કચ્છ: કચ્છની પ્રખ્યાત કેસર કેરી છેલ્લાં 3 દિવસોથી બજારમાં આવી ચૂકી છે. કમોસમી વરસાદ અને કરાના લીધે કેરીના પાકને આંશિક નુકસાન પહોંચ્યું છે. જેથી હાલ બજારમાં કેરીનો માલ ઓછો જોવા મળી રહ્યો છે, હજુ આગામી દિવસોમાં કેરીની આવક વધી શકે છે. કચ્છની કેસર કેરીની માંગ વિદેશોમાં પણ મોટા પ્રમાણમાં હોય છે.
કમોસમી વરસાદના કારણે આંશિક નુકસાન: કચ્છમાં આ વર્ષે કેરીનો પાક મબલક પ્રમાણમા ઉતરે તેવી ખેડૂતોને આશા હતી. ચાલુ વર્ષે પડેલા કમોસમી વરસાદ અને કરા પડવાથી કેરીના પાકને આંશિક નુકસાન ગયું છે. બાગાયતી કચેરીમાંથી મળતી માહિતી અનુસાર કચ્છમાં ચાલુ વર્ષે 10900 હેક્ટરમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે. મુખ્યત્વે કચ્છના માંડવી, ભુજ, નખત્રાણા, અંજાર તાલુકામાં કેરીના બગીચાઓ આવેલા છે. સર્વે મુજબ આ વર્ષે કમોસમી વરસાદ અને કરાના લીધે 4500 હેક્ટરમાં આંશિક નુકસાની થઈ હોવાનું સામે આવ્યું હતું. આ વર્ષે 8500થી 9000 હેક્ટરમાં ઉત્પાદન થવાની શક્યતા બાગાયતી અધિકારીએ વ્યક્ત કરી હતી.
જાણો કેટલા છે ભાવ: કેરીની આતુરતાપૂર્વક રાહ જોતા લોકો માટે હવે કચ્છની મીઠી મધુરી કેસર કેરીનું બજારમાં આગમન થવા લાગ્યુ છે. હાલમાં બજારમા કચ્છી કેસર કેરીનો માલ ઓછા હોતા શરૂઆતના ભાવ 10 કિલોના 1000-1400 રૂપિયા સુધીના છે. આગામી દિવસોમાં કેરીની આવકમાં વધારો થશે ત્યારે તેના ભાવ ઘટશે. જો કે કમોસમી વરસાદના કારણે કેરીની ગુણવત્તામાં કોઈ ફેરફાર થયો નથી.
"હાલમાં કચ્છની કેસર કેરીની ગુણવતા ખૂબ સારી આવી રહી છે.કમોસમી વરસાદના કારણે માલની આવક ઉપર અસર થઈ છે અને હાલમાં બજારમાં માત્ર 30 ટકા જ માલ આવ્યો છે.દર વર્ષે બજારમાં કેસર કેરીનો જેટલો માલ હોય છે તેટલો આ વર્ષે નથી અને તેના હિસાબે જ આ વખતે જે 5 કિલોના બોક્સમાં ભાવ 400 જેટલા હોય છે તેના ભાવ 700 રૂપિયા છે.આ વખતે ઘરાકી પણ ઠીક છે, મંદી પણ નથી અને તેજી પણ નથી." - કિર્તીભાઇ ગોર, વેપારી
"હાલમાં કચ્છની કેસર કેરી મે મહિનો શરૂ થતાં બજારમાં આવવાની ચાલુ થઈ ગઈ છે અને વેપારીઓ 5 કિલોની પેટી 500 રૂપિયાથી લઈને 600 રૂપિયાના ભાવે વહેંચી રહ્યા છે.જ્યારે મોટી કેરીઓ 1000થી 1100 રૂપિયાની પેકિંગમાં વહેંચાય છે.તો કિલોની અંદર 4 થી 5 ફળ આવે તેવા મોટા ફળ અને સારી ગુણવત્તાના આવી રહ્યા છે.કમોસમી વરસાદના કારણે ખેડૂતોની થોડી ઘણી કેરીઓ ખરી ગઈ પણ હાલ બજારમાં જે કેરીઓ આવી રહી છે તેના પર વરસાદની કોઈ અસર જણાતી નથી." - રાજેશ દાવડા, પ્રમુખ, છૂટક ફ્રૂટ માર્કેટ વેપારી એસોસિયેશન
85,000 મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન: કચ્છ જિલ્લામાં થતાં કેરીના વાવેતરમાંથી દર વર્ષે એવરેજ 65,000 મેટ્રિક ટન ઉત્પાદન થતું હોય છે. ત્યારે આ વર્ષે 85000 મેટ્રિક ટન ઉત્પાદન થવાની આશા બાગાયત અધિકારીએ વ્યક્ત કરી હતી. કચ્છની કેસર કેરીની માંગ માર્કેટમાં પણ વધારે રહેતી હોય છે. સામાન્ય રીતે સૌરાષ્ટ્રની કેસર કેરીનો પાક પૂર્ણ થાય છે ત્યાર બાદ કચ્છી કેસર કરી બજારમાં આવે છે. કચ્છી કેસર કેરી સૌરાષ્ટ્રની કેરી કરતા પણ વધારે મીઠી હોય છે જેની પાછળ કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ અને અહીંનું વાતાવરણ જવાબદાર છે.