કચ્છ : આજે પતેતીનો તહેવાર એટલે કે પારસીઓનો નવું વર્ષ. રાજાશાહી સમયગાળા દરમિયાન કચ્છમાં પારસી સમુદાયની નોંધપાત્ર સંખ્યા હતી. રાજપથમાં પણ તેઓ પોતાની સેવા આપતા હતા. રાજાશાહી સમયગાળા દરમિયાન કચ્છના મહારાજાએ પારસી પરિવારોને દારૂના કારખાનાના લાયસન્સ આપવાની જવાબદારી સોંપી હતી. આઝાદી પછી કચ્છ ગુજરાતનો એક ભાગ બન્યું હતું. ત્યારથી દારૂબંધીના કારણે તેમનો ધંધો બંધ થઈ ગયો. ત્યારબાદ તમામ પારસી પરિવાર મુંબઈમાં શિફ્ટ થઈ ગયા. આજે સમગ્ર કચ્છમાં માંડવી અને ભુજમાં એક- એક જ પારસી પરિવાર છે.
પારસી સમુદાયનો ભારત પ્રવેશ : કચ્છના જાણીતા ઇતિહાસકાર નરેશ અંતાણીએ કચ્છના વિકાસમાં પારસી સમુદાયના યોગદાન અને તેમના ઇતિહાસ અંગે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, પારસીઓ પર્શિયાથી પહેલી વખત ભારત આવ્યા હતા. ત્યારે તેઓ ગુજરાતના સંજાણ બંદરે પહોંચ્યા હતા. તેમનું સ્વાગત કરવા ત્યાંના રાજવી જાધવ રાણાએ પારસીઓને દૂધનો ગ્લાસ મોકલ્યો હતો. રાજાએ મોકલાવેલ દૂધના ગ્લાસમાં પારસીઓએ ખાંડ નાખી પરત આપતા રાજા તેનાથી ખુશ થયા હતા. રાજાએ પારસી સમુદાયને પોતાના રાજ્યમાં આવકાર્યા હતા. આ લોકવાયકા મુજબ જ દૂધમાં ખાંડ ભળે તેમ ભારતભરની સાથે કચ્છમાં પણ પારસીઓ ભળી ગયા હતા. કચ્છના વિકાસમાં વિવિધ ક્ષેત્રે પારસી સમુદાયનું મહત્વનું યોગદાન છે.
બ્રિટિશ સરકારના સમયે પારસી લોકો કચ્છમાં અંગ્રેજ સરકારના સિપાહીઓ તરીકે આવ્યા હતા. બાદમાં તેઓએ અહીં જ વસવાટ કર્યો હતો. કચ્છના સૌપ્રથમ પારસી પરિવારોમાં સોરાબજી ભુજવાલા પણ હતા. કચ્છમાં લગભગ 150 થી 200 વર્ષ પહેલાં તેઓ આવ્યા હતા. એક સમયે કચ્છમાં પારસી સમુદાયના લોકોની વસ્તી 200 જેટલી હતી. પરંતુ આજે માત્ર ગણતરીના બે પરિવાર જ કચ્છમાં વસી રહ્યા છે.-- નરેશ અંતાણી (ઇતિહાસકાર)
કચ્છના વિકાસમાં ફાળો : કચ્છના વિકાસમાં પારસી સમુદાયના લોકોએ મહત્વનો ફાળો આપ્યો હતો. પહેલાના સમયમાં ભુજની મોડર્ન ટોકીઝનું સંચાલન પારસીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. કચ્છના રાજવી સમયમાં પારસીઓને અફીણ અને દારૂનો વ્યવસાય કરવાનો ઈજારો આપવામાં આવ્યો હતો. જૂની પેઢીને ખ્યાલ હશે કે ભુજમાં વાણિયાવાડ વિસ્તારમાં પીઠું તરીકે ઓળખાતું ત્યાં પારસીઓ પોતાનો વ્યવસાય કરતા હતા. મોટી સંખ્યામાં પારસી પરિવારો પિઠુ ચલાવતા હતા. પરંતુ આઝાદી બાદ સમગ્ર ગુજરાતની સાથે કચ્છમાં પણ દારુબંધી અમલમાં આવતા તેમનો વ્યવસાય બંધ થયો હતો. આ કારણે મોટી સંખ્યામાં પારસી પરિવારો મુંબઈ અને અન્ય શહેરો તરફ સ્થળાંતર થયા હતા.
પારસી સમુદાયના આગેવાન : કચ્છમાં પારસીઓની વસ્તી ખૂબ ઓછી હોવા છતાં વિવિધ ક્ષેત્રોમાં તેમનું યોગદાન મોટું રહ્યું હતું. મુંબઈ અમદાવાદ સહિત કચ્છમાં પણ નાટક અને સિનેમાને વિકસાવવા માટે પારસીઓએ અનેક પ્રયત્નો કર્યા હતા. અંજારના રુસ્તમજી નાગોરે શહેરના નગરપતિ તરીકે સેવા બજાવી હતી. તો માંડવીના નૌશેદજી દસ્તુર શહેરના નગરપતિ ઉપરાંત માંડવીના ધારાસભ્ય પણ રહી ચૂક્યા હતા. હાલમાં કચ્છના ભુજ અને માંડવીમાં પારસી સ્મશાન છે. દાદાભાઈ નવરોજીના પૌત્રીની દફનવિધિ અહીં કરવામાં આવી હતી.
પારસી અગિયારી : પારસી સમુદાયના લોકો અગ્નિને પોતાના દેવ તરીકે પૂજે છે. ભુજમાં લાલ ટેકરી વિસ્તારમાં પારસી અગિયારી આવેલ છે. ભુજમાં પારસી અગિયારીની સ્થાપના 1905 માં પેસ્તનજી ભુજવાલાએ કરી છે. કચ્છના રાજા ખેંગારજીએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું. આજે આ અગિયારીનું મેનેજમેન્ટ પારસી પરિવારના જેહાન ભુજવાલા કરી રહ્યા છે. ભુજવાલા પરિવાર આજે મુંબઈમાં રહે છે. પરંતુ પતેતીનું પર્વમાં ભુજ આવી નવું વર્ષ ઉજવતા હોય છે.
રાજવી પરિવાર સાથે સંબંધ : વર્ષ 1890 માં સોરાબજી ભુજવાલાના પુત્ર પેસ્તનજી ભુજવાલાએ કચ્છમાં ફેલાયેલા પ્લેગ પર કાબૂ મેળવવા માટે મહત્વનો ભાગ ભજવ્યો હતો. એક સમયે કચ્છમાં સિંધમાંથી ઘસી આવતા ધાડપાડુઓનો ભારે ત્રાસ હતો. ત્યારે પેસ્તનજી સોરાબજીએ કચ્છને આ ત્રાસમાંથી મુક્તિ અપાવતા કચ્છ રાજ્ય દ્વારા તેમને ખાન બહાદુરનો ઈલ્કાબ આપવામાં આવ્યો હતો. કચ્છમાં વસતા પારસી પરિવારો અને કચ્છના રાજવી પરિવાર વચ્ચે નજીકના સંબંધો હતા.
દાદાભાઈ નવરોજી : ઉલ્લેખનિય છે કે, દાદાભાઈ નવરોજીએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. તેઓ વિદેશમાં રહી સ્વાતંત્ર્ય સંગ્રામ ચલાવવા કચ્છના મહારાવ ખેંગારજી આર્થિક સહાય પૂરી પાડતા હતા. દાદાભાઈ નવરોજીના પુત્ર ડો. અગ્રેસર નવરોજી કચ્છ રાજપરિવારના ચીફ મેડિકલ ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તો તેમના પૌત્ર સરોશ નવરોજીએ પોતાનું સમગ્ર જીવન કચ્છમાં પસાર કર્યું હતું. તેઓએ કચ્છના પોલીસ કમિશનર તરીકે પણ ફરજ બજાવી હતી.
ધ ભુજ હાઉસ : પારસીઓની સંખ્યા આજે પૂરા ભારતમાં ઘટતી જઈ રહી છે. હાલમાં કચ્છમાં ભુજ અને માંડવીમાં ફક્ત એક-એક પારસી પરિવાર બચ્યા છે. ભુજમાં રહેતા જેહાન ભુજવાલા અને તેમનો પરિવાર પણ વ્યવસાય અર્થે મોટા ભાગે મુંબઈમાં રહેતા હોય છે. પરંતુ પોતાના વતન ભુજને તેમણે મૂક્યું નથી. આજે પણ ભુજમાં તેઓ ધ ભુજ હાઉસ નામથી હોમ સ્ટે ચલાવી રહ્યા છે.