- કચ્છમાં 10,000 હેક્ટરમાં કેરીનું વાવેતર
- ગતવર્ષ કરતા ચાલુ વર્ષે ખેડૂતોને કેરીના ભાવ સારા મળશે
- કચ્છમાં ચાલુ વર્ષે 65000 મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન
કચ્છઃ સામાન્ય રીતે કચ્છની કેસર કેરી જૂન મહિનાની શરૂઆતમાં આવતી હોય છે. ત્યારે ચાલુ વર્ષે કચ્છમાં 10,000થી વધુ હેક્ટરમાં કેરીનું વાવેતર થયું છે. 65,000 મેટ્રિક ટનથી વધુ કેરીનું ઉત્પાદન થશે તેવી ખેડૂતોને આશા છે. ગયા વર્ષ કરતાં ચાલુ વર્ષે કેરીનું સારું એવું ઉત્પાદન થયું છે અને ગયા વર્ષ કરતાં આ વર્ષે કેરીની સીઝન કચ્છના ખેડૂતો માટે ખૂબ સારી રહેશે.
આ પણ વાંચોઃ તૌકતે વાવઝોડાની લઇને ખેડૂતોને ખેતી નિયામકે કરી ભલામણ
સૌરાષ્ટ્રની કેરી કરતા કચ્છની કેરીની માગ વધુ
આ ઉપરાંત તોક્તે વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્રમાં કેરીના પાકમાં ભારે નુકસાની થઈ હોવાથી કચ્છની કેસર કેરીની માગ વધી ગઈ છે તથા કચ્છની કેરીના ભાવ સૌરાષ્ટ્રની કેરી કરતા સસ્તા છે. માટે આગામી સમયમાં કચ્છની કેસર કેરીની માગ હજુ પણ વધારે વધી શકે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. આ ઉપરાંત ખેડૂતોમાં એવું અનુમાન છે કે, વાવાઝોડાએ સૌરાષ્ટ્રમાં કેરીના ઘણા વર્ષો જૂના વૃક્ષો ઉખેડી નાખ્યા છે, માટે આવનારા વર્ષોમાં પણ કચ્છની કેરીની માગ વધશે.
સૌરાષ્ટ્ર થકી જ કચ્છમાં કેરીનું પાક શરૂ કરાયો હતો
આમ તો સૌરાષ્ટ્રમાં નુકસાન થયું છે, એ કચ્છ માટે સારી વાત નથી. કેરીની બાબતમાં સૌરાષ્ટ્ર કચ્છનો મોટો ભાઈ છે. કારણ કે, સૌરાષ્ટ્ર દ્વારા કચ્છમાં કેરીના વાવેતરની શરૂઆત થઇ હતી.
વિદેશમાં પણ કચ્છની કેરીની માગ વધી
ગત વર્ષે કેરીના 35થી 60 રૂપિયે કિલો ભાવ હતા. જે ચાલુ વર્ષે 80થી 150 રૂપિયા જેટલો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે. આ ઉપરાંત વિદેશમાં પણ કચ્છની કેસર કેરીની સારી એવી માગ છે. પરંતુ કોરોનાના લીધે વિમાનના ભાડા પણ વધી ગયા છે, છતાં પણ આ વખતે સારી માગ હોવાથી કચ્છના ખેડૂતો દેશની બહાર કેરીઓ મોકલે છે.
જાણો શું કહ્યું મદદનીશ બાગાયત નિયામકે?
મદદનીશ બાગાયત નિયામક કે જી સોજીત્રાએ કહ્યું હતું કે, ચાલુ વર્ષે કચ્છની કેરીની માગ વધારે છે, પરંતુ ગત વર્ષે 70,000 મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થયું હતું. જ્યારે આ વર્ષે 65,000 મેટ્રિક ટન ઉત્પાદન થયું છે. છતાં પણ કચ્છના ખેડૂતોને કેરીનો સારો ભાવ મળશે.
આ પણ વાંચોઃ આંબાવાડીમાં થયેલા નુકસાનીનું વળતર આપવાની જાહેરાત છતાં ખેડૂતોને કોઈ વિગતો મળી જ નથી
જાણો શું કહ્યું ખેડૂતે?
આશાપુરા ફાર્મના ખેડૂત હરેશ ઠકકરે કહ્યું કે, આમ, તો કચ્છના ખેડૂતોને ચિંતા હતી કે, કોરોનાના કારણે આ વર્ષે કેરીનો સારો ભાવ મળશે કે કેમ? પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીના ખૂબ સારા ભાવ મળી રહ્યા છે.