કચ્છઃ આજે કચ્છને કોઈ ઓળખની જરુર રહી નથી. વિશ્વ સ્તરે કચ્છ પ્રવાસન અને કળાને લઈને પ્રસિદ્ધ છે. કચ્છના પ્રવાસનને વધુ વેગ મળે તેવી રાજ્ય સરકારની યોજનાને કેન્દ્ર સરકારે મંજૂર કરી છે. કચ્છના બન્ની ઘાસના મેદાનોમાં ફરીથી ચિત્તા જોવા મળશે. રાજ્ય સરકાર બન્ની ઘાસના મેદાનોમાં ચિત્તાનું સંરક્ષણ અને સંવર્ધન કરવા માંગે છે. જેના માટે ચિત્તાના બ્રીડિંગ સેન્ટરને કેન્દ્ર સરકારે આજે મંજૂરી આપી છે.
પ્રોજેક્ટને આજે મળી મંજૂરીઃ ભૂતકાળમાં બન્ની ઘાસના મેદાનો ચિત્તા માટેનું ઉત્તમ અને અનુકુળ રહેઠાણ હતું. કાળક્રમે ચિત્તા લુપ્ત થતા ગયા. ગુજરાત સરકારે દેશમાં ચિત્તાની સંખ્યા વધે અને ચિત્તાના સંવર્ધનને સહાય મળી રહે તે હેતુથી ચિત્તા સંવર્ધન માટે બ્રીડિંગ સેન્ટરનો એક પ્રોજેક્ટ તૈયાર કરી કેન્દ્ર સરકારને મોકલી આપ્યો હતો. કેન્દ્ર સરકારની સંસ્થા CAMPA(નેશનલ કોમ્પેન્સેટરી ફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ ઓથોરિટી)એ પોતાની કાર્યકારી સમિતિની બેઠકમાં આ પ્રોજેક્ટને આજે મંજૂરી આપી દીધી છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) આ પ્રોજેક્ટની પ્રગતિ પર નજર રાખશે.
કચ્છના પ્રવાસનને વેગ મળશેઃ કચ્છ જિલ્લો ટૂરિઝમ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે. જો બન્ની ઘાસના મેદાનોમાં ફરીથી ચિત્તા મુક્ત રીતે વિચરતા થશે તો કચ્છના પ્રવાસનને વધુ વેગ મળી શકે તેમ છે. બન્ની ઘાસના મેદાનોમાં ચિત્તા માટેના બ્રીડિંગ સેન્ટરના રાજ્ય સરકારના પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. હવે કચ્છના બન્ની ઘાસના મેદાનો ચિત્તાના રહેઠાણ માટે ફરીથી વિશ્વભરમાં ખ્યાતિ મેળવશે.
કચ્છના બન્ની ઘાસના મેદાનોમાં ચિત્તાના સંરક્ષણ અને સંવર્ધન માટેના રાજ્ય સરકારના બ્રીડિંગ સેન્ટર પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. હવે કચ્છનો આ પ્રદેશ ચિત્તાના નિવાસસ્થાન તરીકે વિશ્વફલક પર ફરીથી જાણીતો થશે...મૂળુભાઈ બેરા(વન પ્રધાન)