કચ્છ : જીવનના જુદા જુદા સ્તરે લોકો પોતાના પ્રસંગોને હવે પાશ્ચાત્ય સંસ્કૃતિની રસમથી ઉજવે છે. બોલિવૂડની એક્ટ્રેસોનો બેબી શાવરનો વાવર વધારે છે ત્યારે અસલના રીતરિવાજથી થતાં સીમંત શબ્દને પણ લોકો ભૂલવા જઇ રહ્યાં છે. એવામાં ભારતીય પરંપરામાં ઉજવાયેલો સીમંસ સંસ્કારનો આ પ્રસંગ સંસ્કૃત ભાષાના પ્રેમીઓને જાણવો ગમશે.
સંસ્કૃતમાં કહેવાય સીમંતોન્નયન સંસ્કાર : ભુજના એક પરિવારે આ પશ્ચિમી સંસ્કૃતિથી દૂર રહીને ભારતની પ્રાચીન સંસ્કૃત ભાષાને મહત્વ આપીને પોતાના ઘરની પુત્રવધૂનો સીમંત પ્રસંગ ઉજવ્યો હતો. ભુજ શહેરમાં રહેતા ભાર્ગવ ધીરેનભાઈ જોશી અને તેમના પત્ની વિરલ ભાર્ગવ જોશીએ પોતાનો સીમંત સંસ્કાર કે જેને સંસ્કૃતમાં સીમંતોન્નયન સંસ્કાર કહેવાય છે તેને સાંસ્કૃતિક રીતે યજ્ઞ કરીને તેમજ સંસ્કૃત ભાષાને મહત્વ આપીને ઉજવ્યું હતું. એટલે કે બેબી શાવર સેરેમનીને ભારતીય સંસ્કૃતિ મુજબ ઉજવી હતી.
બંનેને સંસ્કૃત ભાષા પ્રત્યે લગાવ : ઈટીવી ભારત સાથેની ટેલીફોનીક વાતચીત દરમિયાન જોશી દંપતિએ મત વ્યક્ત કર્યો હતો કે છેક બાળપણથી લાગેલા સંસ્કૃત ભાષા પ્રત્યેના પ્રેમને તેઓએ આ શુભ પ્રસંગ પર પણ અપનાવ્યો હતો. સંસ્કૃત ભાષાને વાંચીને સમજી તો જવાય છે પરંતુ જ્યારે એ ભાષા બોલવામાં કઠિન લાગે છે.
મને અને મારા પત્ની વિરલબેનને બાળપણથી જ સંસ્કૃત ભાષામાં રસ હતો. અમે પશ્ચિમ કચ્છ સંસ્કૃતભારતીના સંયોજક અમિતભાઈ ગોર પાસેથી સંસ્કૃત બોલતા પણ શીખી રહ્યા છીએ. અમિતભાઈ ગોર શિક્ષક છે. તેમના માર્ગદર્શન હેઠળ વદતું સંસ્કૃતના વર્ગો થકી સંસ્કૃત ભાષા પ્રત્યે પ્રેમ વધ્યો અને આનંદ આવવા લાગ્યો. માતાપિતાના સબંધ સુધીના નામો સંસ્કૃતમાં કહેવા સરળ છે પરંતુ અન્ય સબંધોના નામનું ભાષાંતર કરવું પણ અઘરું છે ત્યારે આ સંબંધોના સંસ્કૃત નામ જાણવા માટે અમિતભાઈએ આ દરેક સંબંધોના નામને સંસ્કૃતમાં અનુવાદ કરી આપ્યા હતા અને ત્યાર બાદ આ સંસ્કૃત નામો સાથેના પોસ્ટર પ્રિન્ટ કરાવવામાં આવ્યા હતાં... ભાર્ગવભાઈ જોશી (સંસ્કૃતપ્રેમી)
આ પ્રેરણા ક્યાંથી મળી : આ સંસ્કૃત ભાષામાં સંસ્કાર કરવા પાછળના પ્રેરણા કેવી રીતે મળી તે અંગે વાતચીત કરતા ભાર્ગવભાઇ જોશીએ જણાવ્યું હતું કે આ સંસ્કૃત ભાષા અંગેનો મૂળ વિચાર અમારા પરિવારને મોરારી બાપુ પાસેથી મળ્યો છે. બાપુ હંમેશા એમની કથામાં કહે છે કે આપણે આપણું મૂળ ન ભૂલવું જોઈએ એટલે એ વિચારને લીધે જ સંસ્કૃત તરફ અમારું પરિવાર વળ્યું છે. આપણું મૂળ તો સંસ્કૃત જ છે પછી ગુજરાતીને પછી હિન્દી, કચ્છી અને અન્ય ભાષાઓ છે.
ગર્ભ સંસ્કારના ભાગરૂપે યજ્ઞ કર્યો : ભાર્ગવ જોષીના પત્ની વિરલબેનને જ્યારે સીમંત સંસ્કાર એટલે કે સીમંતોન્નયન સંસ્કાર પ્રસંગમાં ભારતીય સંસ્કૃતિ મુજબ જ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે વૈદ્ય ડોલીબેન બુધ્ધભટ્ટી દ્વારા આ ગર્ભ સંસ્કાર યજ્ઞ કરાયા બાદ પરિવારના સભ્યોએ ગર્ભસ્થ બાળક સાથેના સબંધના નામ સંસ્કૃતમાં લખેલા પોસ્ટર સાથે ફોટો કેમેરામાં કેદ કર્યા હતા. સામાન્ય રીતે બેબીશાવરમાં અંગ્રેજી ભાષામાં જોવા મળતા "મોમ ટુ બી" એટલે કે માતા બનનાર અને "ડેડ ટુ બી" એટલે કે પિતા બનનાર જેવા પોસ્ટરની જગ્યાએ સંસ્કૃત ભાષામાં "માતા ભવિષ્યામી" અને "પિતા ભવિષ્યામી" નામના પોસ્ટર સાથે ભાર્ગવભાઈ અને વિરલબેને ફોટા પડાવ્યાં હતાં.
આ પણ વાંચો:
સંબંધીઓના નામનું સંસ્કૃતમાં ભાષાંતર : આ સીમત પ્રસંગને લઇને માતા પિતાના સબંધ સુધીના નામો સંસ્કૃતમાં કહેવા સરળ છે પરંતુ અન્ય સબંધોના નામનું ભાષાંતર કરવું પણ અઘરું છે ત્યારે આ સંબંધોના સંસ્કૃત નામ જાણવા માટે અમિતભાઈએ આ દરેક સંબંધોના નામને સંસ્કૃતમાં અનુવાદ કરી આપ્યા હતાં અને ત્યાર બાદ આ સંસ્કૃત નામો સાથેના પોસ્ટર પ્રિન્ટ કરાવવામાં આવ્યા હતાં.
સંસ્કૃતમાં સંબંધીઓની નામ સંજ્ઞા : જોશી પરિવારના અન્ય સભ્યોએ પણ ગર્ભસ્થ બાળકના સબંધિત સબંધો જેવા કે યુવકના દાદાદાદીએ પિતામહ પિતામહી, પરદાદીએ પ્રપિતામહિ, યુવકના નાના નાનીએ પ્રમાતામહ: અને પ્રમાતામહી, આવનાર બાળકના ફઈ ફુવાએ પિતૃસ્વસા અને પિતૃસ્વસાપતિ, આવનાર બાળકના મામા મામીએ માતૃસ્વસાપતિ અને માતૃસ્વસા લખેલા પોસ્ટર સાથે ફોટો પડાવ્યા હતા. તો આવનાર બાળકના નાના નાનીએ માતામહ: - માતામહી લખેલા પોસ્ટર સાથે ફોટો પડાવ્યા હતા. આમ, ભાર્ગવભાઈ અને વિરલબેનના પરિવારની આ નવતર પહેલથી સમાજમાં એક ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષા પ્રત્યેના પ્રેમ અંગેની મિશાલ ઊભી કરવામાં આવી હતી.