કચ્છ : ભૂજ સ્થિત સરહદી રેન્જ હેઠળના પશ્ચિમ કચ્છ-ભુજ, પૂર્વ કચ્છ–ગાંધીધામ, બનાસકાંઠા, પાટણ જિલ્લામાં કોરોના વાઈરસનો ચેપ અટકાવવા અગમચેતીના રુપે દુકાનોમાં તકેદારી રાખવા તેમજ વડીલોની સલામતી માટે સરકારની ગાઈડલાઈનનો ચુસ્તતાથી પાલન કરવા અપીલ કરાઈ છે. કોવિડ-19ના પગલે દેશમાં લોકડાઉન લંબાવવામાં આવ્યું છે.
જિલ્લાના વિસ્તારોને રેડ, ઑરેન્જ અને ગ્રીન ઝોન પ્રમાણે નક્કી કરવામાં આવ્યા છે. નિયત સમય મર્યાદામાં દુકાનો ખુલ્લી રાખવાની છૂટમાં ચોકકસ બાબતોનો અમલ કરવાના અનુરોધ સાથે દુકાનદારોએ દુકાન બહાર સામાજિક અંતર જળવાય તે માટેનું આયોજન કરવું. પોતે તેમજ દુકાનમાં કામ કરનાર માણસોને જરૂરી માસ્ક, સેનિટાઈઝર, ગ્લોવ્ઝ વગેરેનો અચૂક ઉપયોગ કરાવવો. તમામ ગ્રાહકો માટે હાથ ધોવા સેનિટાઈઝર વગેરેની વ્યવસ્થા કરવાની રહેશે. દુકાનની અંદર યોગ્ય અંતર જાળવી કાઉન્ટર પર ઉભા રહેવું. દુકાનના અંદરના ભાગે એક–એક ગ્રાહકને પ્રવેશ આપવાનો રહેશે. દુકાનદારે સમાયાંતરે દુકાનને સેનિટાઈઝીંગ કરવું.
60 વર્ષથી મોટી ઉંમરના વ્યકિતઓ કે જેમની રોગપ્રતિકારક શકિત ઓછી હોય તેવી વ્યકિતઓને આકસ્મિક અને અનિવાર્ય સંજોગો સિવાય બહાર ન નિકળવા દેવા અપીલ કરવામાં આવે છે. નાગરિકોએ સાંજે 7 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી ઘરની બહાર ના નિકળવા અપીલ છે.
આ તમામ જિલ્લાઓમાં એકલવાયું જીવન જીવતાં સિનીયર સિટિજનોને કોઈપણ તકલીફ કે જીવનજરુરી આવશ્યક વસ્તુઓની કે સેવાની જરૂર જણાય તો પોલીસ તમામ બાબતોનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરશે. જેની રજૂઆત આપેલા ફોન/મોબાઈલ ઉપર ગમે તે સમયે કરી શકાશે.
હેલ્પ લાઈન નંબર આ મુજબ છે.
- પોલીસ મહાનિરીક્ષકની કચેરી સરહદી વિભાગ–ભુજ – 0283223235, 8238072100 છે.
- પશ્ચિમ કચ્છ ભુજ, - 100, 028320-253593/250960; મો.નં.9979923450,
- પૂર્વ કચ્છ–ગાંધીધામ માટે 100,02836-280287, 90990 51100
- બનાસકાંઠા 100, 02742-252600/266339
- જ્યારે પાટણ જિલ્લામાં 100, 02766-230502 એમ સરહદી રેન્જ ભુજની અખબારી યાદીમાં જણાવ્યું છે.