ભુજ : ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા નરનારાયણ દેવના 200 વર્ષ પૂર્ણ થતાં કચ્છમાં પ્રથમ વખત ભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભુજની ભાગોળે 250 એકરમાં આ મહોત્સવ ઊજવવામાં આવશે જેના માટે છેલ્લાં 3 મહિનાથી તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.દેશ વિદેશથી સેવા કરવા માટે હરિભક્તો છેલ્લાં 2-3 માસથી નોકરીધંધો છોડી ભુજ આવ્યા છે.
40 લાખ હરિભક્તો આવશે : ભુજમાં નરનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ આગામી તા.17મી એપ્રિલથી શરૂ થવાનો છે. 9 દિવસ સુધી ચાલનારા આ મહોત્સવની હાલમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. જેમ જેમ મહોત્સવ પ્રારંભ થવાની તારીખ નજીક આવતી જાય છે એમ એમ સેવા આપી રહેલા હરિભક્તોમાં આનંદ અને ઉત્સાહ વધી રહ્યો છે. આ મહોત્સવમાં દેશ વિદેશમાંથી અંદાજીત 40 લાખ જેટલા હરિભક્તો આવશે.
હજારો કાર્યકરો દિવસ રાત સેવામાં : આ દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી માટે સેવાનો લાભ લઈને જીવનને ધન્ય બનાવી દેવાની સાથોસાથ મહંતસ્વામી તથા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોનો રાજીપો મેળવી લેવા માટે હરિભક્તો પણ પોતાનો નોકરી ધંધો છોડી સેવામાં લાગી ચૂક્યા છે. મહોત્સવમાં ભાગ લેનારા હરિભક્તો માટે રહેવા, જમવા તેમજ મહોત્સવ સ્થળ પર દરેક વ્યવસ્થા પૂરી પાડવા હજારો કાર્યકરો દિવસ રાત એક કરી કામ કરી રહ્યા છે.વિદેશથી આવેલા લોકો પણ સેવાયજ્ઞમાં જોડાયેલાં છે.
આ પણ વાંચો Dvishatabdi Mahotsav: મહોત્સવમાં જશો તો તમે મોહી જશો, તૈયાર કરવામાં આવ્યો અદભૂત વનવગડો
5 લાખના પગારની નોકરી છોડી : દ્વિશતાબ્દી મહોત્સવમાં સેવા માટે આવેલા હરિભક્તોને જુદી જુદી જવાબદારીઓ અને કાર્યો સોંપવામાં આવ્યા છે.હાલમાં લંડન, સાઉથ આફ્રિકા, કેન્યાથી અનેક હરિભક્તો આ મહોત્સવમાં સેવા અર્થે આવ્યા છે અને છેલ્લાં બે મહિનાથી પોતાનો નોકરી-ધંધો છોડીને સતત અહીં સેવા આપી રહ્યા છે. જેમાં કેન્યાથી આવેલા એનઆરઆઈ પાયલોટ દેવરાજભાઈ વેકરીયા કે જે મૂળ કચ્છના રામપર વેકરા ગામના વતની છે અને તેનો પોતાનો મહિને 5 લાખના પગારવાળી નોકરી છોડીને અહીં છેલ્લાં 2 માસથી ભુજમાં સેવા માટે આવ્યા છે.
પાયલોટની નોકરી છોડી : તો દેવરાજભાઈ વેકરીયાએ ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, "હું નૈરોબીમાં પાયલોટ છું. આ ઉત્સવ નરનારાયણદેવને 200 વર્ષ થયા એ નિમિત્તે આ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાય રહ્યો છે ત્યારે અહીં સેવા કરવા આવ્યા છીએ. મહંત સ્વામી આજ્ઞાથી અને એના નીચે બીજા ત્રણ સંતો છે એની આજ્ઞાથી અમે આ સેવા કરવા આવ્યા છીએ. હું અગાઉ બે મહિનાથી નોકરી છોડી અહીં આવી ગયો છું અને અમારા ભાગમાં આ પ્લમ્બિંગ ડિવિઝન જેમાં બાથરૂમના ટોયલેટ, વોશબેસિન કે યુરેનલ ફીટ કરવાના હોય એ બે મહિનાથી કામ ચાલુ છે અને હજી 15 16 દિવસ બાકી છે ત્યાં સુધી બધું કામ પતી જશે.આ મહોત્સવમાં સેવા કરવાનો સારો લાભ અને અવસર મળ્યો છે. મહિને 5 લાખ રૂપિયાનો પગાર છોડીને પણ અહીંયા સેવામાં આવ્યા છીએ જેનો બહુ આનંદ થાય છે. અહીં ખૂબ તડકો છે પણ થાક નથી લાગતો અને કામ સેજે થતું જાય છે."
આ પણ વાંચો Kutch News : આ તારીખથી ભુજમાં યોજાશે નરનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ, પીએમ મોદીને આમંત્રણ અપાયું
નૈરોબીમાં ગ્રોસરીનું સુપર માર્કેટનો ધંધો છોડી આવ્યા : કેન્યાથી આવેલા મૂળજીભાઈ ગોંડલિયાએ ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે," તેઓ મૂળ કચ્છના મિરજાપર ગામના વતની છે અને તેઓ નૈરોબીમાં ગ્રોસરીનું સુપર માર્કેટ ચલાવે છે તે ધંધો છોડીને અહીં ભુજમાં મહોત્સવમાં સેવા માટે આવ્યા છે. તેમને આ પ્લમ્બિંગનું કામ નથી ફાવતું છતાં પણ તેઓ છેલ્લાં 2 મહિનાથી અહીં નાનું મોટું કામ કરી અન્ય હરિભક્તો સાથે જોડાઈને કામ કરી રહ્યા છે.અહીં આટલો ભારે તાપ હોવા છતાં થાક જેવો કોઈ અનુભવ નથી થતો કારણ કે મહારાજની દયાથી અને આજ્ઞાથી કામ થઈ રહ્યું છે અને મહારાજ પ્રત્યે ખૂબ લાગણી છે એટલા માટે તો કેન્યાથી ધંધો છોડીને આવ્યા છીએ."