ગઈકાલે મેઘરાજાએ કયાંક ડરાવ્યા હતા. કયાક નવડાવ્યા હતા તો કયાંક પલાડયા હતા આજે પણ ખાવડા રાપર અને ભચાઉ પંથકના ગામોમાં સાંબેલાધાર વરસાદના સમાચાર છે. જોકે તાલુકા મથકોએ સતાવારા મેઘરાજાએ છાંડા વરસાવીને વિરામ રાખ્યો હોવાનું જણાય છે. કચ્છમાં આ વરસાદને પગલે ગામોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે.
વાગડમાં મોટાભાગના ગામોમાં સરેરાશ એકથી 3 ઈંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. આ વરસાદથી મગ, બાજરી, મગફળી, કપાસ, એરંડા, ગુવાર સહિતના પાકને ફાયદો થશે. બીજી તરફ, ભચાઉ-સામખિયાળીની હાઈવે પટ્ટીના લાકડીયા, સામખિયાળી, શિવલખા અને જંગીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તો ભુજના ભીરંડિયારા અને આસપાસના ગામોમાં પણ મુશળધાર ઝાપટું વરસ્યું હોવાના અહેવાલો છે.
મળતી વિગતો મુજબ કચ્છ પર સમુદ્રસપાટીથી 3.6 કિલોમીટરની ઊંચાઈએ સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું હોવાથી સમગ્ર રાજ્યમાં વધુ ચારેક દિવસ વરસાદી વાતાવરણ યથાવત રહેશે. સત્તાવાર આંકડાઓ મુજબ સવારના 6 થી સાંજના 4 વાગ્યા સુધીમાં અંજારમાં 5, ભચાઉમાં 9, ભુજમાં 1, માંડવીમાં 4 અને મુંદરામાં 5 મિ.મી અને રાપરમાં 66મીમી વરસાદ નોંધાયો છે.
સિઝન દરમિયાન અબડાસામાં 668 મીમી, અંજારમાં 434મીમી, ભચાઉમાં 498મીમી, ભૂજમાં 439મીમી, ગાંધીધામમાં 326 મીમી, લખપતમાં 502મીમી, માંડવીમાં 489મીમી, મુદરામાં 319મીમી, નખત્રાણામાં 605 મીમી અને રાપરમાં 584 મીમી વરસાદ નોંધાયો છે.