કચ્છ: કોરોના મહામારીના કારણે લોકડાઉન વચ્ચે કચ્છમાં પણ વિનામૂલ્યે રાશન વિતરણ કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. એપીએલ-1 કાર્ડધારકોને અન્ન સરળતાથી મળી રહે તે માટે 13 એપ્રિલથી 17 એપ્રિલ દરમ્યાન રેશનકાર્ડના પાછલા આંકડાની સંખ્યા મુજબ અન્ન વિતરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કચ્છ જિલ્લામાં 9.58 લાખ લાભાર્થીઓને રાશન વિતરણ કરવામાં આવ્યુ છે.
ભુજના પાટવાડીનાકા, ઘનશ્યામનગર અને કૈલાશનગર સહિત વિવિધ ગામડાઓ અને પંડિત દિનદયાલ ઉપાધ્યાય ગ્રાહક ભંડારની દુકાને એપીએલ-1 પાત્રતા ધરાવતાં લાભાર્થીઓ સામાજિક અંતર જાળવીને પોતાનું રાશન મેળવી રહયા છે.
જે ગ્રાહકો પોતાનું રેશનકાર્ડ, આધારકાર્ડ કે ઓળખપત્ર લઇને આવે છે તેમણે છેલ્લા ત્રણ માસ દરમિયાન અન્ન ન લીધુ હોય તો પણ તેમની નોંધણી અને ખરાઇ કર્યા બાદ તેમને અન્ન વિતરણ કરવામાં આવી રહયું છે.
એપીએલ-1 ના લાભાર્થી કે જેઓ મધ્યમવર્ગી કે સક્ષમ છે. તેઓને રાશનની દુકાનમાંથી માત્ર એપ્રિલ માસ પુરતું લોકડાઉનના કારણે 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ અને 1 કિ.ગ્રામ ખાંડ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી છે.