સતાવાર વિગતો મુજબ કાસેઝમાં અનિતા એક્સપોર્ટ નામની પેઢીથી યુઝ્ડ ક્લોથનો વેપાર કરતાં 44 વર્ષિય જૂનૈદ યાકુબ નાથાણી (મેમણ)ના શક્તિનગરમાં આવેલા ડુપ્લેક્સ મકાન પર બુધવારે રાત્રે ચાર રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું. આ મકાનમાં વેપારીની રહેણાંકની સાથે નીચે ઓફિસનું કામકાજ કરે છે અને ઉપરના માળે પરિવાર સાથે રહે છે. બુધવારે રાત્રે અચાનક ફાયરિંગનો અવાજ આવ્યો હતો. શરૂઆતમાં ક્રિસમસ હોઈ કોઈ ફટાકડાં ફોડતું હશે તેમ તેમણે માન્યું હતું, પરંતુ નીચે ઓફિસમાં રહેલા તેમના ત્રણ કર્મચારી મોહસીન, ફિરોઝ અને અઝીમે રાડારાડ કરતાં તે નીચે દોડી ગયાં હતી અને કહ્યું હતું કે, બાઈકસવારોએ ફાયરિંગ કર્યું છે. બાઈક પર આવેલા બે યુવકો પૈકી એક જણાએ નીચેના રૂમની બારીમાંથી અંદર 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જો કે, 1 રાઉન્ડ મીસફાયર થયો હતો. બુલેટ બારીનો કાચ તોડી રૂમની દિવાલ સાથે અથડાયો હતો. સદભાગ્યે કોઈને ઈજા થઈ નહોતી.
![ગાંધીધામમાં ઉદ્યોગપતિના ઘરે ચાર રાઉન્ડ ફાયરિંગથી ચકચાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5502730_91_5502730_1577369780669.png)
બનાવ અંગે જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. સ્થળ પરથી પોલીસને બે ફૂટેલી કારતૂસ અને એક લાઈવ કારતૂસ મળ્યા હતા. ફાયરિંગ કરનાર બન્ને આરોપી CCTVમાં કેદ થઈ ગયાં છે. રાત્રે 9.11 કલાકે કાળા રંગની મોટર સાયકલ પર 20થી 25 વર્ષની વયના બે યુવકોએ આવ્યા હતા. એક જણો મોટર સાયકલ ચાલુ રાખીને ઉભો હતો અને બીજાએ બાઈક પરથી નીચે ઉતરી મોઢામાં મોબાઈલની ટૉર્ચ ચાલું રાખી ગેટ આગળ બારી પાસે આવી ફાયરીંગ કર્યું હતું. ફાયરિંગ કરનાર યુવકે માથે ટોપી અને આખી બાંયનું સ્વેટર પહેરેલું છે. જ્યારે બાઈક પર રહેલા યુવકે અડધી બાંયની સફેદ ટી શર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલું છે. આરોપીઓ દિપક બેકરીવાળા રોડ પરથી આવ્યા હતા અને ફાયરિંગ કર્યા બાદ ગાયત્રી મંદિરવાળા રોડ પર નાસી ગયાં હતા.
![ગાંધીધામમાં ઉદ્યોગપતિના ઘરે ચાર રાઉન્ડ ફાયરિંગથી ચકચાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5502730_738_5502730_1577369826721.png)
પ્રાથમિક પુછપરછમાં ભોગ બનનાર મૂળ રાજકોટના ઉપલેટાના વતની એવા વેપારી જૂનૈદભાઈએ પોલીસને જણાવ્યું કે, તેમને કોઈ પ્રકારની ધાક-ધમકી મળી નથી. જોકે હાલ ફાયરિંગના બનાવ પાછળ ધંધાકીય અદાવત સંકળાયેલી છે કે, અન્ય કોઈ કારણ તે અંગે પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ચાર વર્ષ અગાઉ ગાંધીધામ જીઆઈડીસીમાં આ રીતે એક યુવાન વેપારીને સરેઆમ ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારાયો હતો, ભોગ બનનાર પણ યુઝડ કલોથસના ધંધા સાથે સંકળાયેલો હતો. આ કેસમાં કુખ્યાત ગેંગસ્ટર અફરોઝની સંડોવણી સામે આવી હતી. ત્યારે આ ઘટનાએ ગાંધીધામની વેપારી આલમમાં ભારે ચકચાર સર્જી છે. ઘટના અંગે ઉચ્ચઅધિકારીઓએ પણ ચોંકી ઉઠ્યાં છે.
![ગાંધીધામમાં ઉદ્યોગપતિના ઘરે ચાર રાઉન્ડ ફાયરિંગથી ચકચાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5502730_960_5502730_1577369802594.png)