કચ્છ : તાજેતરમાં હિન્દ મહાસાગરમાં MV Chem પ્લૂટો કોમર્શિયલ કાર્ગો જહાજમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. જોકે જહાજ પરની આગ અકસ્માતની જગ્યાએ કથિત રીતે ઇરાનના ડ્રોન હુમલાના કારણે લાગી હોવાની માહિતી સામે આવતા ખળભળાટ મચ્યો છે. ભૂતકાળમાં પણ મધદરિયે ચાંચીયા અને આતંકવાદી ગ્રુપ દ્વારા જહાજ પર હુમલાની ઘટના બની છે. ત્યારે આ ઘટનાઓની વ્યાપાર સહિત અન્ય ગતિવિધિઓ પર વિપરીત અસર જોવા મળી શકે છે.
ભારતીય પોર્ટનો કારોબાર : ભારતીય જળસીમામાં કાર્યરત પોર્ટ પર દરરોજ મોટી સંખ્યામાં જહાજોની અવરજવર તેમજ લાખો ટન કાર્ગોનું હેન્ડલિંગ થતું હોય છે. ત્યારે માલવાહક જહાજ પર હુમલાઓનું પ્રમાણ વધશે તો પોર્ટના માધ્યમથી થતા આયાત-નિર્યાત (Import-Export) પ્રવુતિઓ પર પણ વિપરીત અસર થઈ શકે છે. ઉપરાંત અન્ય ગતિવિધિઓ પર પણ અસર થઈ શકે છે. જહાજ પર થતા હુમલાની પોર્ટના હેન્ડલિંગ પર અસર થઈ શકે છે.
કચ્છના મુન્દ્રા ખાતેના અદાણી પોર્ટ પર હાલમાં હુમલાઓની સંખ્યા ઓછી છે. અહીં દરરોજના અંદાજે 30 થી 38 વેસેલની ગતિવિધિ રહે છે. જો આગામી સમયમાં જહાજો પરના હુમલાની સંખ્યા વધશે તો દેશની આયાત-નિર્યાત તથા વાર્ષિક 157 મિલિયન મેટ્રિક ટન કાર્ગોના પરિવહન અને કરોડોના વેપાર પર પણ અસર થઈ શકે છે. -- જયદીપ શાહ (PRO, અદાણી પોર્ટ-મુન્દ્રા)
જહાજ પર થતા હુમલાની અસર : જહાજો પર થઈ રહેલા હુમલાના કારણે કાર્ગો લઈને જઈ રહેલા જહાજોની પોર્ટ પરની ગતિવિધિ અને કરોડોના વેપાર પણ અસર થઈ શકે છે. આ અંગે મુન્દ્રાના અદાણી પોર્ટ પરના PRO જયદીપ શાહે જણાવ્યું હતું કે, કચ્છના મુન્દ્રા ખાતેના અદાણી પોર્ટ પર હાલમાં હુમલાઓની સંખ્યા ઓછી છે. માટે જે રૂટિન જહાજોની ગતિવિધિ છે તે ચાલુ જ છે અને દરરોજના અંદાજિત 30 થી 38 વેસેલની ગતિવિધિ રહે છે. જો આગામી સમયમાં જહાજો પરના હુમલાની સંખ્યા વધશે તો દેશની આયાત-નિર્યાત પ્રવૃત્તિઓ પર અસર થઈ શકે છે. તેમજ વાર્ષિક 157 મિલિયન મેટ્રિક ટન કાર્ગોના પરિવહન અને કરોડોના વેપાર પર પણ અસર થઈ શકે છે.
શું હતો બનાવ ? 19 ડિસેમ્બર 2023 ના રોજ MV Chem પ્લૂટો કોમર્શિયલ કાર્ગો જહાજ સાઉદ અરબથી ભારત આવવા રવાના થયું હતું, જે 25 ડિસેમ્બર 2023 ના રોજ તે મેંગલોર પહોંચવાનું હતું. ત્યારે 23 ડિસેમ્બરના રોજ ભારતીય તટરક્ષકની મુંબઈ બચાવ ટીમને આ જહાજ દુર્ઘટનાગ્રસ્ત થયા અંગેની માહિતી મળી હતી. જેના પગલે ભારતીય તટરક્ષક મુંબઈની ટીમ દ્વારા જહાજમાં બચાવ કામગીરી કરવામાં આવી હતી.
ઈરાન ડ્રોન હુમલાની આશંકા : વિશાળ પ્લૂટો કોમર્શિયલ કાર્ગો જહાજમાં આગ લાગી હોવાની ઘટના અંગે કેટલાક માધ્યમો દ્વારા એવો દાવો કરવામા આવી રહ્યો છે કે, આ આગ ઈરાન દેશ દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલાના કારણે લાગી હતી. પ્લૂટો કોમર્શિયલ કાર્ગો જહાજમાં 20 ભારતીય અને 1 વિયેતનામી ક્રૂ સવાર હતા. ત્યારે ભારતીય કોસ્ટ ગાર્ડે પણ આ શિપ પર કથિત ડ્રોન હુમલો કે હવાઈ હુમલો કરાયો હોવાનું જણાવ્યું હતું.
કોસ્ટગાર્ડનું રેસ્ક્યુ ઓપરેશન : ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ મેરીટાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (MRCC) દ્વારા કાર્ગો જહાજના એજન્ટનો સંપર્ક કરી જાનમાલનું કોઈ નુકસાન થયું ન હોવાની પુષ્ટિ કરી હતી. જહાજમાં લાગેલી આગને ક્રૂ દ્વારા ઓલવી દેવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું હતું. બીજી તરફ જહાજની સલામતી વધારવા માટે MRCC મુંબઈએ INS ને સક્રિય કરી દીધું છે. ઉપરાંત અન્ય મદદ પુરી પાડવાના હેતુથી અન્ય કોમર્શિયલ જહાજોને પ્લુટોની આસપાસના દરિયાઈ વિસ્તારમાં મોકલવામાં આવ્યા હતા.