કચ્છ : બિપરજોય વાવાઝોડાથી કચ્છ જિલ્લાની પ્રજા તમામ રીતે પાયમાલ થયેલી છે. જેના કારણે જનજીવન ખોરવાયું હતું. તો સાથે જ જે લોકોને નુકશાની ભોગવવી પડી છે, તેવા ખેડૂત, માલધારી, માછીમાર, મીઠા કામદાર, સાગરખેડૂ, નાના શ્રમજીવીઓ વગેરે માટે સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી છે. સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રતિનિધિઓ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને કચ્છ કલેકટરને સહાય પેકેજ માટે રજૂઆત કરવામાં આવી હતી.
કોંગ્રેસના પ્રતિનિધિ વિસ્તારોની લેવાઈ મુલાકાત : વાવાઝોડા દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા તેમજ કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે પણ મુલાકાત લીધી હતી. કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસની ટીમ દ્વારા આજરોજ કચ્છ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી અને અસરગ્રસ્તોને સહાય પૂરી પાડવા માટે વિવિધ માંગણી કરવામાં આવી હતી.
ખેડૂતોને વળતર ચૂકવવા માંગ : જેમાં સમગ્ર કચ્છમાં બાગાયતી ખેતીને વધુ પડતું નુકસાન થયેલું છે. તો વર્ષો જૂના બાગાયતી વૃક્ષોનો નાશ થતા બાગાયતી ખેતીનો સોથ વળી ગયેલો છે. પાણીમાં ક્ષારનું પ્રમાણ વધતા આ ખેતીમાં જોખમ રહેતા હવે વાવાઝોડાનો બેવડો માર ખેતી પર પડી રહ્યો છે. જેથી બાગાયતી ખેતીને બેઠી કરવા વિશેષ પેકેજ જાહેર કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. બાગાયતી ખેતીમાં વૃક્ષ દીઠ અસરગ્રસ્ત ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે એવી પણ માંગ કરવામાં આવી છે.
પેટા કેનાલોના કામો સરકાર દ્વારા શરૂ કરવા માંગ : કચ્છ જિલ્લામાં પાણી ખારું થતું જાય છે, જેના વિકલ્પરૂપે નર્મદા યોજનાની કેનાલોનું કામ હાથ ધરવામાં આવેલ નથી, બજેટમાં જોગવાઈ છતાં આજદિન સુધી પેટા કેનાલોના કામો સરકાર દ્વારા શરૂ કરાયા નથી. વાવાઝોડાના કારણે બાગાયતી ખેતીમાં કેળા, ખારેક, દાડમ, કપાસ, એરંડા તથા અન્ય પાકોને નુકસાન અંગેની સર્વે ટીમો ખરેખર શું કરી રહી છે તે બાબતે ખેડૂતોમાં અસમંજસ છે. ખરેખર સર્વે એજન્સીની વિગતો અસરગ્રસ્ત ખેડૂતોના હિતમાં સાર્વજનિક કરવામાં આવે ઉપરાંત ખેડૂતોની વાડીઓ પર મકાન- પતરાંના શેડને નુકસાન મોટા પાયે થયેલ છે. તે બાબતે પણ સર્વે હાથ ધરી સહાય આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
માછીમારો અને સાગરખેડુઓને રોજગારીની સમસ્યા : બાગાયત ખેતીના અસરગ્રસ્ત ખેડૂતોને, અન્યોને ધરેલૂ અને ખેતીવિષયક એક વર્ષનું વીજ બિલ પણ માફ કરવામાં આવે તો માછીમારોને થયેલી ભયંકર નુકશાનીથી રાહત રહે. વાવાઝોડાના અસરગ્રસ્તોના દરિયાકિનારાના ગામોમાં પીવાના પાણીની સુવિધા અને વીજ પુરવઠો ન ખોરવાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે. ઉપરાંત માછીમારોને દરિયામાં પ્રવેશના રસ્તાઓ બંધ કરવામાં આવેલો છે, તે રસ્તા પણ ખુલ્લા કરવામાં આવે. માછીમારો સાથે સાગરખેડુતોને પુનઃ સ્થાપન કરવા તથા રોજગારીની સમસ્યા ન સર્જાય તે દિશામાં કામગીરી કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.
સરકારે વાવાઝોડા પહેલા અહીં મિનિસ્ટરને કામગીરી માટે મોકલ્યા હતા અને સરકારની સરાહનીય કામગીરીના પગલે કોઈ માનવ મૃત્યુ થયેલ નથી જે સારી બાબત છે, પરંતુ અન્ય જે નુકસાની ખેડૂતોને વેઠવી પડી છે. તે માટે સરકાર યોગ્ય રીતે પગલાં લે તેમજ સહાય પેકેજ માટે સર્વે કરીને ખેડૂતોને સહાય પૂરી પાડે. ખેડૂતોના 15 વર્ષ જૂના વૃક્ષો જમીનદોસ્ત થયા છે. તેમના કેળા, ખારેક, કેરીના બગીચા સાફ થઈ ગયા છે. સરકારે ખેડૂતને પાછું બેઠું કરવા માટે મદદ કરવી જોઈએ. - લલિત કગથરા (કાર્યકારી પ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ)
ખેડૂતોને વિશેષ પેકેજ આપવા માંગ : કોંગ્રેસ પાર્ટીના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ જણાવ્યું હતું કે, વાવાઝોડામાં ખેડૂતો, માલધારીઓ, પશુપાલકોને નુકસાન થયું છે, ત્યારે હજી સુધી તેમને સહાય નથી મળી. જેથી તેઓ છેતરાયા છે તેવું લાગી રહ્યું છે. રાજ્ય સરકાર અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય મળે તે માટે યોગ્ય સર્વે કરે. વિશેષ રીતે બાગાયત પાકોમાં 25 વર્ષ જૂના વૃક્ષોને નુકસાની થઈ છે તે માટે વિશેષ પેકેજ જાહેર કરીને ખેડૂતને મદદ કરવી જોઈએ. જેના માટે કચ્છ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ સાથે કચ્છ કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.