કચ્છઃ પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ચરસનો જથ્થો ઝડપી લેવાયો છે. સ્વતંત્ર દિવસના અનુસંધાને સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હું. આ દરમિયાન એન.ડી.પી.એસ.ની પ્રવૃતિ સાથે જોડાયેલ આરોપીઓ વિરૂધ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સ્ટાફ દ્વારા અબડાસાના જખૌના દરિયાઈ વિસ્તારમાંથી પેટ્રોલિંગ દરમિયાન મોટી માત્રામાં ચરસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
કુલ રૂ. 53.43 લાખની ચરસ ઝડપાઈઃ પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના એ.એસ.આઇ. જોરાવરસિંહ ગગુભા જાડેજા તથા ઘનશ્યામસિંહ બચુભા જાડેજાએ અબડાસા કોસ્ટલ વિસ્તારમાં પેટ્રોલીંગ કર્યુ હતું. ત્યારે જખૌના પિંગલેશ્વરથી જખથડા વચ્ચેના દરિયાકિનારેથી બિનવારસ માદક પદાર્થ 35.626 કિલો ચરસ કબ્જે કરવામાં આવી છે. આ મુદ્દામાલની કિંમત રૂ. 53.43 લાખ જેટલી થવા જાય છે.
બીએસએફ પણ એક્શન મોડમાંઃ જખૌ પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં 2 દિવસથી બીએસએફના જવાનોએ જખૌના દરિયાઈ વિસ્તારમાંથી જુદાં જુદાં બેટ પરથી ચરસના 20 પેકેટ અને હેરોઈનનો 1 પેકેટનો જથ્થો જપ્ત કર્યો હતો. હવે પશ્ચિમ કચ્છ SOG દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આપણા દેશની સરહદની રક્ષા કરતા જવાનો અને પોલીસ દ્વારા માદક પદાર્થો વારંવાર ઝડપી પાડવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. આ માદક દ્રવ્યને સરહદથી આપણા દેશમાં ઘુસાડીને આપણા દેશના સોનેરી ભવિષ્ય સમાન યુવાધનને બરબાદ કરવામાં આવી રહ્યું છે. પણ ભારતીય પોલીસ અને બીએસએફ સતત ખડે પગે દેશની અંદર અને દેશની સરહદ પર માદક દ્રવ્યોની હેરફેર અટકાવવા 24 કલાક ખડેપગે ફરજ નીભાવી રહ્યા છે.