માંડવીઃ હાલ દેશમાં પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે પર્યાવરણને સુરક્ષિત કરવા માટે અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ જાગૃત નાગરિકો પોતાની રીતે પ્રયત્નો કરતા હોય છે. ખાસ કરીને દરિયા કિનારા પર કચરાનું પ્રમાણ વધારે જોવા મળે છે ત્યારે બીચ ક્લીન અપ ડ્રાઈવ યોજીને હજારો કિલો જેટલો કચરો એકઠો કરવામાં આવે છે.ઈન્ટરનેશનલ કોસ્ટલ ક્લીન અપ ડે અંતર્ગત માંડવી બીચ ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. માંડવી બીચ પર સફાઈ કાર્ય ગુજરાત ઈન્સ્ટિટયૂટ ઓફ ડેઝર્ટ ઈકોલોજી દ્વારા કરવામાં આવ્યું હતું. સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અભિયાન અંતર્ગત માંડવીના સહેલાણી બીચ પર સફાઈ અભિયાન યોજાયું હતું. આ સફાઈ અભિયાનમાં મોટી સંખ્યામાં વિવિધ સંસ્થા, શાળા અને સ્થાનિક નાગરિકો જોડાયા હતા.
500 કિગ્રા દરિયાઈ કચરો એકત્ર કરાયોઃ આજે ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીન અપ ડે અંતર્ગત ભારત જી-૨૦ પ્રેસિડેન્સી હેઠળ બીચ ક્લીન અપ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક પૃથ્વી એક પરિવાર એક ભવિષ્ય અંતર્ગત ગુજરાત ઈન્સ્ટિટયૂટ ઓફ ડેઝર્ટ ઈકોલોજી દ્વારા માંડવી બીચ ખાતે જાગૃતિ અને બીચ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.દરિયાઈ ગંદકીની સમસ્યા અને મહાસાગરોના ટકાઉ વિકાસ ત૨ફ સાથે મળીને કામ કરવાની જરૂરિયાત પર ધ્યાન દોરવા માટે અભિયાનના ભાગરૂપે માંડવીની શાળા, કોલેજના વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિકો પણ આ ક્લીન અપ ડ્રાઇવમાં જોડાયા હતા. આ સામૂહિક સ્વચ્છતા અભિયાનમાં લગભગ 100 લોકોએ ભાગ લીધો અને વિવિધ કેટેગરીના કુલ 500 કિગ્રા દરિયાઈ કચરો એકત્રિત કર્યો હતો. જેમાંથી 10 માઇક્રોનનુ 15.4 કિલો પ્લાસ્ટિક મળ્યું હતું.
"ચાર વર્ષથી કોસ્ટલ બીચ પર ક્લીન અપ ડ્રાઈવ યોજવામાં આવે છે. અમે જી-20 સમિટ અંતર્ગત આજે માંડવી બીચની સફાઈ હાથ ધરી છે. આ સફાઈ અભિયાનમાં અનેક લોકો અમારી સાથે જોડાયા છે. અમે પ્લાસ્ટિકના કચરાને બીચ પરથી દૂર કરવાને પ્રાધાન્ય આપ્યું છે. 1957માં પ્રથમ વખત પ્લાસ્ટિક ભારતમાં આવ્યું. 1970 સુધી તે હાનિકારક જણાતું ન હતું. 1970 બાદ સિંગલ યૂઝ પ્લાસ્ટિક આવ્યું જેના પછી પ્લાસ્ટિકના કારણે સમસ્યાઓ શરૂ થઈ ગઈ. આજે તમામ જગ્યાએ પ્લાસ્ટિક જોવા મળી રહ્યું છે.પ્લાસ્ટિક degradable નથી. તેને degrad થતાં 400 થી 500 વર્ષ લાગે છે."...ડૉ. વિજયકુમાર (ડાયરેક્ટર, ગુજરાત ઈન્સ્ટિટયૂટ ઓફ ડેઝર્ટ ઈકોલોજી)
દરિયાઈ કિનારા કચરાનું વિશ્લેષણઃ આજે માત્ર દરિયા કિનારો સાફ નથી કરવામાં આવી રહ્યો પરંતુ આ સફાઈ દરમિયાન કંઈ કંઈ વસ્તુઓ મળી રહી છે, ક્યાં ક્યાં પ્રકારનું મટીરીયલ મળી રહ્યું છે તે પણ અલગ તારવવામાં આવી રહ્યું છે જેથી જાણી શકાય કે તે કચરો ક્યાંથી આવી રહ્યું છે જેથી કરીને તે મુજબ સ્વચ્છતા માટે વધારે જાગૃતિ લાવવા તે દિશામાં કામ કરવામાં આવે અને જ્યાંથી તે કચરો આવે છે તેને રોકી શકાય તે માટે પણ પ્રયત્ન કરી શકાય.
મિનિસ્ટ્રી ઓફ અર્થનો સહયોગઃ આ સ્વચ્છતા અભિયાન નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચ 'મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ'ના સહયોગથી હાથ ધરવામાં આવ્યું છે. ડો. પ્રભાકર મિશ્રા, રાષ્ટ્રીય સંયોજક,મરીન લીટર પ્રોગ્રામનું માર્ગદર્શન મળ્યું છે. માંડવીની શેઠ શ્રી શૂરજી વલ્લભદાસ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલય, સિક્યોર નેચરના એનજીઓના સભ્યો પણ આ ક્લીન અપ ડ્રાઈવમાં જોડાયા હતા. આ ક્લીન અપ ડ્રાઈવનું સમગ્ર સંકલન ડૉ. દુર્ગા પ્રસાદ બેહેરા કર્યું હતું.