કચ્છઃ કોરોનાની મહામારી સામે લોકડાઉનની સાથે જ વતનવાપસી ઠેર-ઠેર શરૂ થઈ હતી. લોકો પગપાળા પણ પોતાના દેશ પહોંચવા લાગ્યા છે. ચોરીછુપી અને અવનવી તરકીબોથી હજુ પણ લોકો કચ્છ સહિત પોતાના વતન પહોંચી રહ્યા છે. ત્યારે દેશ દેશવારમાંથી 50 હજારથી વધુ કચ્છીજનો પોતાના માદરે વતન આવવાની તૈયારી કરી ચૂક્યા છે. કચ્છનું આરોગ્ય તંત્ર અંદાજો લગાવી રહ્યું છે કે કમ સે કમ 50 હજારથી વધુ લોકો અને લાખોની સંખ્યામાં કચ્છીજનો લોકડાઉનની રહાતમાં કચ્છમાં પહોંચશે. આ સ્થિતીમાં સેફ ઝોનમાં રહેલા કચ્છમાં સ્થિતી જાળવી રાખવાનું કામ આરોગ્ય તંત્ર માટે અગ્નિપરીક્ષા જેવું બની રહેશે. જોકે તંત્રએ પોતાની તૈયારી પ્લાનિગ શરૂ કરી દીધું છે અને તેેેના અમલીકરણ માટે કામગીરી ચાલી રહી છે.
જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પ્રેમકુમાર કન્નરે ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યુ હતું કે 50 હજારો લોકો કચ્છ પહોંચે તેવુ અનુમાન છે. તે વધી પણ શકે છે. કમ સે કમ 50 હજાર લોકો પણ જો કચ્છ પહોંચે તો તેને કઈ રીતે હેન્ડલ કરી કવોરન્ટાઈન કરવા સહિતનું આયોજન ચાલી રહ્યું છે. ખાસ કરીને હવે ગામે-ગામે અને એરિયા મુજબ ફિવર ક્લિનીક બનાવવાનું આયોજન ચાલી રહ્યું છે. લોકો ખુબ જાગૃત થઈ ચૂક્યા છે. જેથી ગામે-ગામ ચેકિંગ પોઈન્ટની જવાબદારી જે તે ગામ લોકોને અપાશે. જયારે સ્થાનિકો બહારથી આવેલા લોકોની માહિતી તંત્રની આપે તેવી વ્યવસ્થા પણ ગોઠવાઈ રહી છે.
કચ્છ જિલ્લાની સરહદો પરથી આરોગ્ય તપાસણી સ્ક્રીનિંગ થશે. તમામ લોકોને 24 કલાક આરોગ્ય ટીમની નિરક્ષણમાં રખાશે. જોકે તેમ છતાં જયાં પણ શંકાસ્પદ દર્દી જણાશે કે કોઈ બહારથી આવેલા લોકો જણાશે ત્યાં સારવાર પોઈન્ટ શરૂ કરાશે. આ માટે ટીમ અને જરૂરી પ્લાનિંગ કરી દેવાયું છે. જેનું અમલીકરણ 4થી મે થી શરૂ કરી દેવાશે.