ભુજઃ કચ્છમાં કોરોના મહામારીમાં બુધવારે પહેલું મોત નોંધાયું હતું. માધાપરની ક્રિષ્નાપાર્ક સોસાયટીના 62 વર્ષીય પુરુષ દર્દીનું કોરોનાથી મોત નીપજ્યું છે. મોડી રાત્રે તંત્રએ આ અંગેની પુષ્ટી કરી હતી. છેલ્લા બે દિવસથી તેમની સારવાર વચ્ચે સ્થિતી ગંભીર બની હતી. સાંજે સ્થિતી વધુ વિકટ રહ્યા બાદ મોડી સાંજે આ વૃદ્ધે દમ તોડી દીધો હતો.
જિલ્લા આરોગ્ય વિભાગે મોડી સાંજે આ મૃત્યુની પુષ્ટિ સાથે જણાવ્યું હતું કે, ગત પાંચમી એપ્રિલે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ તેમના નિકટના સંપર્કમાં આવેલા તેમના પત્ની અને પુત્રવધૂને પણ કોરોના હોવાનું બહાર આવ્યું હતું. કોમ્યુનિટી ટ્રાન્સમિશનથી તેમને ચેપ લાગ્યો હોવાના અનુમાન વચ્ચે હજુ સુધી તેમના ઈન્ફેક્શનનો સોર્સ મળી શક્યો નથી. જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ સોની વૃદ્ઘિની તબિયત સતત કથળતી જતી હતી. ફેફસામાં ઈન્ફેક્શન ફેલાતું જતું હોઈ તેમને વેન્ટીલેટર પર રખાયા હતાં.
જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી અને જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પ્રેમકુમાર કન્નરે ઈટીવી ભારતને જણાવ્યું કે, મૃતકની ડેડ બૉડીને પ્રોટોકોલ મુજબ ખાસ આવરણમાં સંપૂર્ણ પૅક કરી ભુજના ખારી નદી સ્મશાનગૃહે લઈ જઈ રાત્રે જ અંતિમ સંસ્કાર કરી દેવાયા હતાં.