કચ્છઃ 2024 વર્ષને આવકારવા કચ્છમાં અનેક ઉજવણીઓ કરવામાં આવી હતી. જેમાં કચ્છ જિલ્લામાં તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કર્મચારીઓએ ખાસ ડ્રાઈવ કરીને ચેકિંગ હાથ ધર્યુ હતું. કચ્છ પોલીસે આ ડ્રાઈવમાં બ્રીથ એનલાઈઝર, બોડીવોર્ન કેમેરા જેવા અલગ અલગ ઈક્વિપમેન્ટ્સનો ઉપયોગ કરીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. જેમાં કુલ 61 ડ્રિંકર્સ કચ્છ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.
ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કેસઃ કચ્છ પોલીસે કેટલાક લોકો નશો કરીને વાહન ચલાવતા હોય તેમને પણ ઝડપી લીધા છે. આ લોકો નશો કરેલ હાલતમાં હતા અને વાહન ચલાવતા હતા. પોલીસે આ ગુનેગારો વિરુદ્ધ એમવી એક્ટ 185 અંતર્ગત ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કેસ દાખલ કર્યા હતા. કચ્છ પોલીસે સમગ્ર કચ્છમાં વિવિધ ચેકપોસ્ટ પર વાહનોનું સઘન ચેકિંગ કર્યુ હતું. જેમાં કુલ 1523 વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. પૂર્વ કચ્છમાં નશો કરીને વાહન ચલાવતા 29 વાહન ચાલકો સહિત 38 નશાખોરો અને પશ્ચિમ કચ્છમાં નશો કરીને વાહન ચલાવતા 5 વાહન ચાલકો સહિત 26 ડ્રિન્કર્સને ઝડપી લીધા હતા.
સઘન પેટ્રોલિંગઃ કચ્છ જિલ્લા પોલીસે સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પાર્ટી પ્લોટ, હોટલ્સ, રેસ્ટોરા, ફાર્મ હાઉસ વગેરે જેવી ન્યૂ યરની પાર્ટીઓમાં પોલીસે સઘન ચેકિંગ કર્યુ હતું. જેમાં પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં 61 ગુના પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધીને કચ્છ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ ટુકડીઓ બોડી વોર્ન કેમેરા, બ્રીધ એનેલાઈઝર, રીફલેક્ટર જેકેટ અને એલઈડી બેટનથી સજ્જ થઈને વાહનો અને વિવિધ સ્થળોએ તપાસ કરી હતી.