દાડમ, કેરી, ખારેક જેવા અનેક ખેતીના પાકોના ઉત્પાદનમાં કચ્છ મોખરે છે, જોકે હવે ખેડૂતો પ્રયોગાત્મક ખેતી તરફ વળ્યા છે અને માધાપરના વાલજી ભુરીયા નામના એક ખેડૂતે મુશ્કેલ કઈ શકાય તેવા સફરજનની ખેતીનો પ્રયોગ કર્યો છે. અંદાજે અઢી એકર વિસ્તારમાં ખારેક સાથે તેમને ૧૪૫ જેટલા સફરજનના છોડ વાવ્યા છે. જે દોઢ વર્ષ બાદ ઉત્પાદન લેવાનું શરૂ કરશે, પરંતુ કચ્છમાં આટલી મોટી સંખ્યામાં પ્રથમવાર કોઈ ખેડૂતે સફરજન વાવેતરનો પ્રયોગ કર્યો છે.
સામાન્ય રીતે સફરજનનું ઉત્પાદન ઠંડા પ્રદેશમાં વધુ થાય છે, પરંતુ રાજસ્થાનમાં કોઈ ખેડૂતે તેનો પ્રયોગ કરી તેમાં થોડી સફળતા મેળવી હતી. જેનાથી પ્રેરાઈ કચ્છના ખેડૂત વાલજીભાઈ રાજસ્થાન ગયા હતા અને ત્યાં વાવેતર અને ઉછેરની પદ્ધતિ જોઈ કચ્છમાં તેનો પ્રયોગ કર્યો છે. રાજસ્થાનમાં 45 ડિગ્રી ઉપર ગરમી હોવા છતાં તેનું સફળ વાવેતર અને ઉત્પાદન થઈ રહ્યું છે.
રાજસ્થાનના ખેડૂતે સફરજનના વાવેતર સાથે તેના રોપા પણ તૈયાર કર્યા છે. કચ્છમાં ખેડૂતો ત્યાંથી એક છોડ 300 રૂપિયાનો લાવ્યો છે. મજૂરી સાથે એક વાવેતરનો ખર્ચ 400 રૂપિયા આવ્યો છે. જોકે ત્યાર બાદની માવજતમાં માત્ર નિયમિત પાણી અને જીવજંતુ ન થાય તે જોવાનું છે. અઢી વરસ બાદ એક ઝાડ પરથી ૬૦ કિલો જેટલા ફળ ઊતરવાનો અંદાજ છે. રાજસ્થાન અને કચ્છના વાતાવરણમાં માત્ર થોડી વિષમતા છે બાકી ભૌગોલિક સ્થિતિ અને વાતાવરણ સરખું છે.
રણવિસ્તાર ત્યાં પણ છે અને કચ્છમાં પણ ગરમી બંને વિસ્તારમાં સરખી પડી છે, તેવામાં રાજસ્થાનમાં ખેડૂતને મળેલી સફળતાથી કચ્છના ખેડૂતને પણ સફળ થવાનો આશાવાદ છે. આ સાથે તેના પુત્ર પણ તેની મદદમાં ખેતી કરે છે પિતાના સાહસ વિશે વાત કરતાં તે કહે છે કે, ખેડૂતો માટે પ્રેરણારૂપ બનશે નહીં તો કંઈક નવું શીખવા અને કરવાના ઉદ્દેશ સાથે આ પ્રયોગ કર્યો છે. કચ્છમાં રોકડિયા પાક સાથે બાગાયતી પાક તરફ ખેડૂતો વળ્યા છે અને તેમાં સફળતા પણ મેળવી છે.
આજે અનેક એવા પાકો છે જેમાં ઉત્પાદન ક્ષેત્રે કચ્છ નંબર વન છે. જોકે હવે સફળ ખેતી સાથે ખેડૂતો પ્રયોગાત્મક ખેતી તરફ પણ વળ્યા છે. કચ્છની ગરમ હવામાં સફરજન થવા મુશ્કેલ છે, પરંતુ ઓછા પાણીએ ખેતીને ટકાવતા કચ્છના પ્રગતિશીલ ખેડૂતોને સફળ થવાની પૂરેપૂરી આશા છે. બસ હવે વાવેતર પછી ઉત્પાદન સુધી સફરજનની ખેતી પહોંચે છે કે નહીં તે રાહ જોવાની રહેશે.