કચ્છ : જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ 100 ટકાથી પણ વધારે થયો છે. ત્યારે કચ્છના ખેડૂતોએ તેનો લાભ લઈને સારા પ્રમાણમાં ખરીફ પાકનું વાવેતર કર્યું છે. જિલ્લામાં ચાલુ વર્ષે 5,29,294 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. હજુ આગામી 15 દિવસોમાં વધુ વાવણી થશે. જેથી ચાલુ સીઝનમાં રેકોર્ડબ્રેક વાવેતર નોંધાઈ શકે છે.
ખરીફ પાકનું વાવેતર : જિલ્લામાં કુલ 7,53,907 હેકટર ખેડવા લાયક જમીન છે. જેમાંથી 83.04 ટકા એટલે કે, 5,29,294 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. જોકે, હજુ વાવણી ચાલુ છે. જેથી ખેડૂતો દ્વારા ચાલુ વર્ષે વિક્રમી વાવેતર થાય એવી શક્યતા છે. કચ્છ જિલ્લામાં સામાન્ય રીતે ખરીફ પાકનું વાવેતર અન્ય પાકોની સરખામણીએ વધારે થતું હોય છે. ચાલુ વર્ષે સારા વરસાદના કારણે કચ્છમાં મોટા પ્રમાણમાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે.
જિલ્લામાં ગત 3 વર્ષના સરેરાશ વાવેતરની વાત કરવામાં આવે તો 6,37,427 હેક્ટરમાં વાવેતર કરવામાં આવતું હોય છે. ત્યારે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 5,29,294 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. આગામી સમયમાં આ વાવેતરનો આંકડો વધી શકે તેવો અંદાજ છે.-- કિરણ વાઘેલા (કચ્છ જિલ્લા ખેતીવાડી અધિકારી)
વિવિધ પાકોનું વાવેતર : કચ્છ જિલ્લા ખેતીવાડી અધિકારી કિરણ વાઘેલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, 27 જુલાઇ સુધીમાં ખરીફ પાકનું વાવેતર જોવામાં આવે તો સૌથી વધુ દિવેલાનું 1,40,494 હેક્ટર, ઘાસચારાનું 1,06,042 હેક્ટર, કપાસનું 70,605 હેકટર, ગુવારનું 62,550 હેક્ટર અને મગફળીનું 55,427 હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. ઉપરાંત મગનું 33,574 હેકટર, તલનું 26,828 હેકટર, બાજરીનું 19,105 હેકટર, શાકભાજીનું 8,574 હેકટર, મઠનું 4898 હેકટર, અડદનું 870 હેકટર, મીંઢીઆવળનું 555 હેકટર, તુવેરનું 170 હેક્ટર અને અન્ય કઠોળનું 157 હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.
ગાંધીધામ વાવેતરમાં નિરસ : કચ્છના વાગડ વિસ્તારમાં સૌથી વધુ ખરીફ પાકનું વાવેતર થતું હોય છે. જેમાં સૌથી વધારે વાવેતર રાપર તાલુકામાં 123585 હેક્ટરમાં થયું છે. ત્યારબાદ ભચાઉ તાલુકામાં 94555 હેક્ટર, ભુજ તાલુકામાં 70,972 હેક્ટર, અબડાસા તાલુકામાં 64096 હેક્ટર, માંડવી તાલુકામાં 46550 હેક્ટર અને અંજાર તાલુકામાં 45932 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. ઉપરાંત નખત્રાણા તાલુકામાં 41425 હેક્ટર, લખપત તાલુકામાં 23615 હેક્ટર, મુન્દ્રા તાલુકામાં 16484 હેક્ટર અને સૌથી ઓછું ગાંધીધામ 2080 હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર નોંધાયું છે.