્યુમ્નસિંહ જાડેજા, ધારાસભ્ય, અબડાસા
રોયલ્ટી કરતા વધારે માલ ભરવાનો આક્ષેપ : સીએમને પત્રમાં લખવામાં આવ્યું છે કે ધારાસભ્યના પુત્ર અર્જુનસિંહના પોતાના નામે નખત્રાણા તાલુકાના કોટડા (જડોદર) ગામમાં બ્લેકટ્રેપની લીઝ છે. એ લીઝની તપાસ કરવામાં આવે તો લીઝ વિસ્તાર બહારથી હજારો ટન ખનીજ ગેરકાયદેસર રીતે ઉપાડવામાં આવ્યું છે અને અર્જુનસિંહ પાસે પોતાની ગાડીઓ છે જે ફૂલ અવરલોડમાં ચાલે છે તો સાથે જ રોયલ્ટી કરતા વધારે માલ ભરવામાં આવી રહ્યું છે. તો લીઝની માપણીશીટના આધારે માપણી કરવામાં આવે તો સાચી હકીકત બહાર આવે તેમ છે.
રેહા મોટા ગામના પૃથ્વીરાજસિંહે સોઢાએ અબડાસા ધારાસભ્યના પુત્ર જાડેજા અર્જુનસિંહ પ્રધુમનસિંહની બ્લેક ટ્રેપની લીઝ મોજે-કોટડા (જડોદર) તા. નખત્રાણા - કચ્છની લીઝ બહારથી ઉપાડેલ છે. તેમજ બેન્ટોનાઇટ અને રેતીની ચોરી કરે છે તેવા આક્ષેપો સાથેનો પત્ર મુખ્યપ્રધાનને મોકલવામાં આવ્યો છે અને સત્તાના મદ પર આવીને બેફામ ખનીજ ચોરી કરે છે તેવું પત્રમાં જણાવવામાં આવ્યું છે. ઉપરાંત એમની સામે અવાજ ઉઠવા માટે કોઇ પણ તૈયાર થતું નથી અને જે અવાજ ઉઠાવે છે અને ધાક ધમકીઓ આપીને સતાનો દુરુપયોગ કરીને દબાવી નાખે છે..પૃથ્વીરાજસિંહ સોઢા(ફરિયાદી)
કરોડો રૂપિયાની ખનીજ ચોરીનો પર્દાફાશ થશે : અર્જુનસિંહ દ્વારા લક્ષ્મીપરા નેત્રા વિસ્તારમાંથી ગેર કાયદેસર રીતે બેન્ટોનાઇટ ખનીજની ચોરી કરવામાં આવે છે અને મોડી રાતે પોતાની ગાડીઓથી બેન્ટોનાઇટ ચોરી કરે છે. તેમજ નખત્રાણા તાલુકાની ગેયડા ગામની નદીમાંથી રેતીની ચોરી પણ કરવામાં આવે છે. જો આની તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાની ખનીજ ચોરીનો પર્દાફાશ થાય એમ છે તેવું પત્રમાં જણાવવામાં આવ્યું છે.
નખત્રાણા GIDCમાં સ્ટોકયાર્ડની તપાસ કરવા માંગ : આ ઉપરાંત પત્ર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે અર્જુનસિંહનો નખત્રાણા GIDCમાં સ્ટોકયાર્ડ પણ છે. જો એ સ્ટોકયાર્ડ યાર્ડની તપાસ કરવામાં આવે તો એમાં પણ સારું એવું કૌભાંડ બહાર આવી શકે તેમ છે. અબડાસા વિધાનસભાના ધારાસભ્યના પુત્ર દ્વારા જે આવું કૃત્ય કરવામાં આવી રહ્યું છે જે ખૂબ નિંદનીય છે. અર્જુનસિંહની છેલ્લા પાંચ વર્ષની આવકની તપાસ કરવામાં આવે તો પણ ઘણું સત્ય બહાર આવી શકે તેમ છે.
પવનચક્કીઓમાં પણ અર્જુનસિંહના 33 ટકા : અન્ય આક્ષેપો કરતા પૃથ્વીરાજસિંહ સોઢાએ જણાવ્યું હતું કે, અબડાસા મતવિસ્તારમાં કામ કરતા નાના - મોટા કોન્ટ્રાક્ટરોને દબાવીને પૈસાની વસૂલી કરે છે. આ કોન્ટ્રાકટરો અર્જુનસિંહની સત્તાના બીકથી બહાર આવતા નથી. અબડાસા મતવિસ્તારમાં આવતી પવનચક્કીઓમાં પણ અર્જુનસિંહ 33 ટકામાં પાર્ટનર છે. જો કોઇ કંપની પાર્ટનરશીપ આપવાની ના કહેે તો તેને કામ કરવા દેવામાં નથી આવતું. જે અંગે ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો અર્જુનસિંહના ધણા એવા કારસા બહાર આવે એમ છે.
ટૂંકાગાળામાં કરોડો રૂપિયાની આવક ક્યાંથી : સરકાર સમક્ષ યોગ્ય તપાસ અંગે પૃથ્વીરાજસિંહ સોઢાએ વાતચીત કરતા જણાવ્યું હતું કે લીઝની તટસ્થ માપણી કરવી તેમજ અર્જુનસિંહ દ્વારા બેન્ટોનાઇટ તથા રેતીની ચોરી થાય છે એની તપાસ કરી ચોરી અટકાવવામાં આવે તેમજ સ્ટોકયાર્ડની તપાસ કરવામાં આવે. આટલા ટૂંકા સમયગાળામાં કરોડો રૂપિયાની આવક ક્યાંથી આવી તે અંગે પણ તટસ્થ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માટેની માંગ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સમક્ષ પત્ર લખીને કરવામાં આવી છે.