કચ્છઃ વર્ષ 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધની પૂર્ણાહુતિ વર્ષ 1968માં થઈ હતી. વર્ષ 1965ના યુદ્ધના પરિણામ બાદ કચ્છ કરાર અંતર્ગત ભારતના અવિભાજ્ય અંગ સમાન છાડબેટ, કંજરકોટ, ધારાબન્નીના 300 ચોરસ કિ.મી.નો વિસ્તાર પાકિસ્તાનને આપવો પડ્યો હતો. 9 એપ્રિલ 1968થી કચ્છની આ જમીન પાકિસ્તાન પાસેથી પરત મેળવવા માટે સત્યાગ્રહ શરૂ કરવામાં આવ્યો હતો જેને ‘કચ્છ સત્યાગ્રહ’ કહેવામાં આવે છે.
"દેશમાં યુવાનોમાં રાષ્ટ્રભાવની જગાવવા માટે અને કચ્છ માતૃભૂમિની જમીન પરત મેળવવા માટે "કચ્છ સત્યાગ્રહ" કચ્છ કી ધરતી મેરે દેશ કી ધરતી નામે આંદલનની શરૂઆત 9મી એપ્રિલ 1968 ના રોજ થઈ હતી. સરહદી જિલ્લા કચ્છની પશ્ચિમ સરહદે આપણા જવાનોએ શહીદી વહોરીને કચ્છની જમીન બચાવી હતી, પરંતુ ઈતિહાસના જાણકારોના મતે એ સમયની કેન્દ્ર સરકારે આપણા જવાનોએ લોહી રેડીને જીતેલી કચ્છની 300 ચોરસ કિ.મી.જમીન મંત્રણા બાદ એક ઝાટકે ભેટ ધરી હતી. કેન્દ્ર સરકારના કચ્છ કરારના આ નિર્ણય સામે ભારે વિરોધ થયો હતો."...કાન્તિલાલ વી.ભાવસાર (પ્રમુખ, કચ્છ સત્યાગ્રહ મંડળ)
બ્રિટિશ દરમિયાનગીરી મોટી ભૂલઃ 300 ચોરસ કિલોમીટર જમીન પરત મેળવવા 9 એપ્રિલ 1968થી અટલ બિહારી વાજપેયી, જ્યોર્જ ફર્નાન્ડિઝના નેતૃત્વમાં સત્યાગ્રહ આંદોલન છેડાયું હતું. વિરોધના ભાગરૂપે અનેક યુવાનો ભાવનગર જેલમાં પણ ગયા હતા. પરંતુ સરકાર દ્વારા કોઈ પણ પગલાં લેવાયા ન હતા. જેના કારણે છાડબેટ, કંજરકોટ, ધારાબન્નીનો વિસ્તાર પાકિસ્તાન પાસે જતો રહ્યો હતો. તત્કાલીન પાકિસ્તાન સરકાર દ્વારા એવો દાવો કરાયો હતો કે તેમણે યુદ્ધમાં છાડબેટ વિસ્તાર જીત્યો છે. યુદ્ધમાં ભારત જીત્યું હોવા છતાં બ્રિટિશ વડાપ્રધાનની દરમિયાનગીરીથી વિવાદ ઉકેલવા માટે આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલની રચના કરાઈ હતી, પરંતુ ભારતના મંતવ્યને ગણકારવામાં આવ્યું ન હતું.
1956માં પણ પાકિસ્તાને જમીન મેળવવા ધમપછાડા કર્યા હતાઃ "બીજી બાજુ પાકિસ્તાન અને UNOના મંતવ્યને માન્ય રાખીને સરહદી જિલ્લા કચ્છને 300 ચોરસ કિલોમીટરનો હિસ્સો ગુમાવવો પડ્યો હતો. છાડબેટમાં ઉત્તમ ગુણવત્તાનું ઘાસ વિપુલ પ્રમાણમાં થતું હતું. 1947 પહેલા અને આઝાદી બાદના થોડા વર્ષો બાદ પણ દુષ્કાળના સમયમાં કચ્છના બન્ની પચ્છમના માલધારીઓ ત્યાં હિજરત કરતા હતા. આ વિસ્તાર વ્યૂહાત્મક રીતે પણ ખૂબ જ મહત્ત્વનો હતો. વર્ષ 1965 પહેલા 1956માં પણ પાકિસ્તાને છાડબેટ વિસ્તારને કબ્જે કરવા માટે પ્રયત્નો કર્યા હતા પરંતુ તે સમયે ભારતીય સેનાએ તેને પરાજય આપ્યો હતો."
અટલ બિહારી બાજપાઇના નેતૃત્વ હેઠળ વિરોધઃ ભારત- પાકિસ્તાન વચ્ચે થયેલા પ્રથમ યુદ્ધમાં દેશના જાબાઝ જવાનોએ પોતાના પ્રાણની આહુતિ આપી લોહી રેડી તે સમયે કચ્છની માતૃભૂમિની રક્ષા કરીને જમીન બચાવી હતી, પણ તે સમયના કેન્દ્ર સરકારની મંત્રણા દ્વારા એક ઝાટકે કચ્છની 300 ચોરસ કી.મી.ની પવિત્ર જમીન પરત આપી દીધેલ હતી. અટલબિહારી બાજપાઇના નેતૃત્વ હેઠળ 1965થી 1968 સુધી સતત ત્રણ વર્ષ સુધી સંસદની અંદર અને બહાર આનો સખત વિરોધ લોકશાહી રીતે કરવામાં આવ્યો હતો.
2018માં ઠરાવ પસાર કરાયોઃ વર્ષ 2018માં આ કચ્છ સત્યાગ્રહ લડાઈને 50 વર્ષ પૂર્ણ થયા હતા. જેના કાર્યક્રમમાં જેમણે 50 વર્ષ પહેલા કચ્છ સત્યાગ્રહ-1968માં ભાગ લીધો હતો અને હયાત હતા તેવા 70 થી 80 વર્ષના વડીલો, સેવાભાવી સંસ્થાના પ્રમુખો, સરકારી શિક્ષણ ખાતાના સેવા બજાવતા અધિકારીઓ, કોલેજના પ્રિન્સીપાલ, સિનિયર લેકચરર્સ, ભુજ- કચ્છના પ્રિન્ટ મીડિયાના પત્રકારો, ભુજ બાર એશોસિએશનના સિનિયર ધારાશાસ્ત્રીઓ વગેરેને ત્યાં લઈ જઈને ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
અનેકવાર રજૂઆતો ઃ 1965ના ભારત-પાકિસ્તાનના યુધ્ધમાં કચ્છની 300 ચોરસ કિલોમીટર જમીન પાકિસ્તાન પાસેથી પરત મેળવવા માટે 2014 માં હાલની કેન્દ્ર સરકાર પાસે રજૂઆત આધાર પૂરાવા સાથે કરવામાં આવી હતી તેનો સાનુકુળ જવાબ પણ મળ્યા હતા અને જરૂર જણાશે તો તે અંગેનો સમગ્ર કચ્છમાં ઠરાવ પસાર કરી કેન્દ્ર સરકારને ગુજરાત સરકાર મારફતે રજૂઆત પણ કરવામાં આવશે.