ભુજઃ અત્યારે ફાસ્ટ ફૂડનો ક્રેઝ આસમાને છે. જો કે આ ફાસ્ટ ફૂડનું લાંબા સમયનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. લોકો ફાસ્ટ ફૂડ આરોગે છે પણ તેની હાનિકારક અસરથી અવેર પણ થયા છે. જેથી તેઓ ફાસ્ટ ફૂડમાં પણ ઓર્ગેનિક અને હેલ્ધી ફૂડ આરોગવાનું વધુ પસંદ કરે છે. ભુજમાં ફાસ્ટ ફૂડમાં સૌથી ટોચ પર રહેલા પીઝાને ઓર્ગેનિક સ્વરુપે તૈયાર કરવામાં આવ્યા છે. આ પીઝાને 'દેશી ચીઝ ચટણી પીઝા' નામ આપવામાં આવ્યું છે. ગ્રાહકો અને ફૂડીઝમાં આ પીઝા આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. બાજરી, મકાઈ અને જુવારના રોટલામાંથી તૈયાર થતા આ પીઝા અત્યંત હાઈજેનિક, હેલ્ધી અને ઓર્ગેનિક છે.
ફૂડ એન્ટરપ્રિન્યોરે બનાવ્યા આ દેશી પીઝાઃ ભુજના જાણીતા ફૂડ એન્ટરપ્રિન્યોર જયદીપ સિંહ જાડેજાએ આ દેશી ચીઝ ચટણી પીઝા લોન્ચ કર્યા છે. આ જયદીપ સિંહ એ જ વ્યક્તિ છે જેમણે વઘારેલા રોડલાને ડિહાઈડ્રેટ સ્વરુપે લોન્ચ કર્યો હતો. જે ખાણીપીણીના શોખીનોમાં હોટ ફેવરિટ ફૂડ આઈટમ બની ગયો હતો. હવે જયદીપ સિંહ લાવ્યા છે દેશી ચીઝ ચટણી પીઝા. આ દેશી કચ્છી પીઝામાં જયદીપ સિંહ બેઝ તરીકે બાજરી, મકાઈ અને જુવારના રોટલાનો ઉપયોગ કરે છે. આ બેઝ પર લગાડવાની ચટણી અને સોસ તેઓ ઘરે જાતે તૈયાર કરે છે. જેમાં ખજૂર જેવા પૌષ્ટિક પદાર્થોનો ઉપયોગ કરીને હેલ્ધી ચટણી બનાવવામાં આવે છે.
આજે જંક ફૂડ અને ફાસ્ટ ફૂડના જમાનામાં આજની પેઢી આપણા પરંપરાગત અને તંદુરસ્ત ખોરાકને વીસરતી જાય છે. ગ્રાહકો આપણા મુખ્ય ખોરાક તરફ પરત ફરે તેવી મેં પહેલ કરી છે. આજે લોકો વિદેશી હેલ્ધી ફૂડ શોધતા હોય છે જ્યારે આપણો પરંપરાગત ખોરાક ખાઈને જ વૃદ્ધો 80થી 90 વર્ષ જીવન જીવ્યા છે. હું આ પીઝામાં બાજરી, મકાઈ અને જુવારના રોટલાનો ઉપયોગ કરું છું અને ચટણી પીઝા સોસ મારા ઘરે બનાવું છું. જેમાં ખજૂર જેવા પૌષ્ટિક પદાર્થોનો ઉપયોગ કરુ છું...જયદીપ સિંહ જાડેજા(ફૂડ એન્ટરપ્રિન્યોર, ભુજ)
દેશી પીઝા બનાવવાની રીતઃ રોટલા પર બટર લગાડીને તેના પર મરચા અને લસણના મિશ્રણ વાળી સૂકી ચટણી નાખવામાં આવે છે. ત્યાર બાદ જયદીપ સિંહના ઘરે બનાવવામાં આવેલી સ્પેશિયલ ચટણી લગાડવામાં આવે છે. આ લેયર પર ટામેટા, કેપ્સિકમ, ડુંગળી, મકાઈ, બ્લેક ઓલિવ અને ગ્રીન ઓલિવ પાથરવામાં આવે છે. તેના પર મોઝરેલા ચીઝ નાખીને પીઝા બનાવવામાં આવે છે. ગરમા ગરમ આ દેશી પીઝામાં પણ વિવિધ વેરાયટીઓ જયદીપ સિંહ બનાવે છે. એક ચીઝને બાદ કરતા તમામ વસ્તુઓ ઓર્ગેનિક છે માટે આ દેશી પીઝા ઓર્ગેનિક પીઝા ખાવાથી શરીરને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય.
જાતે બનાવે છે સ્પેશિયલ ચટણીઃ આ દેશી ચીઝ ચટણી પીઝામાં વપરાતી ચટણી જયદીપ સિંહ ઘરે બનાવે છે. જેમાં તેઓ ખજૂર જેવા પદાર્થોનો ઉપયોગ કરે છે. આ ચટણી ઓર્ગેનિક અને હેલ્ધી હોય છે. તેમજ પીઝાના બેઝ તરીકે વપરાતા રોટલા બાજરી, મકાઈ અને જુવારમાંથી બને છે. તેથી ચટણી અને બેઝ બંને ઓર્ગેનિક હોવાથી આ આખી ફૂડ આઈટમ હેલ્ધી બની જાય છે.