કચ્છ: જિલ્લાના અબડાસા વિધાનસભા પેટા ચૂંટણી-2020 અન્વયે આદર્શ સંહિતાની અમલવારી બાબતે બુધવારે ભૂજ કલેક્ટર કચેરી ખાતે આચાર સંહિતા અમલીકરણ અંગે બેઠક યોજાઈ હતી. આ બેઠક અધિકારી મેહુલ જોશી અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ.બી.પ્રજાપતિની અધ્યક્ષતામાં યોજાઇ હતી.
અબડાસા મતવિસ્તારની વિધાનસભા પેટા ચૂંટણી-2020 હેઠળ આ મતવિસ્તારમાં લાગુ પડતા ત્રણ તાલુકા નખત્રાણા, અબડાસા અને લખપતમાં આદર્શ ચૂંટણી આચાર સંહિતાનો મંગળવારથી સંપૂર્ણ અમલ થઈ ગયો છે. સમગ્ર જિલ્લામાં રાજકીયપક્ષો અને સરકારમાં અમલી થતી બાબતો અને નિષેધ પ્રવૃતિ બાબતે વિગતે ચર્ચા કરવામાં આવી હતી.
અબડાસા મત વિસ્તારમાં આદર્શ ચૂંટણી આચાર સંહિતા મુજબ સરકારી કાર્યક્રમો, યોજનાઓ અને વિકાસ કામગીરી સરકારી પ્રચાર-પ્રસાર કરી શકાશે નહીં. સમગ્ર કચ્છ જિલ્લામાં અસરકર્તા બાબતોમાં આંશિક આચારસંહિતા લાગુ પડશે. આચારસંહિતાના પગલે સરકારી અધિકારી/કર્મચારીઓની બદલી અને રજા ઉપર પ્રતિબંધ અમલી છે. આચાર સંહિતાને લગતી સંપૂર્ણ બાબતો અબડાસા મતવિસ્તારને લાગુ પડશે.
વૈશ્વિક મહામારી જાહેર થયેલા કોરોના વાઇરસ તેમજ કુદરતી આપદા કે હોનારતમાં આદર્શ ચૂંટણી આચાર સંહિતાનો અમલ લાગુ નહીં થાય. આ સંદર્ભે કરવાની થતી જાહેરહિતની કામગીરી અને અમલવારી આચારસંહિતામાંથી મુક્ત રહેશે. આ બેઠકમાં સરકારી કચેરીઓ અને સબંધિત અધિકારી/કર્મચારીઓ પર અસરકર્તા બાબતો વગેરે પર ચર્ચા કરવામાં આવી હતી.