કચ્છ: વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણમાં નવેમ્બર મહિનાથી શરૂ થતાં રણોત્સવને માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ કચ્છમાં આવી રહ્યા છે. તો આ વર્ષે કચ્છના સફેદ રણ પાસે આવેલા ધોરડો ગામને યુનાઈટેડ નેશન્સ દ્વારા શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે પણ જાહેર કરવામાં આવ્યું છે. 2001ના ભૂકંપમાં તબાહ થયેલું કચ્છ ફરી એકવાર વૈશ્વિક સ્તરે ચમકી ઉઠ્યું છે. નાતાલ અને નવા વર્ષની રજાઓને નવી રીતે ઉજવવા માટે સમગ્ર ભારતમાંથી જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશોમાંથી લોકો કચ્છની મુલાકાતે આવી રહ્યા છે.
તહેવારોમાં ખાસ કાર્યક્રમો: ગયા વર્ષે કુલ 1.94 લાખ જેટલા પ્રવાસીઓએ સફેદ રણની મુલાકાત લીધી હતી. જ્યારે આ વર્ષે ડિસેમ્બરના અંત સુધીમાં જ 2 લાખ પ્રવાસીઓએ સફેદ રણની મુલાકાત લીધી છે. નવા વર્ષની ઉજવણી માટે લોકો દૂર-દૂરથી સફેદ રણ પહોંચી રહ્યા છે. આથી રણોત્સવમાં પણ તહેવારો માટે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસો દરમિયાન રણોત્સવના ટેન્ટ સિટીમાં મહેમાનો માટે ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી લોકો કચ્છની સંસ્કૃતિ અને કલાથી માહિતગાર થાય. કચ્છમાં આવતા પ્રવાસીઓ પણ એક જ પંક્તિનું પુનરાવર્તન કરી રહ્યા છે કે "કચ્છ નહી દેખા તો કુછ નહિ દેખા "
આ વર્ષે કચ્છના રણમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે, જેના કારણે કચ્છની તમામ હોટલો, રિસોર્ટ અને હોમસ્ટે પણ ખીચોખીચ ભરાઈ ગયા છે. દર વર્ષ કરતા આ વર્ષે મોટી માત્રામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે અને ખાસ કરીને ગામને એવોર્ડ મળ્યા બાદ લોકોની અવરજવર પણ વધી છે. ગામના આસપાસના ભુંગાઓમાં પણ લોકોએ પણ 31મી ડિસેમ્બર માટે બે મહિના અગાઉથી એડવાન્સ બુકિંગ કરાવી દીધું છે. આ વર્ષે રણ ઉત્સવમાં લાખો પ્રવાસીઓ આવી થયા છે જેના કારણે સ્થાનિક હજારો પરિવારો અને સમગ્ર કચ્છને રોજગારી મળી રહી છે. - મિયાં હુસેન, સરપંચ, ધોરડો
છેલ્લા એક વર્ષમાં બે લાખ લોકો ઉમટ્યાં: વર્ષ 2022-23ના રણોત્સવમાં કુલ 1,94,663 પ્રવાસીઓએ આ વર્ષે મુલાકાત લીધી હતી. જે પૈકી 860 વિદેશી પ્રવાસીઓ મુલાકાત લીધી હતી. તો કુલ 34,976 વાહનોની અવરજવર થઈ હતી. ગ્રામ્ય મામલતદાર દ્વારા કુલ 32,701 પરમીટ આપવામાં આવી હતી. જેમાંથી 26,122 લોકલ પરમીટનો સમાવેશ થાય છે ઉપરાંત 6575 ઓનલાઇન પરમીટ હતી. તો ગત વર્ષે તંત્રને કુલ 2,01,76,000 રૂપિયાની આવક થઈ હતી તો અત્યાર સુધીમાં 2 લાખ જેટલા પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લઈ ચૂક્યા છે જોકે હજી જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસ બંનેમાં પણ પ્રવાસીઓનો ધસારો જોવા મળશે.
પ્રથમ વખત રણનો નજારો માણવા આવેલા પુણેના પ્રવાસી કૌશલ કૉયડે નિશબ્દ હતા અને પોતાની લાગણી વ્યક્ત કરી શક્યા ન હોતા. કચ્છના રણમાં જઈને તેમને ખૂબ જ આનંદ થયો છે. આવું રણ આજ પહેલા ક્યારેય પણ નથી જોયું અને લોકોમાં પણ અનેરો ઉત્સાહ રણને લઈને જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત રોડ ટુ હેવન રસ્તા પરથી વૈશ્વિક ધરોહર ધોળાવીરાની પણ મુલાકાત લીધી હતી ત્યાં પણ ખૂબ મજા આવી હતી.