કચ્છ : પંજાબના કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની સપ્ટેમ્બર 2022માં કચ્છના જખૌથી 6 પાકિસ્તાનીઓ અને પાકિસ્તાની બોટમાંથી 200 કરોડના ડ્રગ્સ જપ્ત કરવાના મામલે ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આજે કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ગુજરાત એટીએસ દ્વારા કચ્છ લાવવામાં આવ્યો હતો અને બિશ્નોઈને નલિયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. હવે લોરેન્સની કસ્ટડી એટીએસ અને નલિયા પોલીસને સોંપવામાં આવી છે અને આગામી સમયમાં લોરેન્સને રિમાન્ડ માટે ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
બિશ્નોઇ ગેંગની હાજરી હોવાનું વર્ષ 2022માં બહાર આવ્યું : દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ગુજરાત ATSની ટ્રાન્ઝિટ રિમાન્ડ અરજી મંજૂર કરી હતી, ત્યારબાદ ચેતક કમાન્ડોની ટીમ લોરેન્સને ગુજરાત લાવી છે.પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા કેસમાં ધરપકડ કરાયેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કચ્છ લાવવામાં આવ્યો છે.સરહદી કચ્છમાં પણ બિશ્નોઇ ગેંગની હાજરી હોવાનું વર્ષ 2022માં બહાર આવ્યું હતું.
આ પણ વાંચો Jakhau Port Drugs Case : જખૌમાં 280 કરોડના ડ્રગ્સ મામલે 4 આરોપી રીમાન્ડ પર, જૂઓ એટીએસે શું કહ્યું
રિમાન્ડની માંગણી સાથે ફરી કોર્ટમાં રજુ કરવામાં આવશે : માદક દ્રવ્યોના કેસમાં બિશ્નોઇ ગેંગનું કચ્છ કનેક્શન હોવાને પગલે વર્ષ 2022માં ગુજરાતમાંથી, ખાસ કરીને કચ્છના પોર્ટ અને દરિયા કાંઠેથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો.આ માદક પદાર્થને પાકિસ્તાનથી ભારતમાં કચ્છ થઈને લાવવામાં આવ્યું હતું.જેમાં ATS દ્વારા છ વ્યક્તિને ઝડપી પણ લેવામાં આવ્યા હતા.આ કેસના તાર બિશ્નોઇ ગેંગ સાથે જોડાયેલા છે.તેની તપાસ કરવી જરૂરી હોવાને પગલે તેના રિમાન્ડ મેળવવા માટે લોરેન્સ બિશ્નોઇને ફરી કોર્ટમાં રજુ કરવામાં આવશે.
પટિયાલા જેલમાંથી લવાયો : જખૌના દરિયામાંથી ઝડપાયેલાં 194 કરોડના ડ્રગ્સ કેસમાં લોરેન્સ બિશ્નોઇનું નામ બહાર આવ્યું હતું જેથી તેની પૂછપરછ માટે ગુજરાત એટીએસે એનઆઈએ કોર્ટમાં ટ્રાન્સફર વોરન્ટ અરજી કરવામાં આવી હતી. જેમાં એનઆઈએ કોર્ટે પરવાનગી આપતાં લોરેન્સ બિશ્નોઇને પટિયાલા જેલમાંથી ગુજરાત લવાયો છે. ભારતમાં પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાન સહિતના અનેક રાજ્યોમાં આતંક ફેલાવનારા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ ગુજરાત એટીએસની કસ્ટડીમાં સોંપાયો છે.
શું છે મામલો : ગુજરાત એટીએસે જખૌના દરિયામાંથી 38.994 કિલોગ્રામ હેરોઇન 194.97 કરોડની કિમતનું અલ તાયસા નામની બોટમાંથી પકડી પાડી 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરી હતી. ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનથી એક નાઈઝીરીયન મહિલાની દેખરેખમાં લોરેન્સ બિશ્નોઇએ ભારતમાં મંગાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. આ કેસમાં ગુજરાત એટીએસએ મહંમદ શફી, મોહસીન શહેઝાદ, જહુર અહેમદ, મોહમ્મદ સોહેલ અને મોહમ્મદ કામરાન નામના 6 પાકિસ્તાનીઓની બોટમાંથી ધરપકડ કરી હતી. જે બાદ આ ડ્રગ્સની ડિલિવરી લેનાર બે આરોપીઓ જેમાં સરતાજ સલીમ મલિક અને જગદીશ સિંહને પકડી લેવામાં આવ્યા હતા. તેવામાં હવે માફિયા લોરેન્સ બિશ્નોઇને લાવી તેની ડ્રગ્સ કેસમાં સંડોવણી અંગે પૂછપરછ કરાશે.