કચ્છ : દિવાળીના તહેવારમાં મોટા પ્રમાણમાં મીઠાઈ અને ફરસાણની સાથે મુખવાસ સહિતના ખાદ્ય પદાર્થની ધૂમ ખરીદી લોકો કરતા હોય છે. પણ જિલ્લામાં ફૂડ વિભાગે નામ માત્રની કામગીરી કરી છે. જિલ્લામાં દિવાળીના તહેવાર નિમિતે કચ્છના ફૂડ વિભાગ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી હતી.
સમગ્ર કચ્છમાંથી માત્ર 45 નમૂના લીધાં : કચ્છના ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ ફરસાણના માત્ર 45 જેટલા જ નમૂના લેવામાં આવ્યા હતાં. જેમાં પ્રાથમિક દ્વષ્ટિએ જિલ્લામાં એક પણ અખાદ્ય સામગ્રી મળી નથી. ઉલ્લેખનીય છે કે મહાનગરોમાં ફૂડ વિભાગ દ્વારા હજારો કિલો સેમ્પલ એકત્રિત કરવામાં આવે છે. જ્યારે 25 લાખની આબાદી ધરાવતા કચ્છમાં માત્ર 45 નમૂના લઈને વડોદરા ખાતે રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા હતાં.
તહેવારની સીઝનમાં ભેળસેળ કચ્છમાં દિવાળીની રેગ્યુલર ખરીદીની સાથે વેકેશનમાં કચ્છમાં ફરવા આવતા મુસાફરો પણ ખરીદી કરતા હોય છે. પણ તહેવારોમાં મજા આવે તેમ ભાવ વસુલતા હોય છે તો ઘણા વેપારીઓ ભેળસેળ પણ કરતા હોય છે. ફરસાણમાં વેપારીઓ તળેલા તેલનો વારંવાર ઉપયોગ કરતા હોય છે. તો બનાવટી ઘીનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે. ચીઝ, પનીર, અન્ય ખાદ્ય વસ્તુઓનો વાસી જથ્થો પણ સામે આવતો હોય છે.
કચ્છમાં કોઇ પણ અખાદ્ય જથ્થો ન હોવાનો રીપોર્ટ રાજ્ય સરકારની સૂચના પ્રમાણે કચ્છમાં ફૂડ વિભાગ દ્વારા પણ કામગીરીના ભાગરૂપે સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં દિવાળી નિમિતે અલગ અલગ સ્થળોએથી મીઠાઈ-ફરસાણના 45 જેટલા નમૂના લેવામાં આવ્યા છે. ફૂડ વિભાગ દ્વારા જાહેર કરાયેલ યાદીમાં જણાવવામાં આવ્યું કે કચ્છમાં પ્રાથમિક તબક્કે ક્યાંય પણ અખાદ્ય જથ્થો ન વેચાતું હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ રાજકોટ,અમદાવાદ,વડોદરા જેવા મહાનગરોમાં દરરોજ હજારો કિલો અખાદ્ય જથ્થો પકડાઈ રહ્યો છે. જેની સામે કચ્છમાં કોઇ પણ અખાદ્ય જથ્થો ન હોવાનો રીપોર્ટ આપવામાં આવ્યો છે.
જિલ્લામાં લેવાયેલ નમૂનાઓ જિલ્લામાં જુદાં જુદા સ્થળેથી ખજૂર રોલ સ્વીટ,બેસન લાડુ,રોઝ એક્ષોટીકા સ્વીટ,મોહનથાળ, કાજુ કતરી, ગાજર ચેવડો, મલાઈ સેન્ડવીચ, સેકેલો ગુલાબપાક,સ્વામી રિફાઇન્ડ પામોલીન ઓઇલ, મીની આસોપાલવ બેસન,આલ્મંડ ડ્રાયફ્રુટ,આબાદ કેસર કાજુકતરી,ગ્વાલિયા પ્રીમિયમ ટ્રેડિશનલ સ્વીટ્સ મોહનથાળ, કાજુરોલ, ભાવનગરી ગાંઠીયા,સાત્વિક ફૂડ્સ ટ્રેડિશનલ મિક્સ, મેસુક,ફરાળી ચેવડો,રાજાણી ગ્રુપ સોલ્ટી મુખવાસ,સાટા,પેંડા, રિફાઇન્ડ તિરુપતિ કોટન સીડ ઓઇલ,શ્રીજી ડેરી બ્રાન્ડ કાજુકતરી,ગાય બ્રાન્ડ બેસન,પેંડા, બરફી,પાપડી,ગાંઠિયા, મગજ લાડુ, ભાખરવડી, ચકરી, કચ્છી પેંડા, મિલ્ક કેક, મગદળીયા લાડુ, મિક્સ ચવાણું,હલ્દીરામ સોન પાપડી વગેરેના નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યાં હતાં.