કચ્છઃ ગરીબવર્ગના અને રેશનકાર્ડ ન ધરાવતાં વ્યકિતઓને અન્નબ્રહ્મ યોજના હેઠળ અન્ન આપવામાં આવી રહ્યું છે. કુટુંબની વ્યકિતઓની સંખ્યાના આધારે અન્નબ્રહ્મ યોજનાની કીટ બનાવવામાં આવી છે. તેમજ આ કીટમાં બાળકો માટે બિસ્કિટ પણ મૂકવામાં આવ્યા છે. આજે અને આવતીકાલ સુધીમાં તમામ લાભાર્થીઓેને કીટ વિતરણ કરી દેવાશે.
રાજયપ્રધાન વાસણભાઇ આહિરે પાત્રતા ધરાવતાં 50 લાભાર્થીઓને અન્નબ્રહ્મ યોજના કીટ આપી અંજાર તાલુકામાં અન્નબ્રહ્મ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. પ્રધાન વાસણભાઈએ તમામ લાભાર્થીઓને સામાજિક અંતર જાળવવા તેમજ રાજય સરકારના કોરોના વાયરસ કોવીડ-19 ના અગમચેતી અને સાવચેતીના પગલાં વિશે માહિતી આપી હતી. તેમજ અન્નબ્રહ્મ યોજના વિશે પણ વિગત પુરી પાડી હતી. તેમણે પોલીસ કર્મીઓની કામગીરીને બિરદાવી હતી.
મામલતદાર અફઝલ મંદોરીએ કહ્યું કે, અંજાર તાલુકામાં આજે ૬૦૦ અન્નબ્રહ્મ અનાજ કીટ વિતરણ કરવામાં આવી હતી. તેમજ બે દિવસમાં પાત્રતા ધરાવતા કુલ 1218 લાભાર્થીઓને અન્નબ્રહ્મ યોજનાનો લાભ આપવામાં આવશે. જયારે નખત્રાણા તાલુકામાં પાત્રતા ધરાવતાં 120 કુટુંબના 285 લાભાર્થીઓને છેલ્લા બે દિવસમાં અન્નબ્રહ્મ યોજના કીટ અપાઇ. જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે. અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એસ.એમ.કાથડના માર્ગદર્શન હેઠળ અને આદેશ મુજબ અન્નબહ્મ યોજનાની કામગીરી કરવામાં આવી હતી.