15થી વધુ દેશના 40 પતંગબાજો અને પંજાબ તથા કેરળના પતંગબજોએ પતંગોત્સવના પ્રારંભ સાથે જ કચ્છના સફેદ રણની સફેદીમાં રંગબેરંગી પતંગોનો જમાવડો કરી દીધો હતો. કચ્છ રણોત્સવ 2020ની મુલાકાતે આવેલા સહેલાણીઓ, આમંત્રિત મહેમાનો અને સ્કૂલ પ્રવાસે આવેલા બાળકોએ મન ભરીને આ પતંગોત્સવની મજા માણી હતી.
ભુજ પ્રાંત અધિકારી મનિષ ગુરૂવાણી અને અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આજના પતંગોત્સવમાં 40થી વધુ પતંગબાજો જોડાયા છે. તેમની કલા જોઈને લોકો મંત્રમુગ્ધ બન્યા છે. પ્રવાસન વિકાસ માટે ગુજરાત પ્રવાસન અને કચ્છનું તંત્ર પ્રવાસનના વિકાસ માટે કટિબદ્ધ છે.
કચ્છના વિવિધ સરકારી ઉત્સવોનું આયોજનના અનુભવી અધિકારી નીરવ પટેલે જણાવ્યું હતું કે, કચ્છના પ્રવાસનની જે સર્કિટ છે, તેને એકબીજાને જોડવાના પ્રયાસો ચાલી રહ્યા છે. રાજ્ય સરકાર અને કચ્છના સ્થાનિક તંત્રની વિવિધ તૈયારીઓના ભાગરૂપ કચ્છનું પ્રવાસન હાલ પોતાની ઉંચાઈ પર છે. આગામી દિવસોમાં તેનો વધુ વિકાસ થશે તે ચોક્કસ છે.
જ્યાં સફેદ રણ ઉત્સવ યોજાય છે, તે સરહદી અને છેવાડાના ગામ ધોરડોના મિયાહુસેન ગુલબેગે જેઓ છેલ્લા 25 વર્ષથી સરપંચ પણ છે. તેમણે જણાવ્યું હતું કે, ઇન્ટરનેટમાં D સર્ચ કરો તો આજે ધોરડો દેખાય છે. R સર્ચ કરો તો કચ્છનું રણ સફેદ રણનું રીઝલ્ટ જોવા મળે છે. આ જ વિકાસની સૌથી મોટી સાબિતી છે.
તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાત પ્રવાસન વિભાગ અને કચ્છના સ્થાનિક તંત્રની મહેનત હવે રંગ લાવી રહી છે. આજે શહેરના સૌથી છેવાડાના ગામમાં 40 મુદાનો વિકાસ કાર્યક્રમ સંપન્ન થયો છે. રણોત્સવ સહિતના આયોજનને પગલે આજે માત્ર ગુજરાતની જ નહીં પણ દેશ-વિદેશોમાં પણ કચ્છનું સફેદ રણ જોવા માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.