કચ્છઃ કોરોના મહામારીની આફતને અવસરમાં પલ્ટાવવા અને હાલની સ્થિતીમાં વિવિધ ઉદ્યોગપતિઓને કચ્છમાં લાવવા માટે તંત્ર અને ઉઘોગો વચ્ચે તૃરૂપ્તતીની ભૂમિકા ભજવવા માટે કચ્છ ભાજપ મોવડીઓની બેઠક મળી હતી.
આ બેઠકમાં કચ્છમાં નાના-મોટા ઉદ્યોગો સ્થાપવાની જ્યારે સંપૂર્ણ તક છે, ત્યારે કચ્છને વધુ ધબકતું વધુ વિકસીત કરવા ચર્ચા કરાઈ હતી.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવેલા આર્થિક પેકેજ વખતે કચ્છના નામનો ઉલ્લેખ કરીને ધરતીકંપ પછી કચ્છ કેવી રીતે ઊભું થયું છે તેના દાખલા સાથે કચ્છને જ્યારે બિરદાવ્યું છે, ત્યારે સ્વાભાવિક છે કે દરેક કચ્છીની છાતી ગજગજ ફૂલી જાય છે, ત્યારે આજની આ બેઠકમાં ભૂકંપ પછી ઘણા નાના-મોટા ઉદ્યોગો કચ્છમાં આવ્યા પણ કચ્છીઓના ઉદ્યોગો પ્રમાણમાં ખૂબ જ ઓછા આવ્યા છે.
હવે કોરોના મહામારીમાં હેરાન-પરેશાન થઈ ગયા છે, ત્યારે કચ્છમાં જ્યારે હવે પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે વધારેમાં વધારે કચ્છીઓ ધંધા-ઉદ્યોગ માટે કચ્છમાં આવે તે માટે જાગૃતિ ઊભી કરવા તમામ પ્રયાસો કરવા બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું.
સાંસદ વિનોદભાઈ ચાવડા, પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ, પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી નર્મદા નિગમના ડાયરેક્ટર મુકેશભાઈ ઝવેરીએ કચ્છમાં આવનારા નાના-મોટા ઉદ્યોગપતિઓને સંપૂર્ણ સહયોગ આપવા અને જરૂરી પ્રયાસો કરવા બાબતે ચર્ચા કરી હતી.
પૂર્વ રાજ્યપ્રધાન તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું કે, અગાઉ `હલ્લો કચ્છી કચ્છમાં' જેવી ઝુંબેશ પર ભાર મૂકી અને કચ્છને ધબક્તો કરવાનો જ્યારે અવસર મળ્યો છે, ત્યારે આપણે સૌ સાથે મળીને આગળ વધવું જોઈએ.