કચ્છ : દર વર્ષની જેમ આ વર્ષે પણ કચ્છના સફેદ રણમાં ગુજરાત પ્રવાસન નિગમ અને કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય પંતગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સફેદ રણની ચાંદની માણવા આવતા પ્રવાસીઓ કાઇટ ફેસ્ટિવલ નિહાળી અભિભૂત થયા હતા. આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં વિવિધ દેશો,ભારતના વિવિધ રાજ્યો અને કચ્છના પતંગરસિયાઓ ઉત્સાહભેર જોડાયા હતા. કચ્છ કલેકટર,પ્રાંત અધિકારી, માર્ગ અને મકાન વિભાગ અધિકારી અને ધોરડો ગામના સરપંચ કચ્છ મિય હુસેન દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2024નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
આતંરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024માં કયા દેશ : આ વર્ષે સફેદ રણમાં યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં બેલ્જિયમ, ફ્રાન્સ, ઓમાન, પોર્ટુગલ, રોમાનિયા,સિંગાપોર , ફિલિપાઇન્સ, પોલેન્ડ, સ્લોવેનિયા, સાઉથ આફ્રિકા, તુનીશિયા, યુક્રેન, વિએતનામ, તથા ઈન્ડિયાના રાજસ્થાન, કેરળ, પુડ્ડુુચેરી, તમિલનાડુ, ગુજરાતના અમદાવાદ અને કચ્છ સહિતના 13 દેશના પતંગબાજો આતંરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024માં ભાગ લીધો હતો.
સ્થાનિક લોકોએ ઉમંગભેર માણ્યો પતંગ મહોત્સવ : કચ્છના આંગણે થતી ઉજવણીને લીધે દેશ-વિદેશના અવનવા પતંગો સાથેના કરતબો માણવાના અવસરનો લાભ પણ કચ્છના સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓને પ્રાપ્ત થયો હતો. દેશ-વિદેશનાં પતંગબાજોને કોઇ ખલેલ પહોંચે નહીં અને શાંતિથી પતંગની મજા માણી શકે તે માટે કચ્છના સફેદ રણમાં તંત્ર દ્વારા સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ધોરડો ખાતેના કાઇટ ફેસ્ટીવલને સ્થાનિક લોકો પણ ઉમંગભેર માણ્યો હતો અને અવનવા પતંગોથી આકાશ રંગીન બની ગયું હતું.
સ્થાનિકોને પતંગોત્સવનો લાભ લેવા અનુરોધ : કચ્છ કલેકટર અમિત અરોરાએ 13 દેશોના તથા ભારતમાં જુદાં જુદાં રાજ્યોના પતંગ બાજોને આવકાર્યા હતાં અને સફેદ રણ તથા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની મુલાકાત લેવા અપીલ કરી હતી. તેમજ છેલ્લા કેટલાક વર્ષોમાં ધોરડોનો વિકાસ પ્રવાસન ક્ષેત્રે ખૂબ થયો છે. જેટલા પણ સાંસ્કૃતિક પ્રોગ્રામ થાય છે તેને ધોરડો અને પ્રવાસન સાથે જોડવામાં આવે તેવા પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે. આવા આયોજનો થકી કચ્છના સરહદી વિસ્તારના ગામડાંઓનો વિકાસ થાય તેવા પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે.
યુક્રેનના યુદ્ધના માહોલ વચ્ચે કચ્છમાં મળી શાંતિ : યુક્રેનના પતંગબાજ એલેક્સએ કચ્છની સંસ્કૃતિ, લોકો અને મહેમાનગતિની વાત કરી હતી તથા કચ્છના સફેદ રણમાં અદભૂત અનુભવની વાત કરી હતી. તો સાથે જ યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે અહીઁ કચ્છની મુલાકાતે આવ્યા છે અને બહુ જ સારું અનુભવ થઈ રહ્યો છે. તો અહી કચ્છના લોકો અમારી સામે હસીને સ્માઈલ આપી રહ્યા છે અને યુદ્ધના માહોલમાં આહી આવીને શાંતીનો અનુભવ થઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવમાં ભાગ લઈને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
દુનિયાના પતંગબાજો એકબીજાને મળે છે : સાઉથ આફ્રિકાના પતંગબાજ Mari Ware-Lane એ જણાવ્યું હતું કે, પહેલી વખત કચ્છમાં આવવાનું થયું છે અને ખૂબ જ સારું અહીઁ લાગી રહ્યું છે. અહીંના લોકોને મળીને પણ ખૂબ આનંદ થયો અને દુનિયાના પતંગબાજોને પણ આ કાઇટ ફેસ્ટિવલ થકી મળવાનું થાય છે તે પણ એક લહાવો છે.
અહીંના લોકો સાથે મજા પડી : Tunisia ના પતંગબાજ Amel amira એ જણાવ્યું હતું કે, પહેલી વખત ભારતની મુલાકાતે આવ્યા છીએ. અગાઉ અમદાવાદ ખાતેના પતંગોત્સવમાં ભાગ લીધો હતો. પ્રથમ વખત આજે ધોરડોની મુલાકાત લીધી છે. અહીંના લોકો સાથે ખૂબ મજા આવી છે અને અહીંના લોકો ખૂબ સારા છે.
પ્રથમ વખત જ કચ્છની મુલાકાત કરી : પ્રેક્ષક તરીકે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ માણવા આવેલા મુંબઈના પ્રવાસી પણ કચ્છના સફેદ રણમાં રંગબેરંગી પતંગ જોઈને મંત્રમુગ્ધ થયા હતા તથા પ્રથમ વખત અહીં તેમણે મુલાકાત લીધી હતી અને સાથે જ જુદાં જુદા દેશના લોકોને મળ્યા હતા અને સાથે જ તેમની અવનવી પતંગો જોઈને તેમને ખૂબ જ મજા આવી હતી. પ્રથમ વખત જ કચ્છની મુલાકાત લીધી છે અહીંના લોકો અને ખોરાકની પણ ખૂબ મજા આવી છે.
ભગવાન રામની થીમનો 75 ફૂટનો પતંગ : કચ્છના પતંગબાજ જયેશ સિસોડીયાએ જણાવ્યું હતું કે, ધોરડો ખાતેના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં કચ્છના પતંગબાજો દ્વારા રામ ભગવાન સબંધિત પતંગ બનાવવામાં આવ્યો છે.અયોધ્યામાં થઈ રહેલા મોટા આયોજનને અનુલક્ષીને રામ ભગવાનની થીમ પર લીફ્ટર કાઈટ બનાવવામાં આવી છે. આજે પવનનો પણ ખૂબ સારો છે. અન્ય દેશોના પતંગબાજો પણ અહીં આવ્યા છે.